લંડનઃ નીરવ મોદીને ભારત ખાતે પ્રત્યર્પિત કરવાના કેસમાં ભારત સરકારે યુકેને વચન આપ્યું છે કે જો નીરવ મોદીને ભારત ખાતે પ્રત્યર્પિત કરવામાં આવશે તો ભારતની કોઇપણ એજન્સી દ્વારા નીરવ મોદીની પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલામાં કોઇ પ્રકારની પૂછપરછ કરાશે નહીં. તેના પર ફક્ત કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. ભારત સરકારે એવી પણ આશા વ્યક્ત કરી છે કે યુકેની અદાલત નીરવ મોદીની અપીલને પ્રથમ સુનાવણીમાં જ નકારી કાઢશે.
ભારત સરકારે યુકેને એવું પણ આશ્વાસન આપ્યું છે કે નીરવ મોદીને મુંબઇ સ્થિત આર્થર રોડ જેલમાં રખાશે જ્યાં કેદીઓને સારી સ્થિતિમાં રખાય છે. ભારત સરકારની એજન્સીઓ સીબીઆઇ, ઇડી, એસએફઆઇઓ, કસ્ટમ અને આવકવેરા વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ પત્ર યુકે સરકારને પાઠવવામાં આવ્યો છે.
ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે જો નીરવ મોદીને ભારતને સોંપી દેવાશે તો તેની સામે ફક્ત ફ્રોડ અને મની લોન્ડરિંગનો ખટલો જ ચલાવવામાં આવશે. લંડનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ અદાલત સમક્ષ ભારત સરકારનો આશ્વાસન પત્ર રજૂ કરે તેવી સંભાવના છે.


