બ્રિટનના 57 વર્ષીય એન્ડી ઇવાન્સને આંખોની રોશની જતી રહેતાં સુપરમાર્કેટની નોકરી છોડવી પડી અને તેઓ બેરોજગાર થઈ ગયા હતા. જોકે હવે હવે વિજ્ઞાનની આ શોધે તેમનું જીવન બદલી નાખ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વાળા સ્માર્ટ ચશ્માની મદદથી એન્ડી કામ પર પાછા ફરી શક્યા છે. ઉપરાંત તેઓ રેસ્ટોરાંમાં મેનુ વાંચવાથી લઈને રસ્તામાં આવતી અડચણો જાણવા સુધી બધું જ જાતે કરી શકે છે. A1 ચશ્માની મદદથી હવે તેઓ ‘સાઈટ સપોર્ટ વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડ’ નામની ચેરિટીમાં કામ કરી રહ્યા છે, જ્યાં તેઓ જે વ્યક્તિએ પોતાની દૃષ્ટિ ગુમાવી છે તેવા લોકોને મદદ કરે છે. આ ચશ્માના ફ્રેમમાં એક નાનો કેમેરા અને તેના હેન્ડલમાં સ્પીકર લાગેલા છે. આ ચશ્માને વોઈસ આસિસ્ટન્ટ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે ચશ્મા તરત સ્પીકર દ્વારા જવાબ પણ આપે છે.