લંડનઃ ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર નીરવ મોદીની ભારત ખાતે પ્રત્યર્પણને પડકારતી અપીલ યુકેની અદાલતે સ્વીકારી છે. જેના પગલે નીરવ મોદીના પ્રત્યર્પણમાં વિલંબ થઇ શકે છે. કોર્ટે નીરવ મોદીની અપીલ સ્વીકારતાં ભારત સરકારના અધિકારીઓ અને તપાસ એજન્સીઓ લંડનને વિધિવત જવાબ આપવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે કારણ કે હવે લાંબી કાનૂની પ્રક્રિયાનો પ્રારંભ થઇ શકે છે. ભારત સરકાર આ પ્રક્રિયા અટકાવવાના પ્રયાસમાં છે.
નીરવ મોદીની લીગલ ટીમે ગયા મહિને વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં અરજી દાખલ કરી નીરવ મોદીના ભારત ખાતેના પ્રત્યર્પણની પુનઃસમીક્ષાની માગ કરી હતી. કોર્ટે આ અરજી સ્વીકારીને ભારત સરકારને નોટીસ પાઠવી છે.
નીરવ મોદીની લીગલ ટીમે એવી દલીલ રજૂ કરી હોવાનું મનાય છે કે જો મોદીને ભારત ખાતે પ્રત્યર્પિત કરાશે તો તેની સંખ્યાબંધ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરાશે જેના કારણે તેના પર અત્યાચાર થઇ શકે છે.
ભારત સરકારે જણાવ્યું છે કે અમે યોગ્ય રાજદ્વારી ચેનલો દ્વારા જવાબ આપવાની તૈયારી કરી રહ્યાં છીએ. અમે નીરવ મોદીના દાવા નકારીને કોર્ટને તેની અરજી નકારી કાઢવાની અપીલ કરીશું.


