લંડનઃ બોરિસ જ્હોન્સને વડા પ્રધાન તરીકે પાર્લામેન્ટમાં સૌપ્રથમ ૩૨૮ વિરુદ્ધ ૩૦૧ મતે પરાજ્ય મેળવ્યો છે. ફિલિપ હેમન્ડ અને ડેવિડ ગૌકે જેવા આઠ કેબિનેટ મિનિસ્ટર સહિત ૨૧ બળવાખોરી ટોરી સાંસદોએ બિલને ટેકો આપ્યો હતો. નો-ડીલ જંગમાં સંસદમાં હાર પછી વડા પ્રધાને ઓક્ટોબરમાં સામાન્ય ચૂંટણી માટેની યોજનામાં તેઓ પાર્લામેન્ટનો સહકાર ઈચ્છશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ બ્રેક્ઝિટમાં વિલંબની માગણી નહિ કરે કારણકે વાટાઘાટોનો દોર બ્રસેલ્સના હાથમાં જવા દેવા માગતા નથી. જ્હોન્સન ૧૫ ઓક્ટોબરે ચૂંટણી કરાવવા ઈચ્છે છે. આ માટે તેમને બે તૃતીઆંશ બહુમતી જોઈશે. જોકે, લેબર નેતા જેરેમી કોર્બીને સ્પષ્ટ કર્યું છે કે નો-ડીલવિરોધી બિલ પસાર થયા પછી જ તેઓ ચૂંટણી માટે ટેકો આપશે. સાંસદોએ નો-ડીલ બ્રેક્ઝિટને અટકાવવાના પ્રયાસમાં પાર્લામેન્ટના કામકાજ પર કંન્ટ્રોલ મેળવી લીધો છે.
જો ઈયુ સાથે સમજૂતી થઈ ન શકે તો આર્ટિકલ ૫૦ની મુદત લંબાવવાની વડા પ્રધાનને ફરજ પાડી શકે તેવું કોમન્સ એજન્ડાને પાર્લામેન્ટને હસ્તક લેવાનું બિલ લેબર સાંસદ હિલેરી બેન દ્વારા મૂકાયું હતું. તેના પર મતદાન કરાતા સરકારનો ૩૨૮ વિરુદ્ધ ૩૦૧ મતે પરાજય થયો હતો. ફિલિપ હેમન્ડ અને ડેવિડ ગૌકે જેવા કેબિનેટ મિનિસ્ટર સહિત ૨૧ બળવાખોરી ટોરી સાંસદોએ બિલને ટેકો આપ્યો હતો. સમજૂતી વિના (નો-ડીલ) પણ ૩૧ ઓક્ટોબરે યુરોપિયન યુનિયન (ઈયુ)માંથી બહાર નીકળવા મુદ્દે બ્રેક્ઝિટીઅર્સ અને રીમેઈનર્સ વચ્ચે ભારે જંગ ખેલાઈ રહ્યો છે. એક રીતે ટોરી પાર્ટીમાં આંતરિક યુદ્ધ છેડાયું છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પાર્લામેન્ટ સત્રને સમાપ્ત કરવા મક્કમ છે ત્યારે રીમેઈનર્સ લોબી બ્રેક્ઝિટ મુદ્દો પાર્લામેન્ટ હસ્તક જ રહે તે માટે નો-ડીલ અટકાવવા પ્રયાસો કરી રહી છે. જો ટોરી બળવાખોરો સહિત રીમેઈનર્સ નો-ડીલ અટકાવી વિલંબ માટે મતદાન કરશે તો ચૂંટણી માટે ઈચ્છા ન હોવાં છતાં ૧૪ ઓક્ટોબરે તત્કાળ ચૂંટણી યોજવાની પરોક્ષ ધમકી પણ વડા પ્રધાને આપી છે. આશરે ૨૦ ટોરી સાંસદો વિપક્ષ સાથે હાથ મિલાવે તેવી શક્યતા છે. રીમેઈનર્સ સાંસદ લોબીના હાથે પરાજયની શક્યતા નિહાળી વડા પ્રધાન અને મિનિસ્ટર્સ સતત મંત્રણાઓમાં પરોવાયેલા રહ્યા હતા. બીજી તરફ, લેબર નેતા જેરેમી કોર્બીને પણ ચૂંટણી જાહેર કરવા વડા પ્રધાનને પડકાર ફેંક્યો છે.
વડા પ્રધાને ચેતવણી આપી છે કે તેઓ ૩૧ ઓક્ટોબરની વર્તમાન બ્રેક્ઝિટ સમયમર્યાદા વધારવા ઈયુને જણાવશે નહિ. જો સરકાર મતદાનમાં પરાજિત થશે તો બ્રેક્ઝિટ તારીખ અગાઉ ૧૪ ઓક્ટોબરે જ ચૂંટણી જાહેર કરવાનો ઠરાવ પણ જ્હોન્સન કોમન્સમાં લાવી શકે છે. રીમેઈનર્સની તરફેણમાં મતદાન કરનારા ટોરી બળવાખોર સાંસદોની પક્ષમાંથી હકાલપટ્ટી કરવાની પણ તેમણે ધમકી આપી હતી. જોકે, પૂર્વ ચાન્સેલર ફિલિપ હેમન્ડ તેમજ પૂર્વ કેબિનેટ મિનિસ્ટર્સ ડેવિડ ગૌકે અને રોરી સ્ટુઅર્ટ સહિતના સાંસદો દ્વારા તેમની આ ધમકીનો જોરદાર વિરોધ પણ કરાયો છે.
વડા પ્રધાન સામાન્ય ચૂંટણી કેવી રીતે જાહેર કરી શકે?
કોમન્સનો બિઝનેસ હસ્તગત કરવાના પગલાને સાંસદો સમર્થન કરે તો બોરિસ જ્હોન્સન ૧૪ ઓક્ટોબરે ચૂંટણી યોજવા વિનંતી કરી શકે છે. આઠ વર્ષ અગાઉના ફિક્સ્ડ ટર્મ પાર્લામેન્ટ એક્ટ અનુસાર દર પાંચ વર્ષે મે મહિનામાં ચૂંટણી યોજવાની રહે છે. આ હિસાબે આગામી ચૂંટણી ૨૦૨૨માં યોજાઈ શકે પરંતુ, જ્હોન્સન પાસે વહેલી ચૂંટણી જાહેર કરવાના ઘણાં વિકલ્પ છે.
વડા પ્રધાન કોમન્સમાં ચૂંટણીનો ઠરાવ મૂકી બે તૃતીઆંશ સાંસદોની સંમતિ મેળવી શકે છે. જોકે, આ માટે તેમને વિપક્ષનો ટેકો જરૂરી થઈ પડશે. બ્રેક્ઝિટની સમયમર્યાદા અગાઉ જ ચૂંટણી યોજાય તેવી શરત સાથે રીમેઈનર્સ પણ ટેકો આપી શકે છે. બીજો વિકલ્પ રાષ્ટ્રીય ચૂંટણી માગતો નવો કાયદો પસાર કરાવવાનો છે, જેના માટે સાદી બહુમતી જ જોઈએ. સાંસદો પણ સરકારમાં વિશ્વાસ ન હોવાનું જણાવતો અને સાંસદોનો વિશ્વાસ ચોક્કસ તારીખ સુધીમાં ન મેળવાય અથવા ૧૪ દિવસના ગાળામાં વૈકલ્પિક વ્યવસ્થા ન કરાય તો નવી ચૂંટણી યોજવા માટે ઠરાવ પસાર કરાવી શકે છે.
કાનૂની રીતે, પાર્લામેન્ટના વિસર્જન અને મતદાનના દિવસ વચ્ચે ૨૫ દિવસનું અંતર હોવું જોઈએ. પરંપરા અનુસાર દેશમાં ગુરુવારે મતદાન યોજાય છે, જે મુજબ ૧૦,૧૭ અને ૨૪ ઓક્ટોબરની તારીખ આવી શકે. જોકે, ૧૭ ઓક્ટોબરે ઈયુ સમિટ હોવાથી અવરોધ સર્જાઈ શકે છે.
પાર્લામેન્ટ સત્રને સસ્પેન્ડ કરતું અભૂતપૂર્વ પગલું
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને બોમ્બશેલ સમાન પગલું લઈ સમજૂતી વિના પણ ૩૧ ઓક્ટોબરે ઈયુમાંથી બહાર નીકળવાની તેમની યોજનામાં વિરોધી સાંસદો અવરોધ ના સર્જે તે માટે પાર્લામેન્ટના સત્રને સસ્પેન્ડ કરી નાખવાનું અભૂતપૂર્વ પગલું લીધું છે. તેમના નિર્ણયને ક્વીન એલિઝાબેથ દ્વિતીયની બહાલી પણ મળી ગઈ છે. સરકારના આ નિર્ણય સાથે પાર્લામેન્ટનું લગભગ સૌથી લાંબા આ બે વર્ષના સત્ર ૧૨ સપ્ટેમ્બર સુધીમાં મૂર્છાવસ્થામાં મૂકાશે. આ પછી પાંચ સપ્તાહના વિરામ પછી ૧૪ ઓક્ટોબરે ક્વીનના સંબોધન સાથે ફરી કાર્યરત થશે. એટર્ની જનરલ જ્યોફ્રી કોક્સે આ પગલું તમામ રીતે સરકારના કાનૂની અને બંધારણીય અધિકારોની અંદર હોવાનું જણાવ્યું છે. ટોરીઝના સહયોગી પક્ષ ડીયુપીએ પાર્લામેન્ટ સત્રને સસ્પેન્ડ કરવાના પગલાને ટેકો આપ્યો હતો.
અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વિચારણા
બીજી તરફ, જ્હોન્સને બ્રેક્ઝિટના કારણે નહિ પરંતુ, NHS, પોલિસિંગ અને શિક્ષણ સહિતના નવા કાયદા લાવવાના હોવાથી નવુ સત્ર બોલાવવું આવશ્યક હોવાનું અને બ્રેક્ઝિટની ચર્ચા કરવા પૂરતો સમય મળી રહેશે તેમ જણાવ્યું છે. જોકે, સરકારના આદેશના દસ્તાવેજનો કન્ટ્રોલ મેળવવા તેમજ નો-ડીલ અટકાવતો ખરડો પસાર કરાવવા રીમેઈનર્સ પાસે વધુમાં વધુ પાંચ જ દિવસનો સમય રહેશે. જોકે, સમયના અભાવે આમ થઈ શકે તેમ ન હોવાથી અવિશ્વાસ પ્રસ્તાવનો વિકલ્પ વધુ શક્ય જણાય છે. સરકારી સૂત્રો તો આવા પ્રસ્તાવમાંથી પસાર થઈ જવા આશાવાદી છે. જો બોરિસ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને સફળતા મળે તો જ્હોન્સન વડા પ્રધાન પદેથી રાજીનામું આપે અને નવી સરકાર રચી શકાય તે માટે ૧૪ દિવસનો સમય પણ મળી શકે છે. જોકે, વ્હાઈટહોલના સૂત્રો કહે છે કે પરંપરા તો એવી છે કે પરાજિત વડા પ્રધાને રાજીનામું આપવું જોઈએ છતાં, જ્હોન્સન મતદાનમાં હારી જાય તો પણ રાજીનામું નહિ આપે અને પાર્લામેન્ટને વિસર્જિત કરી નવેમ્બરમાં ચૂંટણી કરાવી શકે છે.
બ્રેક્ઝિટવિરોધી કેમ્પેઈનર્સ આ પગલા સામે વિરોધ કરવા એકત્ર થયા હતા. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને ક્વીનને પત્ર લખી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વડા પ્રધાનના પગલાને બંધારણીય જુલ્મ સમાન ગણાવ્યું હતું. કોમન્સના સ્પીકર જ્હોન બેર્કોએ વડા પ્રધાનના પગલાને લોકશાહી પ્રક્રિયા વિરુદ્ધ અપરાધ સમાન ગણાવ્યું હતું.
વિરોધનો વંટોળ જાગ્યોઃ કાનૂની કાર્યવાહી થશે
પાર્લામેન્ટને સસ્પેન્ડ કરવાના વડા પ્રધાન જ્હોન્સનના પગલાએ વિરોધનો વંટોળ જગાવ્યો હતો અને પાર્લામેન્ટને સસ્પેન્ડ કરવા સામેની પિટિશનમાં ૧.૬ મિલિયનથી વધુ લોકોએ સહી કરી છે. લંડન, એડિનબરા, કાર્ડિફ, માન્ચેસ્ટર, બ્રિસ્ટોલ, કેમ્બ્રિજ અને ડરહામ સહિત ૧૫ શહેરોમાં દેખાવો થયા હતા. લગભગ ૮૦,૦૦૦ દેખાવકારોએ લંડનને ઘેરી લીધું હતું જ્યારે, માન્ચેસ્ટરમાં દેખાવકારો છત્રીઓ લઈને પહોંચ્યા હતા. પાર્લામેન્ટ સત્ર સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે તત્કાળ મનાઈહુકમ મેળવવા લંડન અને એડિનબરા કોર્ટ્સમાં કાનૂની કાર્યવાહી કરાઈ છે. બ્રેક્ઝિટવિરોધી કેમ્પેઈનર જિના મિલરે કાનૂની કાર્યવાહી માટે વકીલોની ફોજને જણાવી દીધું છે. મિલરે જણાવ્યું હતું કે વડા પ્રધાન ક્વીનની સ્વવિવેકાધીન સત્તાને હાઈજેક કરી પોતાના મલિન ઈરાદાઓ માટે ઉપયોગ કરી રહ્યા છે. મિલરે ૨૦૧૬માં સફળ કાનૂની કાર્યવાહીમાં સરકાર ઈયુમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા આર્ટિકલ ૫૦નો ઉપયોગ જાહેર કરે તે પહેલા સાંસદો મતદાન કરી શકે તેવો ચુકાદા હાંસલ કર્યો હતો. રીમેઈનતરફી બેરિસ્ટર જો મોઘમે પણ સ્કોટિશ કોર્ટ ઓફ સેશન્સમાં અરજી કરી છે. પૂર્વ ટોરી વડા પ્રધાન જ્હોન મેજરે પણ તેઓ જ્હોન્સનના પગલાની કાયદેસરતા વિશે કાનૂની સલાહ મેળવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
હવે ઈયુને ગંભીરતાની ખબર પડશેઃ બોરિસ
વડા પ્રધાને કેબિનેટ મિનિસ્ટર્સને જણાવ્યું હતું કે પાર્લામેન્ટને સસ્પેન્ડ કરવાથી ઈયુ સાથે વાટાઘાટોમાં મોટો તફાવત આવશે. આપણે બ્રેક્ઝિટ મુદ્દે ગંભીર હોવાની હવે ઈયુને ખબર પડશે. પાર્લામેન્ટને એક મહિનો મુર્છાવસ્થામાં રાખવાથી રીમેઈન છાવણીના બળવાખોરોને નો ડીલ અટકાવવા પૂરતો સમય નહિ મળે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો નિર્ણય મુખ્યત્વે પાર્લામેન્ટને બાયપાસ કરવાનો નથી પરંતુ, બ્રેક્ઝિટ અટકાવવા સાંસદોની ધમકી દૂર કરી દેવાશે તો બ્રસેલ્સ સાથેની મંત્રણામાં તફાવત સર્જાશે. પાર્લામેન્ટની ઘટનાઓની સીધી અસર મંત્રણાઓ પર પડે છે. બ્રસેલ્સ દ્વારા બ્રિટનને સારી ઓફરની શક્યતા વધી જશે. ફ્રેન્ચ પ્રમુખ એમાન્યુએલ મેક્રોં અને જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ સહિત યુરોપિયન નેતાઓ સાથે તાજેતરની બેઠકો સંબંધે જ્હોન્સને જણાવ્યું હતું કે તેઓ કોઈ પગલાની તૈયારી કરી રહ્યાં હોવાનું તેમનું માનવું છે. બ્રિટન કોઈ સમજૂતી વિના ઈયુ બહાર જવા તૈયાર હોવાની હકીકત ઈયુ નેતાઓને બ્રિટન ખરેખર ગંભીર હોવાનું માનવા પ્રેરશે.
ઈતિહાસમાં સૌથી લાંબા પાર્લામેન્ટરી સત્રનું સમાપન
પાર્લામેન્ટનું વર્તમાન સત્ર યુનાઈટેડ કિંગ્ડમના ઈતિહાસમાં સૌથી લાંબુ સત્ર છે. આ સત્રનો આરંભ ક્વીનના સંબોધન સહિત સ્ટેટ ઓપનિંગ સાથે ૨૧ જૂન, ૨૦૧૭થી થયો હતો. આ પછી ૭૯૮ દિવસ પૂરા થઈ ગયા છે. વર્ષ ૧૮૦૦માં એક્ટ્સ ઓફ યુનિયન દ્વારા યુકેની સ્થાપના થઈ તે પછી આ સૌથી લાંબુ સંસદીય સત્ર છે. અગાઉને વિક્રમ, ૨૦૧૦ની ૨૫ મેએ સ્ટેટ ઓપનિંગ પછી પહેલી મે, ૨૦૧૨ના સમાપ્તિ સુધી ૭૦૭ દિવસ ચાલેલા સત્રનો હતો. ત્રીજા ક્રમે એપ્રિલ ૧૯૬૬થી ઓક્ટોબર ૧૯૬૭ તેમજ મે ૧૯૯૭થી નવેમ્બર સુધીના બે સત્રો આવે છે, જે ૫૫૪ દિવસ સુધી ચાલ્યા હતા. આ બંને સત્ર પછી લેબર પાર્ટીનો ચૂંટણીમાં વિજય થયો હતો. સામાન્ય રીતે પાર્લામેન્ટ વર્ષમાં એક વખત સત્રને સ્થગિત કરવામાં આવે છે.


