નીરવ મોદીના પ્રત્યર્પણનો માર્ગ મોકળોઃ લંડન હાઇકોર્ટે અપીલ ફગાવી

નીરવ મોદીની અપીલ ફગાવતાં હાઇકોર્ટે ભારતીય એજન્સીઓના આશ્વાસન સ્વીકાર્યાં

Tuesday 31st March 2026 10:19 EDT
 
 

લંડનઃ આર્થિક અપરાધીઓને ભારત પરત લાવવાના નવી દિલ્હીના પ્રયાસોને સફળતા મળી રહી છે. લંડન હાઇકોર્ટે પ્રત્યર્પણ કેસની પુનઃસુનાવણી કરવાની માગ કરતી નીરવ મોદીની અપીલ ફગાવી દેતાં નીરવ મોદીને ભારત પરત લાવવાનો માર્ગ મોકળો બન્યો છે.

લંડન હાઇકોર્ટના લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જેની બેન્ચે 18 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, કેસની પુનઃસુનાવણી ફરી કરવી પડે તેવી અસામાન્ય પરિસ્થિતિ સર્જાઇ નથી. હાઇકોર્ટે ભારત સરકારે આપેલા આશ્વાસનનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકારનો ઇરાદો વિશ્વસનીય છે અને તે તેનું પાલન કરશે. ભારત સરકારે હાઇકોર્ટને આશ્વાસન આપ્યું હતું કે, જો નીરવ મોદીને ભારત પરત મોકલવામાં આવશે તો તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ નહીં કરાય.

ઓગસ્ટ 2025માં કરેલી અપીલમાં નીરવ મોદીએ આરોપ મૂક્યો હતો કે જો મને ભારત ખાતે પ્રત્યર્પિત કરાશે તો મારી પૂછપરછ થશે અને મારા પર અત્યાચાર ગુજારવામાં આવશે. મોદીના આ આરોપની સામે આશ્વાસન આપતાં ભારત સરકારે જણાવ્યું હતું કે, નીરવ મોદીની કોઇ પૂછપરછ નહીં કરાય અને તેની સામે ફક્ત ખટલો ચલાવવામાં આવશે. સીબીઆઇ કે ઇડી દ્વારા કોઇપ્રકારની પૂછપરછ કરાશે નહીં. નીરવ મોદી સામેના કેસો સુનાવણી માટે તૈયાર છે.

નીરવ મોદી સામેના કેસમાં મળેલી સફળતા બાદ ભારતની તપાસ એજન્સી સીબીઆઇએ જણાવ્યું હતું કે, અમારા પ્રયાસોને સફળતા મળી છે. અમે અદાલતમાં સચોટ દલીલો રજૂ કરી શક્યાં હતાં.

નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક સાથે અંદાજે 13,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે, જેમાં વ્યક્તિગત રીતે તેના પર 6,498.20 કરોડ રૂપિયાની હેરાફેરીનો ગંભીર આરોપ છે. ત્યાર બાદ તે લંડન ભાગી ગયો છે. જેના કારણે હાલ તેના પ્રત્યર્પણ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. નીરવ મોદી માર્ચ 2019થી બ્રિટનની જેલમાં બંધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter