નેશનલ લિવિંગ વેજ 9.50 પાઉન્ડથી વધારી 10.42 પાઉન્ડ પ્રતિ કલાક કરાયો

26 બિલિયન પાઉન્ડનું કોસ્ટ ઓફ લિવિંગ પેમેન્ટ પેકેજ , 80 લાખ પરિવારને 900 પાઉન્ડની સહાય અપાશે, ફૂલ ટાઇમ નોકરિયાતના વાર્ષિક પગારમાં 1600 પાઉન્ડ સુધીનો વધારો થશે, સરેરાશ લાભાર્થી પરિવારને 600 પાઉન્ડની મદદ મળી રહેશે - ચાન્સેલર

Wednesday 23rd November 2022 04:13 EST
 
 

લંડન

ચાન્સેલર જેરેમી હન્ટે નેશનલ લિવિંગ વેજમાં 9.7 ટકાનો વધારો કરવાની ભલામણ સ્વીકારી ઓટોમન બજેટમાં અમલી બનાવતાં નેશનલ લિવિંગ વેજ હવે 9.50 પાઉન્ડથી વધારીને 10.42 પાઉન્ડ પ્રતિ કલાક કરાયો છે. જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, નેશનલ લિવિંગ વેજમાં વધારાના કારણે ફૂલ ટાઇમ નોકરી કરનાર વ્યક્તિની વાર્ષિક આવકમાં 1600 પાઉન્ડ સુધીનો વધારો થશે. આ નિર્ણયને કારણે દેશના 20 લાખ કર્મચારી અને કામદારોને લાભ થશે. બ્રિટનના ઇતિહાસમાં નેશનલ લિવિંગ વેજમાં કરાયેલો આ સૌથી મોટો વધારો છે. નેશનલ લિવિંગ વેજ બ્રિટનમાં પ્રતિ કલાક ચૂકવાતું લઘુત્તમ વેતન છે. નોકરીદાતાએ 23 કરતાં વધુ વયના કર્મચારી કે કામદારને કાયદેસર રીતે આટલું લઘુત્તમ વેતન ચૂકવવું પડે છે.

ચાન્સેલર જેરેમી હન્ટે વધી રહેલી મોંઘવારી અને વીજળીના બિલ સામે દેશભરના લાખો પરિવારોને મદદ કરવા માટે નવા શ્રેણીબદ્ધ કોસ્ટ ઓફ લિવિંગ પેમેન્ટની ઓટોમન સ્ટેટમેન્ટમાં જાહેરાત કરી હતી. 2023-24માં કોસ્ટ ઓફ લિવિંગ માટે 26 બિલિયન પાઉન્ડના પેકેજની જાહેરાત કરાઇ છે. તે ઉપરાંત વર્કિંગ એજ પરિવારો અને વિકલાંગો માટે 11 બિલિયન પાઉન્ડની રાહતો જાહેર કરવામાં આવી છે. તેનો અર્થ એ થયો કે દેશના 80 લાખ પરિવારોને વધારાના કોસ્ટ ઓફ લિવિંગ પેમેન્ટ ચૂકવાશે. 2023-24માં 80 લાખ પરિવારોને કોસ્ટ ઓફ લિવિંગ પેમેન્ટ પેટે 900 પાઉન્ડ ચૂકવવામાં આવશે. આ ચૂકવણી એક કરતાં વધુ હપ્તામાં થશે. યુનિવર્સિલ ક્રેડિટ, ઇન્કમ બેઝ્ડ જોબ સીકર્સ એલાઉન્સ, ઇન્કમ રિલેટેડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સપોર્ટ એલાઉન્સ, ઇન્કમ સપોર્ટ, પેન્શન ક્રેડિટ, વર્કિંગ ટેક્સ ક્રેડિટ, ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ મેળવનાર પરિવારોને આ લાભ મળશે. આ પેમેન્ટ સંપુર્ણ કરમુક્ત રહેશે.

ચાન્સેલરે જણાવ્યું હતું કે, દર એપ્રિલમાં બેનિફિટ પેમેન્ટ એકાઉન્ટમાં અપડેટ થાય છે. આ વર્ષે 10.1 ટકા ફુગાવાના દર પ્રમાણે બેનિફિટ પેમેન્ટ થશે. તેનો અર્થ એ થયો કે દરેક લાભાર્થીને 500 પાઉન્ડ સુધીનો વધારાનો લાભ મળશે. સરેરાશ લાભાર્થી પરિવારને વધારાના 600 પાઉન્ડની મદદ મળી રહેશે. લાભ મર્યાદા 20,000 પાઉન્ડથી વધારીને 22,020 પાઉન્ડ કરાઇ છે. લંડનમાં આ મર્યાદા 23000 પાઉન્ડથી વધારીને 25323 પાઉન્ડ કરાઇ છે.

પેન્શનરોને 300 પાઉન્ડનું નવું કોસ્ટ ઓફ લિવિંગ પેમેન્ટ

બ્રિટનના 80 લાખ પેન્શનર પરિવારોને વર્ષ 2023-24માં વધારાના 300 પાઉન્ડ કોસ્ટ ઓફ લિવિંગ પેમેન્ટ પેટે ચૂકવાશે. આ ચૂકવણી ટેસ્ટેટ બેનિફિટ્સ અને ડિસએબિલિટી પેમેન્ટ ઉપરાંતની રહેશે તેનો અર્થ એ થયો કે તેમની આવકમાં 1350 પાઉન્ડનો વધારો થશે.

વિકલાંગોને 150 પાઉન્ડનો વધારાનો લાભ મળશે

દેશના 60 લાખથી વધુ વિકલાંગ બેનિફિટ મેળવતા લોકોને કોસ્ટ ઓફ લિવિંગ પેકેજ અંતર્ગત 2023-24માં વધારાના 150 પાઉન્ડ ચૂકવવામાં આવશે. આ લાભ પરિવારોને ચૂકવાનારા કોસ્ટ ઓફ લિવિંગ પેમેન્ટ ઉપરાંતનો રહેશે. ડિસએબિલિટી લિવિંગ એલાઉન્સ, પર્સનલ ઇન્ડિપેન્ડન્સ પેમેન્ટ, એડલ્ટ ડિસએબિલિટી પેમેન્ટ, ચાઇલ્ડ ડિસએબિલિટી પેમેન્ટ, એટેન્ડન્સ એલાઉન્સ, આર્મ્ડ ફોર્સિઝ ઇન્ડિપેન્ડન્સ એલાઉન્સ, કોન્સ્ટન્ટ એટેન્ડન્સ એલાઉન્સ અને વોર પેન્શન મોબિલિટી સપ્લિમેન્ટના લાભ મેળવતા લોકોને આ લાભ અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter