લંડનઃ લંડનમાં હાઇકોર્ટે ભારતમાં પંજાબ નેશનલ બેન્ક સાથે ફ્રોડ કરી નાસી છૂટેલા ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદીનું લંડન સ્થિત વૈભવી એપાર્ટમેન્ટ વેચવાનો આદેશ આપ્યો છે. અદાલતે જણાવ્યું હતું કે, આ એપાર્ટમેન્ટ 5.25 મિલિયન પાઉન્ડ કરતાં ઓછી કિંમતે વેચી શકાશે નહીં.
કેસની સુનાવણી કરી રહેલા જજ માસ્ટર જેમ્સ બ્રાઇટવેલે નીરવ મોદીના એપાર્ટમેન્ટ 103, મેરેથોન હાઉસના વેચાણમાંથી થનારી આવક એક સિક્યોર એકાઉન્ટમાં જમા કરાવવાની ભારતના એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી)ની દલીલો સ્વીકારી હતી.
આ કેસ સિંગાપોરની ટ્રાઇડન્ટ ટ્રસ્ટ કંપની સાથે સંકળાયેલો છે. કંપનીએ સેન્ટ્રલ લંડનના પ્રતિષ્ઠિત મેરીલબોન વિસ્તારમાં આવેલા મેરેથોન હાઉસના 103 નંબરના એપાર્ટમેન્ટનું વેચાણ કરવાની માગ કરી હતી. ઇડીએ દલીલ કરી હતી કે આ એપાર્ટમેન્ટ પંજાબ નેશનલ બેન્ક સાથે કરાયેલા ફ્રોડના નાણામાંથી ખરીદવામાં આવ્યો છે. ભારત સરકાર આ ફ્રોડ કેસમાં નીરવ મોદીનું પ્રત્યર્પણ કરવાની માગ છેલ્લા ઘણા સમયથી કરી રહી છે.
જજ બ્રાઇટવેલે ઇડીની દલીલો સ્વીકારતાં જણાવ્યું હતું કે, આ પ્રોપર્ટીનું 5.25 મિલિયન પાઉન્ડ અથવા તેનાથી વધુ કિંમતમાં વેચાણ થાય તેવા વ્યાજબી નિર્ણયને હું પરવાનગી આપું છું.