નીરવ મોદી ૨૬ એપ્રિલ સુધી જેલહવાલેઃ જામીન નકારાયા

જામીન અપાય તો ભાગી જવાની શંકાઃમહત્ત્વના સાક્ષી આશિષ લાડને મારી નાખવાની ધમકીઃકોર્ટમાં માલ્યા અને જેલની કોટડીનો ઉલ્લેખ થયો

Saturday 30th March 2019 07:49 EDT
 
 

લંડનઃ પંજાબ નેશનલ બેન્કના ૧૩,૫૦૦ કરોડ રુપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીની જામીન અરજી વેસ્ટમિન્સ્ટર કોર્ટે નકારી કાઢી છે. નીરવ મોદીને ૨૯ માર્ચ, શુક્રવારે કોર્ટમાં રજૂ કરાયો હતો. ચીફ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટે કહ્યું હતું કે જામીન આપ્યા પછી ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી સમર્પણ કરે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. હવે નીરવ મોદીને આગામી સુનાવણીની તારીખ ૨૬ એપ્રિલ સુધી જેલમાં જ રખાશે અને ત્યારે આરોપીને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરાશે. આ સુનાવણીમાં પ્રોસીક્યુશને ગંભીર આક્ષેપ કર્યો હતો કે નીરવે એક સાક્ષીને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુનાવણી દરમિયાન ઈડી-સીબીઆઈના અધિકારીઓ લંડનની કોર્ટમાં હાજર રહ્યા હતા. ૧૯ માર્ચે ધરપકડ કરાયા પછી નીરવ મોદી નવ દિવસથી વોન્ડ્ઝવર્થ જેલમાં છે. ઉલ્લેખનીય છે કે ચીફ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટે જ લિકર બેરન વિજય માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો.

જામીન અપાય તો ભાગી જવાની શંકા

ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા ધારાશાસ્ત્રી ટોબી કૈડમેને કોર્ટમાં જણાવ્યું કે નીરવ ભારતીય એજન્સીઓને સહકાર આપી રહ્યો નથી. જામીન મળવા સાથે તે બહાર ભાગી શકે છે. આ ઉપરાંત, જેલની બહાર રહેશે તો પુરાવાનો નાશ કરવા અને સાક્ષીઓને ધમકાવી પણ શકે છે.

આની સામે નીરવના વકીલ આનંદ દૂબેએ એવી રજૂઆત કરી હતી કે મોદી જાન્યુઆરી ૨૦૧૮થી લંડનમાં છે. તેને ઘરમાં નજરકેદ કે ઇલેક્ટ્રોનિક મોનિટરિંગમાં રાખી શકાય તેમજ દરરોજ સ્થાનિક પોલીસ મથકે હાજરી પણ પુરાવી શકાશે. જોકે, જજ આ શરતી જામીન સાથેપણ સહમત થયાં ન હતાં અને જામીનઅરજી ફગાવતા કહ્યું કે આ માત્ર થોડા પેપરોની મોટી ફાઇલ છે. જજ આર્બુથ્નોટે જણાવ્યું હતું કે નીરવ મોદીએ નાના ટાપુ દેશ વેનુએટુની નાગરિકતા મેળવવાના કરેલા પ્રયત્નો દર્શાવે છે કે તેણે મહત્ત્વપૂર્ણ સમયે ભાગી જવાના પ્રયત્નો કર્યા હતાં.

મહત્ત્વના સાક્ષી આશિષ લાડને મારી નાખવાની ધમકી

નીરવ મોદીએ છેતરપિંડી અને મની લોન્ડરિગના કેસના મહત્ત્વપૂર્ણ સાક્ષી આશિષ લાડને ફોન પર મારી નાખવાની ધમકી આપવા સાથે તેને ખોટું નિવેદન આપવા માટે ૨૦ લાખ રુપિયાની ઓફર કરી હોવાનો ઘટસ્ફોટ વેસ્ટમિન્સ્ટર કોર્ટ સમક્ષ કરાયો હતો. આવી જ રીતે તેણે નિલેશ મિસ્ત્રી અને અન્ય ત્રણ સાક્ષીઓને પણ ફોન પર ધમકી આપી હતી. ભારત વતી ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ(સીપીએસ)એ દલીલ કરી હતી કે નીરવ મોદીની જામીન અરજી નામંજૂર કરવી જોઇએ કારણકે તે પોતાની વિરુદ્ધના સાક્ષીઓને ફોન પર મારી નાખવાની ધમકી આપે છે.

કોર્ટમાં માલ્યા અને જેલની કોટડીનો ઉલ્લેખ

જામીન અરજી પરની સુનાવણી દરમિયાન ચીફ મેજિસ્ટ્રેટે નીરવનું પ્રત્યાર્પણ કરાય તો તેને ભારતની કઈ જેલમાં રાખવામાં આવશે તે જાણવાના પ્રયાસમાં વિજય માલ્યાને રાખવામાં આવ્યા છે તે જ બેરેકમાં નીરવ મોદીને રાખવામાં આવશે? તેવો પ્રશ્ન કરતાં રમૂજનું વાતાવરણ પ્રસરી ગયું હતું. ડિસેમ્બરમાં વિજય માલ્યાના પ્રત્યાર્પણના આદેશ કરનારાં જજ એમ્માએ જણાવ્યું હતું કે આ કેસમાં ઘણી બધી બાબત પરિચિત લાગે છે.

ભારત તરફથી ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસના વકીલે પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે પ્રત્યાર્પણ પછી નીરવને મુંબઈ લઈ જવાશે અને વિજય માલ્યાની બેરેક તૈયાર કરવામાં આવી છે, તે આર્થર રોડ જેલમાં જ તેને રાખવામાં આવે તેવો સંભવ છે. જજે વાતાવરણ હળવું કરતાં રમૂજના અંદાજમાં કહ્યું હતું કે નીરવને પણ માલ્યા વાળી બેરેકમાં રાખી શકાય છે. અમને ખબર છે કે તેમાં જગ્યા છે. માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં સુનાવણી વખતે ભારત તરફથી રજૂ થયેલો બેરેકનો વીડિયો પણ જોયો હતો.

જામીન મેળવવા શ્વાનની દેખભાળનો મુદ્દો

નીરવ મોદીના વકીલ ક્લેર મોન્ટગોમેરીએ જામીન મેળવવા તેના અસીલના બ્રિટન સાથે સારા સંબંધ, લંડનમાં રહેવા છતાં ભાગી છૂટવા પ્રયાસ ન કર્યો સહિત તમામ પ્રકારના તર્કોનો સહારો લીધો હતો. વકીલે જામીન મેળવવાના પ્રયાસમાં હાસ્યાસ્પદ અને વિચિત્ર કારણ દર્શાવતા એમ પણ જણાવ્યું હતું કે નીરવને બે પાલતુ શ્વાનને સાચવવાના છે. નીરવનો પુત્ર લંડનની ચાર્ટરહાઉસ સ્કૂલ પછી વધુ અભ્યાસાર્થે યુનિવર્સિટીમાં ગયો છે. નીરવને એકલતા દૂર કરવા અને વૃદ્ધ માતાપિતાને હૂંફ મળી રહે તે માટે શ્વાન પાળવાની ફરજ પડી છે. બ્રિટનના લોકો જાનવરોને ખૂબ પ્રેમ કરતાં હોય છે તેથી પણ તેમના અસીલને જામીન અપાવા જોઈએ.

જજે નીરવના વકીલને ઝાટકી કાઢયા

કેસની સુનાવણીમાં જજે જણાવ્યું હતું કે, નીરવ મોદી દ્વારા કાયેલી છેતરપિંડીના કારણે ભારતની બેન્કોને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત પુરાવાઓનો પણ નાશ કરવામાં આવ્યો છે. મારા મતે આ કેસ છેતરપિંડીનો અસાધારણ કેસ છે. આ કેસમાં જામીન આપી શકાય તેમ નથી. તેમણે નીરવના વકીલની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે, તમે મારી સામે જે દસ્તાવેજો રજૂ કર્યા છે તે માત્ર કાગળોને એક ફાઈલ છે. તેમાં કશું જ નક્કર સાબિત થતું નથી. ઉલ્લેખનીય છે કે, જજ આર્બુથ્નોટે જ ગત વર્ષે ડિસેમ્બરમાં માલ્યાના પ્રત્યાર્પણના આદેશ આપ્યા હતા.

સીબીઆઈ અને ઈડીની ટીમ લંડનમાં

નીરવના કેસની સુનાવણી માટે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની ટીમ લંડન ગઈ છે. સીબીઆઈ-ઈડીની ટીમમાં બંને તપાસ એજન્સીઓના જોઈન્ટ ડાયરેક્ટર સ્તરના અધિકારીઓ છે. ભારત નીરવના પ્રત્યાર્પણની કોશિશ કરી રહ્યું છે. આ ટીમ નીરવની વિરુદ્ધ દાખલ કરાયેલી ચાર્જશીટની કોપી રજૂ કરશે. નીરવની જામીન અરજીની સુનાવણીમાં તેની વિરુદ્ધ મજબૂત રજૂઆત કરી શકાય તે માટે સીબીઆઈ-ઈડીની ટીમ તેની સાથે નીરવ, તેની પત્ની અમી, મેહુલ ચોકસી અને અન્યની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ્સની નકલો ઉપરાંત, નીરવ અને તેની કંપનીઓની ટાંચમાં લેવાયેલી સંપતિઓ સાથે સંકળાયેલા દસ્તાવેજો પણ લઈ ગયા છે. સુનાવણી અગાઉ ટોબી કેડમેને સ્પષ્ટ કર્યું હતું કે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી જો નીરવ મોદીને જામીન મળશે, તો અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું અને તેને કસ્ટડીમાં રાખવા માટે તમામ પ્રયત્નો કરીશું.

ઉલ્લેખનીય છે કે, લંડનના સ્થાનિક અખબાના જર્નાલિસ્ટે દ્વારા નીરવ લંડનમાં સંતાયો હોવાના પુરાવા જાહેર કરાતા ભારતીય એજન્સીઓ સતર્ક બની હતી. ભારતના પ્રયાસને પગલે લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે નીરવને ઝડપીને કોર્ટ સામે રજૂ કરવાના આદેશ આપ્યા હતા. સ્કોટલેન્ડ યાર્ડે બેન્કની સેન્ટ્રલ લંડનની એક શાખામાં નવું ખાતુ ખોલાવવા ગયેલા નીરવ મોદીને અટકાયતમાં લીધો હતો. પોલીસે ૧૯ માર્ચે જ ધરપકડ કરીને તેને કોર્ટ સામે રજૂ કર્યો હતો. તેણે પાંચ લાખ પાઉન્ડના અંગત બોન્ડ ઉપર જામીનની માગણી કરી હતી પરંતુ, કોર્ટે તેની નાસી જવાની શક્યતાને આધારે જામીન આપવા ઈનકાર કરી ૨૯ માર્ચ સુધી જેલમાં મોકલી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter