લંડનઃ વિરોધાભાસી સરકારી નીતિઓ અને મુખ્ય વિષયોની ફરી પરીક્ષા આપવાની ફરજ પડતા જૂના વિદ્યાર્થીઓની સંખ્યામાં વૃદ્ધિ સાથે રાષ્ટ્રીય GCSEમાં પાસ થનારાની સંખ્યામાં ગત ૩૦ વર્ષમાં સૌથી ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. સી અથવા તેથી ઊંચા ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીની સંખ્યા ૨.૧ પર્સન્ટેજ પોઈન્ટ ઘટીને ૬૬.૯ ટકા થઈ છે, જ્યારે A* અને A ગ્રેડ્સ હાંસલ કરનારાની સંખ્યા પણ ઘટી છે.
માત્ર ઈંગ્લેન્ડમાં સારા ગ્રેડ્સ મેળવનારનું પ્રમાણ ઘટીને ૬૬.૬ ટકા થયું છે તેમજ છોકરાઓ માટે સારા ગ્રેડ્સમાં પાસ થવાનો દર ૨.૪ પર્સન્ટેજ પોઈન્ટ ઘટ્યો હતો. પરીક્ષાર્થીઓની સંખ્યા અને ક્ષમતામાં અસાધારણ ફેરફારથી ઈંગ્લિશ અને સાયન્સ સહિતના મુખ્ય વિષયના પરિણામો પર ભારે અસર પડી છે. જોકે, સૌથી ખરાબ અસર તો ઈંગ્લિશ અથવા મેથ્સમાં ઓછામાં ઓછાં સી ગ્રેડ મેળવવામાં પણ નિષ્ફળ વિદ્યાર્થીએ ફરી પરીક્ષા આપવી પડે તેવી સરકારની નવી વિવાદાસ્પદ નીતિથી પડી છે.
મેથ્સમાં GCSE આપનારા ૧૭ અને તેથી વધુ વયના વિદ્યાર્થીની સંખ્યા બે વર્ષમાં ૮૦,૦૦૦થી વધી ૧૬૦,૦૦૦થી વધુ થઈ હોવાં છતાં તેમની સફળતાનો દર ઘટ્યો છે અને ૩૦ ટકાથી ઓછાં ઈચ્છિત સી ગ્રેડ મેળવી શક્યાં છે.


