લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન યુદ્ધના કારણે ગંભીર બની રહેલી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ હળવી બનાવવા લઘુત્તમ વેતનમાં વધારો અને એનર્જી બિલમાં પ્રતિ વર્ષ સરેરાશ 117 પાઉન્ડનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાં અંતર્ગત નેશનલ લિવિંગ વેજ અને નેશનલ મિનિમમ વેજમાં વધારો અને એનર્જી બિલમાં રાહત અપાશે.
ઇરાન યુદ્ધના કારણે મોર્ગેજના દર, ઇંધણના ભાવ અને એનર્જી બિલમાં વધારો થઇ રહ્યો છે. આગામી સમયમાં ખાદ્યપદાર્થો અને દવાઓની કિંમતોમાં પણ વધારો થાય તેવી સંભાવના છે.
સરકારે કરેલી જાહેરાત મુજબ નેશનલ લિવિંગ વેજ વધીને 12.71 પાઉન્ડ થશે જેના કારણે 24 લાખ કર્મચારીઓને 900 પાઉન્ડ સુધીનો લાભ મળશે. તેવી જ રીતે નેશનલ મિનિમમ વેજ વધીને 10.85 પાઉન્ડ થશે જેના કારણે બે લાખથી વધુ યુવા કર્મચારીઓને 1500 પાઉન્ડ સુધીનો લાભ થશે. દેશભરમાં લાખો લોકોને પ્રતિ વર્ષ સરેરાશ 117 પાઉન્ડ જેટલી એનર્જી બિલમાં રાહત મળશે અને આ રાહત જૂનના અંત સુધી અમલમાં રહેશે.
ચાન્સેલર રેચલ રીવ્ઝે જણાવ્યું છે કે નોકરીયાત વર્ગ પર આર્થિક બોજો ન પડે તે માટે સરકાર પગલાં લઇ રહી છે. સરકાર ક્રાઇસિસ એન્ડ રેઝિલિયન્સ ફંડ શરૂ કરશે જેનાથી સંવેદનશીલ પરિવારોને હીટિંગ ઓઇલ માટે મદદ મળશે. સરકાર પ્રિસ્ક્રિપ્શન દવાઓના ભાવમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરશે જેથી દવાઓ માટે 10 પાઉન્ડથી વધુ ચૂકવણી કરવી ન પડે.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, અનિશ્ચિત અને અસ્થિર વિશ્વમાં બ્રિટિશ નાગરિકોની સુરક્ષા અને હિતોનું રક્ષણ કરવું અમારી સરકારની ફરજ છે. ઈરાન સાથેના સંઘર્ષ અંગે લોકોમાં ચિંતા છે પરંતુ અમે તેમને વિશ્વાસ આપીએ છીએ કે સરકાર તેમની પડખે છે અને કોસ્ટ ઓફ લિવિંગ પર નિયંત્રણ લાવવા માટે કામ કરી રહી છે.


