લંડનઃ નેપાળથી ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા બ્રિટનના એક પુરુષ અને એક મહિલાની ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. બ્રિટિશ પાસપોર્ટ ધરાવતી 61 વર્ષીય શકિલ સુમિત્રા અને 35 વર્ષીય હસન અમન સલીમ વ્યવસાયે ડોક્ટર છે. બ્રિટિશ પાસપોર્ટ અને ઓસીઆઇ કાર્ડ ધરાવતી સુમિત્રા ગ્લુસેસ્ટરશાયર અને પાકિસ્તાની મૂળનો હસન અમન સલીમ માન્ચેસ્ટરનો વતની છે.
સરહદ સુરક્ષા બલની 42મી બટાલિયનના કમાન્ડન્ટ ગંગાસિંહ ઉદવતે જણાવ્યું હતું કે, બંને વિદેશી નેપાળથી ભારતમાં પ્રવેશ્યા ત્યારે ચકાસણી માટે રોકવામાં આવ્યા હતા. તેમની પાસે માન્ય ભારતીય વિઝા નહોતો. બંનેએ દાવો કર્યો હતો કે તેઓ ડોક્ટર છે અને નેપાળની એક હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. જોકે માન્ય ટ્રાવેલ દસ્તાવેજો વિના તેમણે ભારતમાં પ્રવેશ કેમ કર્યો તે અંગે તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. તેમને ઉત્તરપ્રદેશ પોલીસને સોંપી દેવાયા હતા.


