નેપાળમાં અચાનક આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલને મોટી તબાહી મચાવી છે. છે. આ ભયાનક તબાહીમાં લાપતા થયેલા ભારતીયો તેમજ એનઆરઆઇ ગુજરાતીઓ, ભારતીયોમાં કૈલાશ માનસરોવર યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ હતા.
‘ગુજરાત સમાચાર’ને મળેલી માહિતી મુજબ શિકાગોથી "હિમાલય ગ્લેશિયર" નામક ટૂર સાથે કૈલાસ, માનસરોવર યાત્રા માટે 60થી વધુ અમેરિકન ગુજરાતીઓ, ભારતીયો જોડાયા હતા. ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં આવેલી ભયાનક તબાહીમાં લાપતા પટેલ પરિવારના છ જણની રાહ જોઇ રહેલાં જ્યોર્જિયા સ્થિત રીટાબહેન રમેશભાઇ પટેલ સાથે સોમવારે ફોન દ્વારા વાતચીત થયા મુજબ આ ભયાનક દુર્ઘટનામાં એમનાં ડિટ્રોઇ સ્થિત ભાભી શિલ્પાબહેન અશેષભાઇ પટેલ (59), દિકરો ડો. ઇશાન અશેષ પટેલ (32) અને એની પત્ની ડો. આકાંક્ષા પટેલ (32), રિચમન્ડ, વર્જિનિયા સ્થિત આકાંક્ષાના પિતા ઉમેશભાઇ પટેલ, શિલ્પાબહેનના ફ્રેન્ડ પદમાબહેન પટેલ (59) અમના પતિ જગદીશભાઇ પટેલ જેઓ મૂળ ખંભાત નજીક જલૂન્ધનાં વતની છે અને હાલ કેનેડામાં વસે છે. શિલ્પાબહેન, ઇશાન અને આંકાક્ષા મૂળ કરમસદનાં વતની છે અને શિલ્પાબહેન ધર્મજનાં દિકરી થાય છે અને તેઓ કેનેડિયન અને અમેરિકન સિટીઝનશીપ ધરાવે છે.
રીટાબહેને વ્યથિત હૃદયે જણાવ્યું કે, 'ઈશાન ઓર્થોપેડીક સર્જન છે અને આકાંક્ષા સાયકિયાટ્રીસ્ટ ડોકટર છે. બન્ને શિકાગો નજીક ઇન્ડિયાનાપોલીસની હોસ્પિટલમાં તબીબી કારકિર્દી શરૂ કરવાના હતા. એ પહેલાં તેઓએ કૈલાસ-માનસરોવર દર્શને જવાનું નક્કી કર્યું. 26 ઓગષ્ટના આ કાળ વરસ્યો એ દિવસે જ અમારા ઈશાનની બર્થ ડે હતી. એ દિવસે નેપાળથી નીકળી તેઓ સૌ તિબેટીયન ઇમિગ્રેશનની ઇમારત જે ટીવી પર નષ્ટ થતી દેખાડી ત્યાંથી દોઢેક માઇલ દૂર કૈલાસ હોટેલમાં રોકાયાં હતાં.
રીટાબહેને જણાવ્યું કે, ‘નેપાળ સરકાર તરફથી હજુ અમને કોઇ સમાચાર મળતા નથી એટલે ઇન્ડિયાના-યુએસથી શિલ્પાબહેનના ભાઇ કેતનભાઇ પટેલ ભાળ મેળવવા નેપાળ પહોંચી ગયા છે અને આજે સોમવારે (31 ઓગષ્ટ) મારો દિકરો અંકિત પટેલ એટલાન્ટાથી નેપાળ જવા નીકળ્યો છે.


