લંડનઃ જો હાલના સ્તરે નેટ માઇગ્રેશન (વિદેશથી બ્રિટનમાં આવતા લોકો) જારી રહેશે તો 2046 સુધીમાં યુકેની વસતીમાં 1 કરોડ 60 લાખનો વધારો થઇ જશે. વસતીમાં આ વધારો છેલ્લા 25 વર્ષનો સૌથી મોટો વધારો હશે. 1996થી 2021 સુધીમાં યુકેની વસતીમાં 90 લાખનો વધારો થયો હતો. એટલે કે 1996માં યુકેની વસતી 5 કરોડ 80 લાખ હતી જે 2021માં વધીને 6 કરોડ 70 લાખ પર પહોંચી હતી. આ સમય ગાળામાં નેટ માઇગ્રેશન 1,90,000 પ્રતિ વર્ષ રહ્યું હતું જે છેલ્લા પાંચ વર્ષમાં વધીને 3,47,000 પર પહોંચી ગયું હતું. 2022માં નેટ માઇગ્રેશન 6,06,000 રહ્યું હતું.
માઇગ્રેશન વોચ યુકેના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જો નેટ માઇગ્રેશન હાલના સ્તરે રહેશે અને યુકેમાં જન્મદર પ્રતિ મહિલા 1.53 પર જળવાઇ રહેશે તો 2046 સુધીમાં યુકેની વસતી 8 કરોડ 30 લાખથી 8 કરોડ 70 લાખ પર પહોંચી જશે.
માઇગ્રેશન વોચે જણાવ્યું હતું કે, સરકારે નેટ માઇગ્રેશન પ્રતિ વર્ષ 1,00,000 પર મર્યાદિત કરી દેવું જોઇએ. કન્ઝર્વેટિવ પાર્ટીએ 2010થી 2019 સુધી આ પ્રકારના વચનો આપ્યાં હતાં પરંતુ ત્યારબાદ બોરિસ જોન્સને આ ટાર્ગેટને પડતો મૂક્યો હતો.


