લંડન
નેપાળથી બ્રિટન ઉચ્ચ અભ્યાસ માટે આવેલા એક વિદ્યાર્થી સાથે ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા ગુનેગાર જેવું વર્તન કરાયું હોવાના આરોપ મૂકાયા છે. યુનિવર્સિટી સ્કોલરશિપ માટે આવેલા નેપાળના સુલય ખડકાએ આરોપ મૂક્યો છે કે મારી સાથે એક અપરાધી જેવો વર્તાવ બોર્ડર ફોર્સના અધિકારીઓ દ્વારા કરાયો હતો. મારા અભ્યાસક્રમ અંગેના કેટલાક સવાલના જવાબ ન આપી શક્તાં મને 12 દિવસ સુધી કસ્ટડીમાં રખાયો હતો. તેમણે મારા પર બનાવટી વિદ્યાર્થી હોવાના આરોપ મૂક્યા હતા. સુલય પાસે માન્ય વિઝા, યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યાનો પુરાવો, પેપર વર્ક, એક વર્ષની ફી ભર્યાના પુરાવા હતા તેમ છતાં બ્રિટનમાં ઉતરતાં જ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેના અભ્યાસક્રમ અંગે આકરી પૂછપરછ કરાઇ હતી. 16 કલાકની થકાવનારી હવાઇ મુસાફરી બાદ સુલય કેટલીક માહિતી આપવામાં નિષ્ફળ ગયો હતો.
જોકે બોર્ડર ઓફિસરોએ જણાવ્યું હતું કે, સુલયની નેપાળની બેન્કે જારી કરેલા લેટરમાં સ્પેલિંગની ભૂલ હતી તેના કારણે અમને શંકા ગઇ હતી કે આ સાચો વિદ્યાર્થી લાગતો નથી. તેથી અમે તેને તેના અભ્યાસક્રમ અંગે સવાલો કર્યા હતા જે આપવામાં તે નિષ્ફળ રહ્યો હતો.
ત્યારબાદ ખડકાને સ્કોટલેન્ડમાં ઇમિગ્રેશન રિમૂવલ સેન્ટરમાં મોકલી અપાયો હતો અને તેને જણાવવામાં આવ્યું હતું કે, તેને દેશનિકાલ કરવામાં આવશે. જોકે ઉચ્ચ સ્તરે રજૂઆત બાદ હોમ ઓફિસે ખડકાની માફી માગી હતી અને તેને યુનિવર્સિટીમાં જવાની પરવાનગી આપી હતી પરંતુ તે યુનિવર્સિટીમાં પહોંચ્યો ત્યારે તે એનરોલિંગ માટેના કટ ઓફને ચૂકી ગયો હતો અને યુનિવર્સિટીએ તેને આગામી વર્ષે આવવાની સૂચના આપતા તે મુશ્કેલીમાં મૂકાઇ ગયો છે.

