લંડનઃ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી સિક્યુરિટીએ યુકેના ઇનોવેશન ફાઉન્ડેશન નેસ્ટાના ચીફ એક્ઝિક્યુટિવની નવા લીડ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરપદે નિયુક્તિ કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ ક્લાઇમેટ ચેન્જમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા નેસ્ટાના સીઇઓ રવિ ગુરુમૂર્તિની પ્રોસ્પેક્ટ યુનિયન ડેપ્યુટી જનરલ સેક્રેટરી સૂ ફેર્ન્સની સાથે નવા નોન એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર તરીકે નિયુક્તિ કરાઇ છે.
એનર્જી સેક્રેટરી એડ મિલિબેન્ડે જણાવ્યું હતું કે, રવિ અને સૂ ક્લીન એનર્જી સેક્ટરમાં નામાંકિત વ્યક્તિઓ છે. તેમનું જ્ઞાન અને અનુભવ અમારા ડિપાર્ટમેન્ટ માટે મૂલ્યવાન સંપત્તિ છે.તેમની મદદથી અમે ક્લીન પાવર મિશનમાં સારા પરિણામ હાંસલ કરી શકીશું.
રવિ ગુરુમૂર્તિ 2019થી નેસ્ટાનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ પહેલાં તેઓ સમગ્ર વિશ્વમાં કટોકટીથી અસરગ્રસ્ત લોકો માટે કાર્ય કરતી ઇન્ટરનેશનલ રેસ્ક્યૂ કમિટીમાં સેવા આપી રહ્યાં હતાં. 2013માં આ કમિટીમાં સામેલ થતાં પહેલાં ગુરુમૂર્તિએ યુકે સરકારના એનર્જી એન્ડ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં સ્ટ્રેટેજી ડિરેક્ટર, ફોરેન સેક્રેટરીના સ્ટ્રેટેજિક એડવાઇઝર સહિતની કામગીરી સંભાળી હતી.


