નેતાગીરી સ્પર્ધામાં સુનાકને યોગ્ય સમયની રાહ

Thursday 27th January 2022 04:51 EST
 
 

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદેથી બોરિસ  જ્હોન્સનને હટાવવા બળવાખોર સાંસદો મરણિયા બન્યા છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાક અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ પર પોતાની રમત ખેલી રહ્યા છે. સુનાક અને ટ્રસે લોકપ્રિયતામાં પીછેહઠ કરી રહેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને જાહેરમાં સમર્થન જાહેર કરવા સાથે અંદરખાને પોતાની સ્પર્ધા પણ આગળ વધારી છે. આંતરિક અહેવાલો અનુસાર સુનાક પોતાના માટે સાંસદોનું સમર્થન વધારવા પ્રયાસ કરી રહ્યા છે જેથી યોગ્ય સમયે નેતાગીરીની સ્પર્ધામાં ખુલ્લેઆમ બહાર આવી શકાય.
ડાઉનિંગ સ્ટ્રીટ પાર્ટી મુદ્દે જ્હોન્સને માફી માગ્યાના ઘણા સમય પછી સુનાકે તેમને સમર્થન જાહેર કર્યું હતું. સુનાક અને ટ્રસ બળવાખોર સાંસદો સાથે બેઠકો યોજી રહ્યા છે અને સુનાક તો બંડખોર સાંસદોને તેમના મતક્ષેત્રને ટ્રેઝરીના અમર્યાદિત સપોર્ટની પણ ખાતરી આપી રહ્યા હોવાનું કહેવાય છે. કોવિડ મહામારીના ગાળામાં સુનાકે જાહેર કરેલા ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ સહિતના આર્થિક પેકેજો હવે રંગ લાવી રહ્યા છે.
અલગ અલગ સર્વેમાં સુનાક અને ટ્રસ ઓછાંવધતા અંશે આગળપાછળ રહે છે. હાલ ટ્રસ ડિફેન્સ મંત્રણા અર્થે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. નવા નેતા કોણ બનશે તેમાં આખરી અવાજ ધરાવનારા કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટોમાં લિઝ ટ્રસ તેમના સ્પષ્ટવક્તા આઝાદીવાદના લીધે લોક્પિયતા પોલ્સમાં સતત આગળ રહ્યા છે પરંતુ, રેડવોલ ક્ષેત્રોમાં ચાન્સેલર સુનાકની લોકપ્રિયતા વધુ છે.
બોરિસ જ્હોન્સનના સ્થાને નેતાગીરીની સ્પર્ધા બાબતે કન્ઝર્વેટિવ-હોમ વેબસાઈટ પર ગત મહિનાના નિયમિત સર્વેમાં ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ ૭૩ના રેટિંગ સાથે સૌથી મોખરે રહ્યાં હતાં જ્યારે ૪૯ ટકા સાથે ચાન્સેલર સુનાક છઠ્ઠા સ્થાને અને વડા પ્રધાન જ્હોન્સન માઈનસ ૩૪ ટકા સાથે સૌથી છેલ્લા રહ્યા હતા. જોકે, ચેનલ ૪ માટે JL Partners  દ્વારા ૫૧૮ વયસ્કોના કરાયેલા સર્વેમાં સુનાક સૌથી લોકપ્રિય ટોરી નેતા તરીકે બહાર આવ્યા છે. ટોરીઝ દ્વારા ૨૦૧૯માં જીતાયેલી નોર્ધર્ન અને વેસ્ટ મિડલેન્ડ્સની ‘રેડ વોલ’ બેઠકોનાં  ૪૨ ટકા મતદારોએ સુનાક સારા વડા પ્રધાન બનશે તેમ જણાવ્યું હતું. ટ્રસને માઈનસ ૭ અને જ્હોન્સનને માઈનસ ૨૮નું રેટિંગ મળ્યું હતું.
માઈકલ ગોવ અને પ્રીતિ પટેલની લોકપ્રિયતા વડા પ્રધાન જ્હોન્સન કરતાં પણ ઓછી છે. હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ પણ લિઝ ટ્રસ જેવી માઈનસ ૭ની લોકપ્રિયતા ધરાવે છે. વડા પ્રધાનને સમર્થન આપતા જાવિદે નેતાગીરીની સ્પર્ધામાં નહિ ઉભા રહે તેમ કહેવાનું નકાર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter