નેટવેસ્ટ બેન્કનો મનીલોન્ડરિંગને અટકાવવાના અપરાધનો સ્વીકાર

બેન્કને ૩૪૦ મિલિયન પાઉન્ડના દંડનો સામનો કરવો પડી શકે છે

Wednesday 20th October 2021 07:06 EDT
 
 

લંડનઃ નેટવેસ્ટ બેન્કે વેસ્ટમિન્સ્ટરમેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ લગભગ ૩૬૫ મિલિયન પાઉન્ડનું મનીલોન્ડરિંગ અટકાવવામાં નિષ્ફળતાનો દોષ સ્વીકારી લીધો છે. વોચડોગ ધ ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) દ્વારા આ પ્રથમ પ્રકારને ક્રિમિનલ કેસ કરાયો છે. બ્રેડફોર્ડના જ્વેલરના યુકે નેટવેસ્ટ બેન્ક એકાઉન્ટમાં ૨૦૧૧-૨૦૧૬ના ગાળામાં કુલ ૩૬૫ મિલિયન પાઉન્ડ જમા કરાવાયા હતા જેમાંથી ૨૬૪ મિલિયન રોકડ જમા કરાયા હતા. જ્વેલરના એકાઉન્ટ પર યોગ્ય દેખરેખ નહિ રાખવા બદલ બેન્કને ૩૪૦ મિલિયન પાઉન્ડના દંડનો સામનો કરવો પડી શકે છે. નેટવેસ્ટ બેન્કને ૮ ડિસેમ્બર અથવા તે પહેલા સધર્ક ક્રાઉન કોર્ટ દ્વારા સજાની જાહેરાત કરવામાં આવશે.

નેટવેસ્ટે મની લોન્ડરિંગ રેગ્યુલેશન્સ ૨૦૦૭ હેઠળ ત્રણ ગુનાની કબૂલાત કરી હતી.એજન્સીએ જણાવ્યું હતું કે તેઓ કોઈ વર્તમાન અથવા પૂર્વ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે નહિ. FCA દ્વારા જણાવાયું હતું કે નેટવેસ્ટ બેન્ક ફાઉલર ઓલ્ડફિલ્ડના એકાઉન્ટમાં ૭ નવેમ્બર ૨૦૧૩ અને ૨૩ જૂન ૨૦૧૬ના ગાળામાં મની લોન્ડરિંગ કાયદાઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. ફાઈનાન્સિયલ કટોકટી પછી ૪૫ બિલિયન પાઉન્ડથી વધુના સરકારી બેઈલઆઉટ પેકેજના પરિણામે ૫૫ ટકાથી વધુ માલિકી કરદાતાઓની છે. ફાઉલર ઓલ્ડફિલ્ડ ૧૦૦ વર્ષ જૂના જ્વેલર છે જેને ૨૦૧૬ના દરોડા પછી બંધ કરી દેવાયા છે.

ફાઉલર ઓલ્ડફિલ્ડનું એકાઉન્ટ ખોલાયું ત્યારે વાર્ષિક ૧૫ મિલિયન પાઉન્ડના ટર્નઓવરની આગાહી રખાઈ હતી અને રોકડ રકમની ડિપોઝીટ નહિ સ્વીકારવાની શરત હતી. આમ છતાં, તેમણે ૩૬૫ મિલિયન પાઉન્ડ જમા કરાવ્યા હતા જેમાંથી આશરે ૨૬૪ મિલિયન પાઉન્ડની રોકડ હતી. FCAના પ્રોસીક્યુટરના જણાવ્યા મુજબ ફાઉલર ઓલ્ડફિલ્ડ દૈનિક ૧.૮ મિલિયન પાઉન્ડની ડિપોઝીટ કરાવતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter