નોકરીઓ છોડવાનો વિક્રમઃ NHSના ૨૭,૩૫૩ કર્મચારીના સ્વૈચ્છિક રાજીનામાં

Wednesday 19th January 2022 05:04 EST
 
 

લંડનઃ NHSના ફ્રન્ટલાઈન કર્મચારીઓ સતત બે વર્ષ સુધી કોરોના મહામારીના ભારે દબાણ અને ટ્રોમા હેઠળ કામ કરી રહ્યા છે ત્યારે ગયા વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના ગાળામાં ૨૭,૩૫૩ અથવા કુલ વર્કફોર્સના બે ટકા કર્મચારીએ કામના ભારે દબાણના લીધે સ્વૈચ્છિક રાજીનામાં આપી દીધા હતા. NHSમાં વિવિધ સ્પેશિયાલિટીના કામકાજ માટે હાલ ૯૩,૦૦૦ જગ્યા ખાલી પડી છે.

NHS England ના આંકડા મુજબ નર્સીસ સહિત લગભગ ૭,૦૦૦ તબીબી કર્મચારીએ સામાન્ય જીવન અને કામકાજની સમતુલા જાળવી નહિ શકાતા નોકરી છોડવાનું પસંદ કર્યું હતું. NHS સ્ટાફને સપોર્ટ કરી રહેલી કેમ્પેઈનિંગ વેબસાઈટ NHS Millionના જણાવ્યા અનુસાર મહામારીના બે વર્ષના ગાળામાં સતત કાર્યભાર અને તણાવ હેઠળ રહેલા કર્મચારીઓ તરફથી તેને સતત સંદેશાઓ મળતા રહે છે. મોટા ભાગના કર્મચારીઓ માટે નોકરી છોડવાનું કારણ કોન્ટ્રાક્ટના અંત ઉપરાંત કામકાજ અને ઘરેલું જીવન સાથે સંતુલન નહિ સાધી શકવાનું હતું.

મહામારીની પ્રથમ લહેરમાં રોગચાળો ટોચ પર હતો ત્યારે એપ્રિલથી જૂન ૨૦૨૦ના ગાળામાં જે લોકોએ નોકરી છોડી તેના કરતાં પણ જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૧ના ગાળામાં રાજીનામું આપનારાની ૨૭,૩૫૩ની સંખ્યા બમણાથી વધુ છે. નવા સ્ટાફની ભરતી અને જૂનાને જાળવી રાખવાનું ભારે દુષ્કર બની રહ્યું છે. વિદ્યાર્થીઓ પણ આ કામગીરીથી દૂર ભાગી રહ્યા છે. જે લોકો નોકરી છોડી ગયા છે તેમના કારણે હજુ કાર્યરત લોકો પર કામનો બોજો વધી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter