નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીએપીએસ - નીસડન મંદિરની રજતજયંતીએ ટ્વિટ કર્યું, ‘આ મંદિરે સૌને સાથે જોડ્યા, માનવતાના કાર્યો માટે પ્રેરિત કર્યા’. નીસડન મંદિરના રજત જયંતી પર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરની મુલાકાત વેળાનાં પોતાનાં સંસ્મરણોને ટ્વીટના માધ્યમથી વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું, ‘નીસડન મંદિરની રજતજયંતી ઉજવાઈ રહી છે. આ મંદિર સામાજિક સેવાના ક્ષેત્રે મોખરે રહ્યું છે. મંદિરે સૌને એકબીજા સાથે જોડ્યા છે અને તેમને માનવતાના કાર્યો કરવા પ્રેરણા પૂરી પાડી છે. હું જ્યારે ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે મને આ મંદિરની મુલાકાત લેવાનું સન્માન પ્રાપ્ત થયું હતું.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટ બાદ @NeasdenTemple દ્વારા ટ્વિટર પર પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો હતોઃ Thank you to Hon. Prime Minister Modi for remembering us on this day. (માનનીય વડા પ્રધાન મોદીજી આજના દિવસે અમને યાદ કરવા બદલ આપનો આભાર).
બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩ની પોતાની મુલાકાતનાં સંસ્મરણોને ટ્વીટરના માધ્યમે વ્યક્ત કરીને આ મંદિરના રજતજયંતી પર્વને વિશ્વપટલ ઉપર લઈ ગયા છે.