લંડનઃ નેપાળમાં કાળજુ કંપાવી દેનારા જળપ્રલયમાં બ્રિટનના 33 નાગરિકો લાપતા બન્યાં છે. નેપાળી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર લાપતા બનેલામાં 33 બ્રિટિશ નાગરિકો સામેલ છે જ્યારે ચીનના સ્ટેટ મીડિયાના અહેવાલ અનુસાર કુલ 261 લાપતા વિદેશી નાગરિકોમાં 15 બ્રિટિશ નાગરિકનો સમાવેશ થાય છે. છેલ્લે પ્રાપ્ત થયેલા અહેવાલો અનુસાર બચાવી લેવાયેલા 315 વિદેશી નાગરિકોમાં એકપણ બ્રિટિશ નાગરિક નથી.
બ્રિટને પૂરપીડિતોની સહાય માટે નેપાળમાં રેપિડ ડિપ્લોયમેન્ટ ટીમ મોકલી આપવાની સાથે તાત્કાલિક 5 મિલિયન પાઉન્ડની સહાય જાહેર કરી હતી. ફોરેન સેક્રેટરી એડ મિલિબેન્ડે જણાવ્યું હતું કે, સરકાર માટે બ્રિટિશ નાગરિકોની સુરક્ષા ટોચની પ્રાથમિકતા છે. અમારો સ્ટાફ નેપાળી સત્તાવાળા સાથે મળીને કામ કરી રહ્યો છે. અમે આ કરૂણાંતિકાથી અસરગ્રસ્ત બ્રિટિશ નાગરિકોને સહાય માટે તમામ પ્રયાસો જારી રાખીશું.
યુકે ફોરેન ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે નેપાળના ભીષણ પૂરથી અસરગ્રસ્ત બ્રિટિશ નાગરિકો અને તેમના પરિવારોને મદદ કરવા 24 કલાક કામ કરી રહ્યાં છીએ. આ માટે અમે નેપાળ અને ચીનના સત્તાવાળાઓ સાથે ગાઢ સંપર્કમાં છીએ. અમે બ્રિટિશ નાગરિકોને સહાય માટે નેપાળમાં કોન્સ્યુલર સપોર્ટ સ્ટાફ પણ તહેનાત કર્યો છે.
ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસે જણાવ્યું છે કે નેપાળમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો પ્રવાસ કરતી વખતે સાવચેતી રાખી સ્થાનિક સત્તાવાળાઓની સલાહનું પાલન કરે. કોન્સ્યુલર આસિસ્ટન્સ માટે ફોન નંબર (+44) (0)207 008 5000 અને (+977) (0)14237100 પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.


