નો-ડીલ, તત્કાળ ચૂંટણી મુદ્દે બોરિસની ફરી હારઃ પાર્લામેન્ટ સસ્પેન્ડ

નો-ડીલ વિરુદ્ધ કાયદો થવાં છતાં બ્રેક્ઝિટમાં વિલંબ માગવા બોરિસનો ઈનકારઃ પાર્લામેન્ટના બંને ગૃહ ૧૪ ઓક્ટોબર સુધી સસ્પેન્ડઃ એક સપ્તાહમાં બોરિસના છ પરાજય

Wednesday 11th September 2019 03:06 EDT
 
 

લંડનઃ દેશમાં તત્કાળ ચૂંટણી યોજવાના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના આખરી પ્રયાસને પણ ભારે ધક્કો વાગ્યો છે. કોમન્સમાં સોમવાર નવ સપ્ટેમ્બરની મોડી રાત્રે મતદાન યોજાયું ત્યારે આવશ્યક ૪૩૪ મતની બે તૃતીઆંશ બહુમતીના બદલે સરકારના પ્રસ્તાવની તરફેણમાં માત્ર ૨૯૩ મત મળ્યા હતા જ્યારે ચૂંટણીની વિરુદ્ધ ૪૬ મત હતા. લેબર પાર્ટી સહિત વિપક્ષે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જ્હોન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે રીમેઈનર્સ દ્વારા નો-ડીલ વિરુદ્ધ કાયદો પસાર કરાવાયો હોવાં છતાં તેઓ બ્રેક્ઝિટ લંબાવવાનો ઈનકાર કરશે. બ્રેક્ઝિટ મડાગાંઠનો અંત લાવવા ચૂંટણી એકમાત્ર માર્ગ છે. સરકારના સતત છઠ્ઠા પરાજય પછી પાર્લામેન્ટને પાંચ સપ્તાહ એટલે કે ૧૪ ઓક્ટોબર સુધી સસ્પેન્ડ કરી દેવાઈ છે. આનો અર્થ એ કરી શકાય કે મધ્ય નવેમ્બર પહેલા ચૂંટણી યોજાવાની શક્યતા નહિવત્ છે. દરમિયાન, કોમન્સના સ્પીકર જ્હોન બેર્કોએ ૩૧ ઓક્ટોબરની વર્તમાન બ્રેક્ઝિટ મર્યાદા સુધીમાં હોદ્દાનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે.

વડા પ્રધાન જ્હોન્સને બ્રેક્ઝિટમાં વિલંબ માટે ષડયંત્રમાં હાથ મિલાવવાનો આક્ષેપ જેરેમી કોર્બીન અને રીમેઈનર્સ પર કર્યો હતો. વડા પ્રધાને ટોણો માર્યો હતો કે તમે લોકચુકાદાથી સદાકાળ છુપાઈ શકશો નહિ. સામા પક્ષે કોર્બીને કહ્યું હતું કે બોરિસ ૧૪ ઓક્ટોબર સુધી પાર્લામેન્ટ સસ્પેન્ડ કરી નાસી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે નો-ડીલ બ્રેક્ઝિટ નહિ થાય તેવી ખાતરી મળશે તો જ તેઓ સામાન્ય ચૂંટણી માટે તૈયાર થશે. બોરિસે કહ્યું હતું કે તેઓ ૧૭ ઓક્ટોબરે ઈયુ સમિટમાં જશે અને રાષ્ટ્રીય હિતમાં હોય તેવી સમજૂતી માટે પ્રયાસ કરશે. જો ૧૯ ઓક્ટોબર સુધીમાં ઈયુ સાથે કોઈ સમજૂતી ન થાય તો ઈયુ પાસે બ્રેક્ઝિટમાં વિલંબની માગણી કરવાના રીમેઈનર્સ દ્વારા પસાર કાયદામાંથી છટકવાનો માર્ગ શોધવા વડા પ્રધાન વિવિધ વિકલ્પો વિચારી રહ્યા છે. રીમેઈનર્સ કાયદાને ગણતરીમાં ન લેવાય તો બંધારણીય કટોકટી પણ સર્જાઈ શકે છે અને કાયદાના ભંગ બદલ જ્હોન્સનને જેલની હવા ખાવી પડે તેવી પણ શક્યતા છે.

બોરિસનો એક સપ્તાહમાં છ વખત પરાજય

વડા પ્રધાન તરીકે બોરિસ જ્હોન્સનને કોમન્સમાં છ વખત પરાજયનો સામનો કરવો છે. બોરિસના તમામ પરાજય નો-ડીલ બ્રેક્ઝિટ અને તત્કાળ ચૂંટણી યોજવાના મુદ્દે થયા છે. પૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચરને ૧૧ વર્ષના શાસનમાં ચાર વખત, જ્હોન મેજરને સાત વર્ષમાં છ વખત, ટોની બ્લેરને ૧૦ વર્ષમાં ચાર વખત, ગોર્ડન બ્રાઉનને ત્રણ વર્ષમાં ત્રણ વખત, ડેવિડ કેમરનને છ વર્ષમાં દસ વખત તેમજ થેરેસા મેને ત્રણ વર્ષમાં ૩૩ વખત પરાજય સહન કરવો પડ્યો હતો. થેરેસા મેને પણ બ્રેક્ઝિટ સમજૂતીના મુદ્દે સંખ્યાબંધ પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

૧૫ ઓક્ટોબરે ચૂંટણીની આશા રોળાઈ

સાંસદોએ ૧૫ ઓક્ટોબરે ચૂંટણી કરવાની બોરિસ જ્હોન્સનની આશા પર બુધવારે રાત્રે પાણી ફેરવી દીધું હતું. વહેલી ચૂંટણી માટે વડા પ્રધાનને બે તૃતીઆંશ બહુમતી જરૂરી હતી પરંતુ, લેબર નેતા કોર્બીને પક્ષને મતદાનમાં ગેરહાજર રહેવાનું જણાવતા બહુમતી મળી ન હતી. આવશ્યક ૪૩૪ મતની સામે શાસક પાર્ટીને ૨૯૮ મત મળ્યા હતા. સામાન્ય ચૂંટણી યોજવાના વિરોધમાં રહેલા ૫૬ સાંસદોમાં લેબર પાર્ટીના ૨૮ અને લિબ ડેમના ૧૩ સાંસદનો સમાવેશ થયો હતો.

સાંસદોએ ૧૯ ઓક્ટોબર સુધી કોઈ સમજૂતી ન થાય તો જાન્યુઆરી સુધી બ્રેક્ઝિટના વિલંબની ઈયુ સમક્ષ માગણી કરવાના બળવાખોરોના બિલને આખરી ત્રીજા વાચનમાં ૩૨૭ વિરુદ્ધ ૨૯૯ મતથી ટેકો આપ્યો હતો. અગાઉ, ત્રીજા વાચન સુધી પહોંચવા સાંસદોએ બિલને ૩૨૯ વિરુદ્ધ ૩૦૦ મતથી પસાર કર્યું હતું. જોકે, જ્હોન્સને વારંવાર જણાવ્યું હતું કે તેઓ બ્રેક્ઝિટમાં વિલંબની માગણી નહિ કરે અને ચૂંટણીની તરફેણ કરશે. ઓક્ટોબરના અંતે નો-ડીલ બ્રેક્ઝિટને અટકાવતું બિલ પસાર કરાવવામાં રીમેઈનર્સને સફળતા હાંસલ થઈ છે.

ટોરી પાર્ટીને વહેલી ચૂંટણીનો ફાયદો

બોરિસ જ્હોન્સને બહુમતી મેળવવી હોય તો તેમણે ૩૧ ઓક્ટોબરની બ્રેક્ઝિટ સમયમર્યાદા અગાઉ ચૂંટણી કરાવવી પડે તેમ ICM Research ના નવા સર્વેમાં જણાવાયું છે. આ સંજોગોમાં ટોરી પાર્ટીને ૩૭ ટકા અને લેબર પાર્ટીને ૩૦ ટકા અને બ્રેક્ઝિટ પાર્ટીને માત્ર ૯ ટકા મતસમર્થન મળે તેમ છે. આમ, બ્રેક્ઝિટ અગાઉ સામાન્ય ચૂંટણી કરાવવી વડા પ્રધાન જ્હોન્સન માટે જરૂરી છે. જો ૩૧ ઓક્ટોબર પછી ચૂંટણી કરાવાય તો ટોરી પાર્ટીને સમર્થનની ટકાવારી ઘટીને ૨૮ ટકા થઈ જશે અને લેબર પાર્ટીને પણ ૨૮ ટકા તેમજ બ્રેક્ઝિટ પાર્ટીને ૧૮ ટકા સમર્થન મળશે. મોટા ભાગના ટોરી સમર્થકો ઓક્ટોબર પછી ચૂંટણી કરાવવા અને બ્રેક્ઝિટ પાર્ટીના નાઈજેલ ફરાજનો ટેકો મેળવવાનું દબાણ કરી રહ્યા છે. જોકે, ફરાજ કહે છે કે જો વડા પ્રધાન નો-ડીલ બ્રેક્ઝિટ સાથે ઈયુથી અલગ થવાનો માર્ગ અપનાવશે તો જ તેઓ સમજૂતી માટે તૈયાર થશે. બીજી તરફ, લેબર નેતા જેરેમી કોર્બીન નવેમ્બરમાં ચૂંટણી ઈચ્છે છે અને આ માટે તેમણે સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) સાથે ખાનગી રાહે સમજૂતી પણ કરી હોવાનું કહેવાય છે. ઈયુ કાઉન્સિલની ૧૭ ઓક્ટોબરની મહત્ત્વની બેઠક અગાઉ ચૂંટણી ન યોજાય તે માટે આ બંને પક્ષોએ સમજૂતી સાધી છે. લેબર પાર્ટી વડા પ્રધાન બ્રેક્ઝિટમાં વિલંબ માટે ઈયુ પાસે માગણી કરે અથવા રાજીનામું આપે તેવી ફરજ પાડવા માગે છે. જોકે, લેબર પાર્ટીમાં પણ અસંતોષનું વાતાવરણ છે કારણકે મોટા ભાગના સમર્થકો વહેલી ચૂંટણી ઈચ્છે છે.

પાર્લામેન્ટ સસ્પેન્શનને કોર્ટ્સની બહાલી મળી

લંડન હાઈકોર્ટ તેમજ સ્કોટલેન્ડની સેશન્સ કોર્ટે પાંચ સપ્તાહ માટે પાર્લામેન્ટ સસ્પેન્ડ કરવા મહારાણીને સલાહ આપવાના વડા પ્રધાન જ્હોન્સનના નિર્ણયને કાયદેસર ગણાવ્યો છે. આ ચુકાદાના કારણો અન્ય તારીખે જણાવાશે. ઈયુતરફી એક્ટિવિસ્ટ જીના મિલર તેમજ પૂર્વ વડા પ્રધાન સર જ્હોન મેજર સહિતના અગ્રણીઓ દ્વારા પાર્લામેન્ટ સસ્પેન્શનને કાનૂની પડકાર અપાયો હતો. રીમેઈનર્સ દ્વારા વડા પ્રધાનના પગલાને સત્તાના દુરુપયોગ ગણાવાયું હતું જ્યારે સરકારના વકીલોએ આ બાબત કોર્ટની નહિ પરંતુ, રાજકીય મુદ્દો હોવાનું જણાવ્યું હતું. લંડન હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ લોર્ડ બર્નેટ, માર્ટર ઓફ રોલ્સ સર ટેરેન્સ એથરટન અને પ્રેસિડેન્ટ ઓફ ક્વીન્સ બેન્ચ ડિવિઝન ડેમ વિક્ટોરિયા શાર્પ દ્વારા જીના મિલરના કેસને ફગાવી દેવાયો હતો તેમજ જ્યુડિશિયલ રીવ્યુની અરજી કરવા પરવાનગી આપી હતી. ચુકાદાથી નિરાશ જીના મિલરે જણાવ્યું હતું કે તેઓ અપીલ કરશે. હવે આ મુદ્દો યુકેની સર્વોચ્ચ કોર્ટ સમક્ષ આવી શકે છે અને સંભવિત અપીલોને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે ૧૭ સપ્ટેમ્બરની તારીખ અલગ ફાળવી છે.

અગાઉ, વડા પ્રધાન દ્વારા પાર્લામેન્ટ સત્ર બંધ કરવાના નિર્ણયને સ્કોટલેન્ડની સર્વોચ્ચ અદાલતે કાયદેસર ગણાવી બહાલી આપી હતી. બ્રેક્ઝિટની ૩૧ ઓક્ટોબરની સમયમર્યાદા અગાઉ પાર્લામેન્ટ સસ્પેન્ડ કરવાના યુકે સરકારના નિર્ણયને એડિનબરાની કોર્ટ ઓફ સેશન્સમાં વિચારાયો હતો. વડા પ્રધાન નો-ડીલ અટકાવવાના સાંસદોના પ્રયાસ પર તરાપ મારવા ઈચ્છતા હોવાની દલીલ આ દાવામાં કરાઈ હતી. ૭૫ સાંસદો અને ઉમરાવોના જૂથ દ્વારા આ કાનૂની કાર્યવાહી કરાઈ હતી. જજ લોર્ડ ડોહર્ટીએ ચુકાદામાં જણાવ્યું હતું કે પાર્લામેન્ટ સસ્પેન્શનનો નિર્ણય કાયદેસર છે. આ મુદ્દો કોર્ટ દ્વારા હસ્તક્ષેપ કરવાને પાત્ર નથી પરંતુ, રાજકીય બાબત છે. કોર્ટ વિશેષાધિકાર સત્તાની સમીક્ષા કરી શકે નહિ. જોકે, આ કાનૂની દાવો કરનારા જૂથોએ જણાવ્યું હતું કે તેઓ ચુકાદા વિરુદ્ધ અપીલ કરશે.

મતદાન કરવા નોંધણીની અરજીઓમાં ભારે વધારો

બ્રેક્ઝિટ મુદ્દે વહેલી ચૂંટણીની શક્યતા નિહાળી મતદાન કરવા માટે નોંધણીની અરજીઓમાં ભારે વધારો નોંધાયો છે. સમગ્ર ઓગસ્ટ મહિનામાં રોજિંદી સરેરાશ ૨૧,૫૯૮ મતદારની હતી તે આ મહિનાના પ્રથમ ત્રણ દિવસમાં વધીને રોજની ૬૬,૪૪૫ની થઈ હતી. આ સમયગાળામાં પ્રાપ્ત ૧૯૯,૩૩૫ અરજીના ૫૮ ટકા અરજી ૩૪ અને તેથી ઓછી વયના મતદારો દ્વારા કરાઈ હતી. આ આંકડા જોકે અરજીઓનાં છે પરંતુ મતદારો બ્રેક્ઝિટ મુદ્દે પોતાનો અવાજ વ્યક્ત કરવા પ્રેરિત થયા છે. વડા પ્રધાન જ્હોન્સન તેમના નો-ડીલ બ્રેક્ઝિટમાં આગળ વધવા વહેલી ચૂંટણીની હાકલ કરી શકે તેવી અટકળો મધ્યે આ વધારો નોંધપાત્ર છે. લેબર પાર્ટી પણ તાજેતરના મહિનાઓમાં મતદારોની નોંધણીને આગળ વધારવા સતત પ્રયાસો કરી રહી છે.

ટોરી બળવાખોરોને પાછાં લેવા માગણી બુલંદ

નો-ડીલ બ્રેક્ઝિટ અટકાવવાના મામલે વડા પ્રધાન જ્હોન્સન સામે પડેલા ૨૧ બળવાખોર સાંસદોને પક્ષમાં પાછાં લેવાની માગણી ૧૦૦ જેટલા સાંસદોના જૂથે કરી છે. ગત મંગળવારે કોમન્સના મહત્ત્વના વોટિંગમાં પૂર્વ કેબિનેટ મિનિસ્ટર્સ ફિલિપ હેમન્ડ, ડેવિડ ગૌકે, રોરી સ્ટુઅર્ટ, ઓલિવર લેટવિન, જસ્ટિન ગ્રીનિંગ, ગ્રેગ ક્લાર્ક તેમજ પીઢ નેતા કેનેથ ક્લાર્ક સહિત બળવાખોર સાંસદોએ યુકેને સમજૂતી વિના ઈયુમાંથી બહાર નીકળતું બચાવવાના રીમેઈનર્સના પ્રયાસોના પ્રથમ તબક્કામાંવિપક્ષની તરફેણમાં મતદાન કરતા સરકારનો પરાજય થયો હતો. આ સાંસદોની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. બેકબેન્ચર ૧૯૨૨ કમિટીની બેઠકમાં હકાલપટ્ટીના નિર્ણયની ભારે આલોચના સાથે તેઓને પક્ષમાં પાછા લેવાની માગણી કરાઈ હતી. જોકે, વડા પ્રધાને ચીફ વ્હીપ માર્ક સ્પેન્સરની સત્તામાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter