લંડનઃ મિનિસ્ટરોએ જુગાર (ગેમ્બલિંગ)ના કાયદાની સમીક્ષા શરૂ કરી તે દિવસે જ સરકારે જણાવ્યું હતું કે આવતા વર્ષથી નેશનલ લોટરીમાં ભાગ લેનાર વ્યક્તિની વય મર્યાદા ઓક્ટોબર ૨૦૨૧માં વધારીને ૧૮ વર્ષ કરી દેવાશે. અગાઉ, આ વયમર્યાદા ૧૬ વર્ષ હતી. આ સમીક્ષામાં એડવર્ટાઈઝિંગ અને ઓનલાઈન કેસિનોની હિસ્સેદારીમાં કાપ મૂકવામાં આવે તેવી શક્યતા છે.
કલ્ચર મિનિસ્ટર ઓલિવર ડાઉડને ટોની બ્લેરના શાસન વખતના કાયદાની લાંબી પ્રક્રિયાના રદ્દીકરણનો પ્રારંભ કરાવતાં જણાવ્યું કે સ્માર્ટફોન આવ્યો તે પહેલા લખાયેલો ૨૦૦૫ ગેમ્બલિંગ એક્ટ ડિજીટલ યુગમાં સમાંતર કાયદો હતો. સરકાર દ્વારા જે એકમાત્ર નક્કર પગલાંની જાહેરાત થઈ તે નેશનલ લોટરીમાં ભાગ લેનારની વય મર્યાદાની હતી. પૂરાવા આપવા માટે ૧૬ સપ્તાહના સમયની જાહેરાત સાથે સરકારે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ગેમ્બલિંગ કાયદાની સમીક્ષા હાથ ધરી હતી.
ગાર્ડિયનના અહેવાલ મુજબ મિનિસ્ટરો બેટિંગ કંપનીઓ દ્વારા રમતગમતની સ્પોન્સરશિપ પર પ્રતિબંધ મૂકવા તેમજ પન્ટર્સ તેમના સ્રોતો કરતાં વધુ રકમ ગુમાવે નહિ તેની તકેદારી માટે કડક નિયંત્રણો ફરજિયાત બનાવશે. નવી પ્રોડક્ટ્સ એટલે કે કેટલીક ગેમ્બલિંગ ગેમ્સથી વ્યસન થઈ જાય તેવું જોખમ હશે તો તેના પર પ્રતિબંધ મૂકાય તેવું પણ બની શકે.
તેઓ ગેમ્બલિંગ કમિશનને નવું ફંડિંગ અને અનિયંત્રિત સમાંતર બજારનો સામનો કરવા માટે સત્તા આપવા માટે પણ વિચારણા કરશે. વધુમાં, તેઓ લોકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેતા કાયદેસરના ગેમ્બલિંગ ઓપરેટર્સને વધુ કડક સજાની જોગવાઈ કરે તેવું બને.
ગેમ્બલિંગ લોબી ગ્રૂપ બેટિંગ એન્ડ ગેમિંગ કાઉન્સિલ (BGC)એ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઈન્ડસ્ટ્રીએ સુરક્ષિત ગેમ્બલિંગ વિશે કરેલા સુધારાને વધુ આગળ ધપાવવામાં આ સમીક્ષાથી મહત્ત્વની તક મળશે.

