લંડનઃ બોરિસ જ્હોન્સન જેવા નો-ડીલ સમર્થક નવા વડા પ્રધાનના હાથ બાંધી દેવાના પ્રયાસરુપે લેબર પાર્ટી દ્વારા મૂકાયેલા નો-ડીલ બ્રેક્ઝિટને અટકાવવાના પ્રસ્તાવને ૨૯૮ વિરુદ્ધ ૩૦૯ મતથી હાઉસ ઓફ કોમન્સે ફગાવી દીધો હતો. ૧૦ બળવાખોર સાંસદે પ્રસ્તાવને ટેકો આપ્યો હતો જ્યારે, આઠ લેબર સાંસદોએ પ્રસ્તાના વિરોધમાં મતદાન કર્યું હતું. પ્રસ્તાવ ફગાવી દેવાતા ટોરી પાર્ટીના રીમેઈનર્સ બળવાખોરોએ લેબર પાર્ટી સાથે મળી નવા ટોરી નેતાને ઉથલાવી દેવાની ધમકી પણ આપી હતી. જો આ પ્રસ્તાવ પસાર થયો હોત તો સરકારી કામકાજનો અંકુશ પાર્લામેન્ટ પાસે આવી ગયો હોત અને રીમેઈનર્સને નો-ડીલ વિરુદ્ધ કાયદો પસાર કરાવવાનો સમય મળી રહેત. જોકે, બ્રેક્ઝિટ સમર્થકોએ લેબર નેતા જેરેમી કોર્બીનની મુરાદ સફળ થવા દીધી ન હતી.
વડા પ્રધાન પદના ઉમેદવાર અને પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને ગમે તે થાય ૩૧ ઓક્ટોબરે યુકેને બ્રેક્ઝિટ સમજૂતી વિના પણ ઈયુમાંથી બહાર લઈ જવાની ચેતવણી ઉચ્ચારી છે. આ સંજોગોમાં નવા વડા પ્રધાનના હાથ બાંધવા લેબર પાર્ટી અને ટોરી બળવાખોર સાંસદોએ જૂન ૨૫ના કોમન્સના એજન્ડા પર પોતાનો અંકુશ સ્થાપવા આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને SNP, લિબ ડેમ્સ, ગ્રીન પાર્ટીના સાંસદો તેમજ પૂર્વ ટોરી મિનિસ્ટર સર ઓલિવર લેટવિને પણ ટેકો આપ્યો હતો. જોકે, તેમના પ્રયાસને બંને પક્ષના બ્રેક્ઝિટ સમર્થકોએ નિષ્ફળ બનાવ્યો હતો.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હવે સમજૂતી વિના ઈયુમાંથી યુકેને બહાર નીકળતા અટકાવવાનો માર્ગ સાંસદો દ્વારા અવિશ્વાસના મતનો રહેશે. જેના પરિણામે, આગામી વડા પ્રધાનની સરકારનું પતન થશે તેમજ સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવાની ફરજ પડશે.

