લંડનઃ બ્રિટનની 2024ની સંસદની ચૂંટણીમાં ઇમિગ્રેશન એક સળગતો મુદ્દો બની ચૂક્યું છે. 2024ના પ્રારંભથી જ કન્ઝર્વેટિવ પાર્ટીએ નેટ ઇમિગ્રેશન અને ગેરકાયદેસર માઇગ્રેશન ઘટાડવા માટે વિવિધ પ્રકારના વિઝા માટેના નિયમો આકરાં બનાવી દીધાં છે. સત્તા પર આવવા માટે તલપાપડ એવી લેબર પાર્ટી પણ ઇમિગ્રેશનના મામલામાં કન્ઝર્વેટિવ વિચારધારાને અનુરૂપ જ ચાલી રહી છે. લેબર પાર્ટીન નેતા સર ક્લેર સ્ટાર્મર પણ યુકેમાં થતા માઇગ્રેશનને ઘટાડવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરી રહ્યાં છે. બંને પાર્ટી નેટ માઇગ્રેશન ઘટાડવાના વચનો આપી રહી છે પરંતુ કેટલા પ્રમાણમાં ઘટાડાશે તે અંગે તેમની નીતિઓ અંગે સ્પષ્ટતા કરી રહી નથી.
નાની હોડીઓ દ્વારા થતું માઇગ્રેશન
કન્ઝર્વેટિવ પાર્ટીઃ કન્ઝર્વેટિવ પાર્ટી ઇંગ્લિશ ચેનલ દ્વારા થતી ઘૂસણખોરી પર સંપુર્ણ લગામ કસવા માગે છે. આ માટે ટોરી સરકાર ફ્રાન્સ સાથે સહકાર વધારી રહી છે. સરકારે સ્મગલરોની ગેંગોના સફાયા માટે ઇયુ સાથે પણ કરાર કર્યો છે.
લેબર પાર્ટીઃ જોકે લેબર પાર્ટી એન્ફોર્સમેન્ટ એક્ટિવિટી વધારવા પાછળ વધુ નાણા ખર્ચવાની યોજના ધરાવે છે. આ અંતર્ગત તે સ્મગલરો સામે કડક હાથે કામ લેવા નવા બોર્ડર સિક્યુરિટી કમાન્ડની તરફેણ કરી રહી છે. પાર્ટી યુરોપિયન સંઘમાંથી આવતા રાજ્યાશ્રયવાંચ્છુઓને પરત મોકલવા ઇયુ સાથે નવી સંધિનું વચન પણ આપી રહી છે.
રવાન્ડા યોજનાઃ બંને પાર્ટીનું વિપરિત વલણ
કન્ઝર્વેટિવ પાર્ટીઃ પાર્ટીએ ગેરકાયદેસર માઇગ્રન્ટને રવાન્ડા મોકલી આપવાની યોજના તૈયાર કરી છે જેથી ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા લોકોને અટકાવી શકાય. એપ્રિલમાં ટોરી સરકારે સંસદમાં રવાન્ડા યોજના મંજૂર પણ કરાવી લીધી છે. આ અંતર્ગત બ્રિટનમાં રાજ્યાશ્રય ઇચ્છતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડામાં રાજ્યાશ્રય અપાશે. જોકે આ યોજનાનો નવી સરકાર રચાય ત્યાં સુધી પ્રારંભ થવાનો નથી.
લેબર પાર્ટીઃ કેર સ્ટાર્મરે સ્પષટ જણાવી દીધું છે કે તે સત્તામાં આવશે તો રવાન્ડા યોજના રદ કરી દેશે. જોકે લેબર શેડો હોમ સેક્રેટરી કૂપર અન્ય દેશોમાં રાજ્યાશ્રય વાંચ્છુઓને મોકલવાનો ઇનકાર કરી રહ્યાં નથી. આમ લેબર પાર્ટી ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રાજ્યાશ્રય મુદ્દે ટોરીઝ કરતા અસ્પષ્ટ વલણ ધરાવતી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.
અસાયલમ બેકલોગ
કન્ઝર્વેટિવ પાર્ટીઃ ટોરી સરકારે આ મામલામાં ઝડપ લાવવા હોમ ઓફિસમાં કેસવર્કરોની સંખ્યામાં વધારો કર્યો છે અને રાજ્યાશ્રયના દાવાઓના નિકાલની પ્રક્રિયા સરળ બનાવવા નવી પ્રોસેસ શરૂ કરી છે. ટોરી સરકારે રવાન્ડા યોજના અંતર્હત રાજ્યાશ્રયવાંચ્છુઓને ડિટેન્શન સેન્ટર અને બાર્જમાં અટકાયતમાં રાખ્યાં છે. પાર્ટીએ અસાયલમ બેકલોગ ઘટાડવા માટે રવાન્ડા યોજના બનાવી છે.
લેબર પાર્ટીઃ લેબર પાર્ટીએ પણ 2010થી અસાયલમ રિમૂવલ્સમાં આવેલા 40 ટકાના ઘટાડાને ધ્યાનમાં રાખીને 1000 વધુ કેસ વર્કરો સાથેના રિટર્ન્સ એન્ડ એન્ફોર્સમેન્ટ યુનિટનું વચન આપ્યું છે. અન્ય દેશો સાથે રિટર્ન એગ્રિમેન્ટ કરવા યુકે અને વિદેશોમાં અધિકારીઓ નિયુક્ત કરાશે. સેફ કન્ટ્રીઝ માટે ફાસ્ટ ટ્રેક અસાયલમ કેસવર્ક સિસ્ટમ તૈયાર કરાશે.
લીગલ માઇગ્રેશન
કન્ઝર્વેટિવ પાર્ટીઃ પાર્ટીની સરકારે સ્કીલ્ડ વર્કર વિઝા માટેના નિયમો અને પગારમર્યાદામાં સુધારો કરી દીધો છે. હેલ્થ અને સોશિયલ કેર વર્કરો હવે પોતાના આશ્રિતોને યુકેમાં બોલાવી શક્તાં નથી. સ્પાઉસ અને પાર્ટનર વિઝા માટેની પગાર મર્યાદા પણ વધારી દીધી છે.
લેબર પાર્ટીઃ લેબર પાર્ટીએ યુકેના જ કામદારોને તાલીમ આપીને નેટ માઇગ્રેશન ઘટાડવાનું વચન આપ્યું છે. તેઓ વિદેશી સ્કીલ્ડ વર્કરો પર આધારિત રહેતી કંપનીઓ પર પણ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂકી રહ્યાં છે. પાર્ટી હેલ્થ અને સોશિયલ કેર વર્કરના આશ્રિતોને યુકેમાં લાવવા પર મૂકાયેલા પ્રતિબંધને યથાવત રાખવા માગે છે.
સ્ટુડન્ટ માઇગ્રેશન
કન્ઝર્વેટિવ પાર્ટીઃ ટોરી સરકારે જાન્યુઆરીમાં જ મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓના આશ્રિતોને યુકેમાં લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે હાલ પુરતુ ટોરી સરકારે ગ્રેજ્યુએટ વિઝા રૂટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે પરંતુ યુનિવર્સિટીઓમાંથી ફાલતુ અભ્યાસક્રમો નાબૂદ કરવાની જાહેરાત પણ કરી દીધી છે.
લેબર પાર્ટીઃ લેબર પાર્ટી પણ વિદેશી વિદ્યાર્થીઓના આશ્રિતોના યુકે આવવા પર મૂકાયેલા પ્રતિબંધની તરફેણમાં છે. જોકે હજુ પાર્ટીએ વિદેશી વિદ્યાર્થીઓ માટેના ગ્રેજ્યુએટ વિઝા રૂટ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.
શું છે ઇમિગ્રેશન પર અન્ય પાર્ટીઓનું વલણ
એસએનપીઃ પાર્ટી તમામ સમસ્યા માટે માઇગ્રન્ટ્સને જવાબદાર ગણાવી રહી છે. પાર્ટીએ લેબરની યોજનાઓને ક્રુર ગણાવી છે. પાર્ટી ન્યાયી અને માનવીય રાજ્યાશ્રય સિસ્ટમની માગ કરી રહી છે.
ગ્રીન પાર્ટીઃ ગ્રીન પાર્ટી સરહદો વિનાના વિશ્વની તરફેણ કરે છે અને કોઇપણ સંજોગોમાં થતા માઇગ્રેશનને ક્રિમિનલ અપરાધ ગણતી નથી.
લિબરલ ડેમોક્રેટઃ પાર્ટી ઇમિગ્રેશન સિસ્ટમમાં ભંગાણ માટે ટોરીઝને જવાબદાર ગણાવી રહી છે. પાર્ટી ઇચ્છે છે કે વિઝા આપવાનું કામ અન્ય વિભાગોને સોંપી દેવું જોઇએ અને નિરાશ્રીતોને સુરક્ષિત અને કાયદેસર રીતે યુકેમાં વસાવવા જોઇએ.


