નીરવ મોદીના ભારત ખાતેના પ્રત્યાર્પણ આડે રાજ્યાશ્રયની અરજી અવરોધ બની રહી હોવાની સંભાવના

મોદીને રાજ્યાશ્રય મળે તો તેને બ્રિટનમાં વસવાટના તમામ અધિકાર મળી શકે – કાનૂની નિષ્ણાત

Wednesday 18th January 2023 06:50 EST
 
 

લંડન

પંજાબ નેશનલ બેન્કના ઐતિહાસિક કૌભાંડના આરોપી નીરવ મોદીના ભારત ખાતે પ્રત્યાર્પણની તમામ અદાલતી કાર્યવાહી પૂરી થઇ હોવા છતાં તેને ભારતને સોંપવામાં આવી રહ્યો નથી. 15 ડિસેમ્બર 2022ના રોજ બ્રિટનની સુપ્રીમ કોર્ટે નીરવ મોદીની અપીલ નકારી કાઢ્યા બાદ કેને 28 દિવસમાં દેશનિકાલ કરવાની જોગવાઇ બ્રિટિશ કાયદામાં છે. 28 દિવસની ડેડલાઇન પૂરી થઇ હોવા છતાં નીરવ મોદીને ભારતને સોંપાયો નથી. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, નીરવ મોદીના પ્રત્યાર્પણની તમામ પ્રક્રિયા પૂરી થઇ હોવા છતાં કોઇક કાયદાકીય મામલો તેમાં અડચણરૂપ બની રહ્યો છે.

લંડનમાં 39 એસેસ્કસ ચેમ્બર્સના બેરિસ્ટર કરિશ્મા વોરાએ જણાવ્યું હતું કે, નીરવ મોદીએ રાજ્યાશ્રય માટે અપીલ કરી હોવી જોઇએ કારણ કે તેના પ્રત્યાર્પણને અટકાવી શકે તેવો કોઇ કાયદાકીય અવરોધ દેખાઇ રહ્યો નથી. એમ લાગી રહ્યું છે કે તેની રાજ્યાશ્રયની અરજી મંથર ગતિએ આગળ વધી રહી છે. જો તેની રાજ્યાશ્રયની અરજી નકારી કાઢવામાં આવશે તો તેને ભારતને સોંપી દેવાશે પરંતુ જો તેની રાજ્યાશ્રયની અરજી સ્વીકારીને તેને બ્રિટનમાં વસવાટના અધિકાર આપી દેવાશે તો તેને બ્રિટનમાંથી દેશનિકાલ કરી શકાશે નહીં. મને નથી લાગતું કે નીરવ મોદીને બ્રિટનમાં રાજ્યાશ્રય મળે તેની સંભાવના પ્રબળ છે.

નીરવ મોદી હજુ બ્રિટનની જેલમાં છે અને તેને રાજ્યાશ્રયની સંભાવના દેખાતી નથી. જો તેમ હોત તો તેને જેલમાંથી મુક્ત કરી દેવાયો હોત. જો નીરવ મોદીને હજુ ભારતને સોંપાઇ રહ્યો નથી તો તેનો અર્થ એ છે કે તેની રાજ્યાશ્રયની અરજી અવરોધરૂપ બની  રહી છે અને હાલ તેના પર પ્રક્રિયા ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter