નીરવ મોદીની જેલ કસ્ટડી ૨૪ મે સુધી લંબાવાઈ

જામીન અરજી રજૂ ન કરાઈઃ ૩૦ મેએ કોર્ટમાં હાજર રાખી પ્રત્યાર્પણ સંબંધિત કેસમાં વધુ સુનાવણી

Saturday 27th April 2019 07:45 EDT
 
 

લંડનઃ પંજાબ નેશનલ બેન્ક સાથે બનાવટી લેટર ઓફ અંડરટેકિંગ્સ દ્વારા ૧૩,૭૦૦ કરોડ રુપિયાની છેતરપીંડીના કૌભાંડના આરોપી અને હીરાના વેપારી નીરવ મોદી દ્વારા જામીન માગવાનો પ્રયાસ નહિ કરાતા કોર્ટે શુક્રવાર, ૨૬ એપ્રિલે તેની પોલીસ કસ્ટડી લંબાવી છે. ચીફ મેજિસ્ટ્રેટ અમ્મા આર્બુથ્નોટે જણાવ્યું હતું કે ૨૪ મેએ વીડિયોલિન્ક દ્વારા ટુંકી અનૌપચારિક સુનાવણી કરાશે અને ૩૦ મેએ કોર્ટમાં હાજર રાખી પ્રત્યાર્પણ સંબંધિત કેસમાં વધુ સુનાવણીનું આયોજન છે. વોન્ડ્ઝવર્થ જેલમાં રખાયેલા નીરવ મોદીની પ્રોસિજરલ સુનાવણી વીડિયો લિન્ક દ્વારા કરાઈ હતી કારણકે યુકેમાં આરોપીને દર ચાર સપ્તાહે કોર્ટ સમક્ષ રજૂ કરવો પડે છે.

નીરવ મોદીની લીગલ ટીમે લંડનની કોર્ટમાં જામીન માગવા કોઈ પ્રયાસ કર્યો ન હતો. અગાઉ, વેસ્ટમિન્સ્ટર કોર્ટે ૧૯ અને ૨૯ માર્ચે પણ નીરવને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. જજ આર્બુથ્નોટે નીરવ મોદી દેશ છોડીને ભાગી જાય તેવી શકયતાના આધારે તેમજ કેસના એક સાક્ષીને આપેલી ધમકી અને પુરાવા સાથે ચેડાંની શક્યતાના કારણોસર તેની જામીન અરજી ફગાવી દીધી હતી. યુકેમાં કોમ્યુનિટી સંબંધોનો અભાવ તેમજ ૨૦૧૭માં સાઉથ પાસિફિક ઓશનના ટચુકડા વાનુઆટુ ટાપુની નાગરિકતા મેળવવાનો પ્રયાસ પણ નીરવ મોદીની વિરુદ્દ ગયો હતો. જજે કહ્યું હતું કે તેઓ ફરી કોર્ટના શરણે આવે નહિ તે જોખમ અને કોમ્યુનિટી સાથે તેના સંબંધોના અભાવે તેઓ જામીન માન્ય રાખી શકે તેમ નથી. તે સમયે સોલિસીટર આનંદ દૂબેના વડપણ હેઠળની નીરવ મોદીની લીગલ ટીમે એક મિલિયન પાઉન્ડની સિક્યોરિટી તેમજ તેમના અસીલને નજરકેદ રખાયો હોય તે રીતે ઈલેક્ટ્રોનિક ટેગની મર્યાદાઓ સાથે શરતી જામીન આપવાની રજૂઆત કરી હતી. જોકે, જજ આર્બુથ્નોટે ચુકાદામાં નોંધ્યું હતું કે,‘ભારતની બેન્કને ૧થી ૨ બિલિયન ડોલરની વચ્ચે ખોટ ગઈ હોય તેવો આ દેખીતો ફ્રોડનો કેસ છે. આ કેસમાં જામીનની શરતો ભારત સરકારને સંતોષ થાય તેવી હોવા વિશે મને સંતોષ થયો નથી.’ આ પછી, તેને બ્રિટનની સૌથી ભરચક વોન્ડ્ઝવર્થ જેલમાં મોકલાયો હતો અને ૨૬ એપ્રિલે સુનાવણી નિશ્ચિત કરાઈ હતી.

જો જામીન માટે અલગ અને વધુ યોગ્ય કારણો દર્શાવી શકાય તેવાં હોત તો મોદીની કાનૂની ટીમે જામીનની ત્રીજી અરજી કરી હોત. ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસે અગાઉ જણાવ્યું હતું કે મોદી જામીન નકારાયા વિરુદ્ધ યુકે હાઈ કોર્ટમાં અરજી કરવાનો ઈરાદો ધરાવે છે. જોકે, અત્યાર સુધી આવી કોઈ અરજી થઈ નથી.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં ૧૩,૭૦૦ કરોડ રુપિયાના PNB કૌભાંડનો ખુલાસો થયો હતો. જોકે, તે પહેલાં જ નીરવ વિદેશ ભાગી ગયો હતો. ધ ટેલીગ્રાફ અખબારના રિપોર્ટરે નીરવ મોદીની પૂછપરછ કરવા પ્રયાસ કર્યો હતો અને તેના રિપોર્ટમાં નીરવ મોદી લંડનમાં રહીને હીરાનો બિઝનેસ કરતો હોવાનું જણાવાયું હતું. આ પછી ભારતની અપીલ પર લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે નીરવ સામે ધરપકડનું વોરંટ જાહેર કર્યું હતું અને ૧૯ માર્ચે તેની ધરપકડ કરાઈ હતી. ભારતીય તપાસ એજન્સીઓ તેના પ્રત્યાર્પણના પ્રયાસો કરી રહી છે.

મોદી-ચોકસીની ૧૨ કારની હરાજી

બીજી તરફ, ભારતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીની જપ્ત કરાયેલી ૧૨ કારની હરાજી કરાઈ હતી. એમએસટીસી દ્વારા ૧૩ લક્ઝરી કારની બોલી મંગાવાઈ હતી જેને ખરીદવા ૧૨ લોકોએ તૈયારી દર્શાવી હતી. ૧૨ કારનાં વેચાણથી ઈડીને રુપિયા ૩.૨૯ કરોડની રકમ મળી હતી. આમાં નીરવ મોદીની ૧૧ અને મેહુલ ચોક્સીની ૨ કાર સામેલ હતી. હરાજીમાં મૂકાયેલી કારની રિઝર્વ કિંમત સિલ્વર રંગની રોલ્સ રોયસ માટે રુપિયા ૧.૩૩ કરોડ, પોર્શે કાર માટે રુપિયા ૫૪.૬૦ લાખ, લાલ મર્સિડીઝ બેન્ઝ માટે રુપિયા ૧૪ લાખ, સફેદ મર્સિડીઝ બેન્ઝ માટે રુપિયા ૩૭.૮ લાખ અને BMW માટે રુપિયા ૯. ૮ લાખ રખાઈ હતી. આ અગાઉ ઈડીએ નીરવની માલિકીનાં પેઈન્ટિંગ્સની હરાજી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter