લંડનઃ સરકાર ભાડૂઆતો માટેના મહત્વના ખરડા પર પીછેહઠ કરી રહી છે. નો ફોલ્ટ ઇવિક્શન પર પ્રતિબંધ લાદવાની પોતાની જ યોજનાને સરકાર વિલંબિત કરી રહી હોવાના આરોપ મૂકાઇ રહ્યાં છે. મકાન માલિકોને કોઇપણ કારણ વિના ભાડૂઆતને હાંકી કાઢવાની પરવાનગી આપતી કલમ 21ને નાબૂદ કરવાનો સુધારો પ્રાઇવેટ રેન્ટલ સેક્ટરમાં મહત્વનો બદલાવ લાવી શકે તેમ છે પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક બેક બેન્ચર સાંસદો અને મકાન માલિકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ઇસ્ટરના વેકેશન બાદ એપ્રિલમાં સંસદ ફરી શરૂ થાય ત્યારે સરકાર દ્વારા ખરડો રજૂ કરાશે. તેમાં સંખ્યાબંધ સુધારા સૂચવતો પત્ર લેવલિંગ મિનિસ્ટર જેકબ યંગ દ્વારા ટોરી સાંસદોને પાઠવાયો છે. તેમાં પ્રવર્તમાન ભાડાકરારો માટે કલમ 21ને નાબૂદ કરાય તે પહેલાં અદાલતો તેના માટે તૈયાર છે કે કેમ તે અંગેની સમીક્ષાની પણ યોજના છે.
ખરડાના હાલના સ્વરૂપમાં ભાડૂઆત ગમે ત્યારે બે મહિનાની નોટિસ આપીને ભાડાકરારનો અંત લાવી શકે તેવી જોગવાઇ છે. પરંતુ નવા સુધારા અનુસાર ભાડૂઆત ભાડાકરારના પ્રથમ 6 મહિનામાં આ રીતે નોટિસ આપીને મકાન ખાલી કરી શક્શે નહીં.
યંગે તેમના પત્રમાં જણાવ્યું હતું કે, કેટલાક સાંસદો અને મકાન માલિકો કાયદામાં થઇ રહેલા સુધારા અંગે ચિંતિત છે તે હું સારી રીતે જાણું છું. તેથી મકાન માલિકોને સંરક્ષણ મળી શકે તે માટે અમે ખરડામાં બદલાવ લાવી રહ્યાં છીએ.

