લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીની શિક્ષણ પદ્ધતિની વિશ્વભરમાં નામના છે. ખાસ કરીને અહીંના યુવાનો અને વિદ્યાર્થીઓને તેમના ક્ષેત્રમાં નિષ્ણાતોનું વ્યક્તિગત માર્ગદર્શન મળે છે. કમનસીબે આ શિક્ષણ તેને નોકરી મેળવવામાં પરિવર્તીત કરી શકતું નથી તેવો મત યુનિવર્સિટીના કારકિર્દી વિભાગના વડાએ વ્યક્ત કર્યો છે. ઓક્સફર્ડની કરીયર સર્વિસના ડાયરેક્ટર જોનાથન બ્લેકે જ્ણાવ્યું હતું કે, અહીંની ટ્યુટોરિયલ સિસ્ટમ ગ્રેજ્યુએટ્સને તમામ ક્ષેત્રમાં નિષ્ણાત બનવામાં મદદ કરી શકતી નથી, તેમાં કેટલીક ખામી છે. નોકરીદાતાઓ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની અન્ય સાથેની સરખામણીએ ટીમ વર્ક, ઉદ્યમશીલતા, વ્યાપારિક જાગૃતિ અને નેતૃત્ત્વના મુદ્દે ઓછી ગણના કરે છે. જોકે, ઓક્સફર્ડના વિદ્યાર્થીઓ સ્વવ્યવાસ્થાપન, કમ્યુનિકેશન અને સમાસ્યા નિવારણમાં પાવરધા છે.
તબિયત સારી નથી? તો એપ ડાઉનલોડ કરી નર્સ સાથે વાત કરોઃ એનએચએસ દ્વારા દર્દીઓ માટે ખાસ એક મોબાઇલ ફોન એપ બનાવવામાં આવી છે. જેના દ્વારા દર્દી તેમના આઇફોનથી નર્સનો સંપર્ક કરી શકશે. પાયલોટ યોજના મુજબ સ્ટેફોર્ડશાયરમાં ૧૧૧ ઇમર્જન્સી કેર લાઇનમાં વીડિયો કોલીંગની સુવિધા શરૂ કરવામાં આવી છે.
એનએચએસમાં અવેજી સર્જનને ઊંચુ વેતનઃ એનએચએસમાં એક પાળીમાં અવેજી તરીકે કામ કરતા નિષ્ણાત ડોક્ટર અને નર્સીંગ સ્ટાફને ખૂબ ઊંચું વળતર મળે છે. જેમાં સર્જનને અંદાજે ૩૭૦૦ પાઉન્ડ અને નર્સને ૨૨૦૦ પાઉન્ડ મળે છે. ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ સન્ડે ટાઇમ્સ દ્વારા આ આંકડા મેળવવામાં આવ્યા છે. વોર્વિકશાયરની જ્યોર્જ ઇલિઅટ હોસ્પિટલ ટ્રસ્ટ સર્જનને ૨૪ કલાકની શિફ્ટના ૩૬૮૧ પાઉન્ડ ચૂકવે છે, જ્યારે નોર્ધન ડેવોન હેલ્થકેર એનએચએસ ટ્રસ્ટ એનેસ્થેટિસ્ટને ૨૪ કલાકના ‘ઓન કોલ’ માટે ૨૭૦૦ પાઉન્ડ ચૂકવે છે.
નવા નિયમોથી ‘કોલ્ડ-કોલ કિંગ્સ’ પર અંકુશ આવશેઃ અંદાજે ૫૦ મિલિયન ગ્રાહકોની માહિતી ધરાવનાર બ્રિટનની ‘કોલ્ડ-કોલ કિંગ્સ’ પર અનિચ્છિત કોલ બદલ એક પ્રકારનો પ્રતિબંધ આ અઠવાડિયામાં મુકાશે. નિયમો વિરુદ્ધ આવા બિનજરૂરી કોલ્સ યથાવત રહેતા કેટલીક મોટી કંપનીઓ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. આ માટે નવા નિયમો ૬ એપ્રિલથી અમલમાં આવ્યા છે. જે મુજબ ઇન્ફોર્મેશન કમિશનર ઓફિસ આદેશનો ભંગ કરવા બદલ કંપનીઓને પાંચ લાખ પાઉન્ડનો દંડ ફટકારશે. ઘણા ‘કોલ્ડ-કોલ કિંગ્સ’ દ્વારા આવા બિઝનેસ થકી વૈભવી સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું છે.

