લંડનઃ કન્ઝર્વેટિવ સરકાર દ્વારા નો ફોલ્ટ ઇવિક્શનને ગેરકાયદેસર બનાવાશે તેવી જાહેરાત બાદ ઇંગ્લેન્ડમાં પરિવારો પર બેઘર બનવાનું જોખમ અત્યંત વધી ગયું છે. મકાન માલિક ભાડૂઆતને બે મહિનામાં મકાન ખાલી કરાવી શકે તેવી સેક્શન 21ની નોટિસની જોગવાઇ નાબૂદ કરવાની સૌથી પહેલી જાહેરાત પાંચ વર્ષ પહેલાં 15 એપ્રિલ 2019ના રોજ તત્કાલિન વડાપ્રધાન થેરેસા મે દ્વારા કરાઇ હતી. ત્યાર પછી પણ કન્ઝર્વેટિવ ઢંઢેરામાં તેનું વારંવાર પુનરાવર્તન કરાયું તેમ છતાં આ સુધારો કરતો ખરડો હજુ સંસદમાં અટવાઇ રહ્યો છે.
હોમલેસ લિન્ક નામની ચેરિટીએ જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં મકાન ખાલી કરી દેવાની નોટિસો મેળવનાર હજારો પરિવાર અમારી સમક્ષ રજૂઆતો કરી રહ્યાં છે. અમને રોજની 52 ફરિયાદ મળી રહી છે. હાલના સમયમાં બેઘરોની સંખ્યામાં વધારા માટે આ એક મહત્વનું પરિબળ છે.
સરકારે સંસદમાં રેન્ટર્સ રિફોર્મ બિલ રજૂ કર્યા બાદ એપ્રિલ-જૂન 2023 વચ્ચે આ સંખ્યામાં મોટો વધારો થયો હતો. જસ્ટિસ મિનિસ્ટ્રીના આંકડા અનુસાર સેક્શન 21 અંતર્ગત નોટિસ મળ્યાની અદાલતી કાર્યવાહી બાદ 26,000 પરિવારોને બેલિફ દ્વારા મકાન ખાલી કરાવાયાં હતાં.
સરકારનો સુધારા ખરડો પણ ભાડૂઆતોની મુશ્કેલીઓમાં ઘટાડો કરે તેવી સંભાવના નથી. હાઉસિંગ મિનિસ્ટર જેકબ યન્ગના જણાવ્યા અનુસાર આ ખરડાના કારણે સેક્શન 21ની નોટિસોનો તાત્કાલિક અંત આવી જવાનો નથી.

