લંડનઃ નેપાળથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા માટે ભારતના ઉત્તર પ્રદેશની બહરાઈચ અદાલતે બે બ્રિટિશ નાગરિકોને છ મહિનાની જેલની સજા ફટકારી છે. મંગળવારે અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.
મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ પ્રતિભા ચૌધરીએ સોમવારે બંને દોષિતોને રૂપિયા 50,000નો દંડ પણ ફટકાર્યો હતો. જો તેઓ દંડ ભરવામાં નિષ્ફળ જશે, તો તેમણે વધુ ત્રણ મહિનાની જેલ ભોગવવી પડશે. જોકે, અદાલતે સજાની જાહેરાત બાદ શરતી જામીન મંજૂર કર્યા છે કે તેઓ અપીલના સમયગાળા દરમિયાન ભારત છોડી શકશે નહીં.
પ્રોસિક્યુશન ઓફિસર નિર્મલ યાદવના જણાવ્યા અનુસાર, હસન અમ્માન સલીમ (35) અને સુમિત્રા શકીલ ઓલિવિયા (61)ની ગત વર્ષે નવેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ માન્ય દસ્તાવેજો વિના રૂપૈડીહા ખાતેની ભારત-નેપાળ સરહદ પરથી ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
હસન અમ્માન સલીમ મૂળ પાકિસ્તાનના ગુજરાનવાલાનો વતની અને હાલ યુકેના માન્ચેસ્ટરનો રહેવાસી છે. તે ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં ઓડિયોલોજીના લેક્ચરર તરીકે કાર્યરત છે. સુમિત્રા શકીલ ઓલિવિયા મૂળ કર્ણાટકના ઉડુપીના વતની છે, જેમણે બાદમાં બ્રિટિશ નાગરિકતા મેળવી હતી. તેમની પાસે બ્રિટિશ પાસપોર્ટની સાથે 'ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા' (OCI) કાર્ડ પણ છે.
તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ બંને વ્યક્તિઓ નવેમ્બર 2025માં યુકેથી નેપાળ આવ્યા હતા. તેઓ નેપાળગંજની એક મેડિકલ કોલેજમાં શ્રવણશક્તિની ખામી ધરાવતા બાળકો માટેના ચેરીટી પ્રોગ્રામમાં ભાગ લેવા આવ્યા હતા અને તેમની પાસે નેપાળના માન્ય વિઝા હતા.
15 નવેમ્બર, 2025ના રોજ સશસ્ત્ર સીમા બલ (SSB) અને ઉત્તર પ્રદેશ પોલીસના સંયુક્ત ચેકિંગ અભિયાન દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પર તેમને અટકાવવામાં આવ્યા હતા. ભારતમાં પ્રવેશવા માટે જરૂરી વિઝા કે દસ્તાવેજો ન હોવાને કારણે તેમની ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
અદાલતે અવલોકન કર્યું હતું કે કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે ગેરકાયદેસર પ્રવેશના કિસ્સામાં સજા અનિવાર્ય છે. સજા ફટકાર્યા બાદ હવે આ મામલે આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

