લંડનઃ યુકેમાં વધુ અને વધુ વિસ્તારે નવા લોકડાઉન નિયંત્રણો હેઠળ આવી રહ્યા છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાકે શિયાળાના ગાળામાં મોટા પાયે નોકરીઓ બંધ થતી અટકાવવા તેમજ બિઝનેસીસને જીવંત રાખવા નવા બચાવ પેકેજની જાહેરાત કરી છે, જેના પાછળ ૨૨ બિલિયન પાઉન્ડ ખર્ચ થવાનો અંદાજ છે. સુનાકે ૨૨ ઓક્ટોબર, ગુરુવારે હાઉસ ઓફ કોમન્સમાં ત્રિપાંખિયા રાહત ભંડોળની જાહેરાતો કરી હતી. ટિયર-૨ નિયંત્રણો હેઠળની કંપનીઓને બંધ થવાની ફરજ પડી ન હોય પરંતુ, ભારે નુકસાન થતું હોય તેમના માટે માસિક ૨,૧૦૦ પાઉન્ડ સુધીની ગ્રાન્ટ ઓફર કરાશે તેમજ જે ફર્મ્સ કાયદેસર ખુલી રાખી શકાતી હોય પરંતુ, સંઘર્ષ કરી રહી હોય તેમને પણ જોબ સપોર્ટ સ્કીમનો લાભ અપાશે. ચાન્સેલર સ્વરોજગાર હેઠળના વર્કર્સને સરેરાશ પ્રોફિટના ૪૦ ટકાની ગ્રાન્ટ જાહેર કરી હતી.
ચાન્સેલરે જણાવ્યું હતું કે તેમનો વ્યૂહ ત્રિપાંખિયો છે. બિઝનેસીસને ગ્રાન્ટ, એમ્પ્લોયર્સ માટે ઉદાર જોગવાઈ અને સ્વરોજગારી લોકોને આવકમાં સરકારી હિસ્સામાં વધારો આપવામાં આવશે. કાનૂની રીતે બંધ ન હોય પરંતુ, ટિયર-૨ નિયંત્રણોથી મુશ્કેલીમાં હોય તેવા બિઝનેસીસ માટે નવી ગ્રાન્ટ મળશે. સરકાર સ્થાનિક ઓથોરિટીઝને ફંડ ફાળવશે જેથી તેઓ પોતાના વિસ્તારોમાં અસરગ્રસ્ત બિઝનેસીસને કેશ ગ્રાન્ટ આપી શકે. હોસ્પિટાલિટી, લેઈઝર અને એકોમોડેશન સેક્ટરમાં ટિયર-૨ નિયંત્રણો લાગુ કરાયા હોય તેવા મહિનાઓ માટે દરેક બિઝનેસીસને માસિક ૨,૧૦૦ પાઉન્ડ સુધીની સીધી ગ્રાન્ટ આપવામાં આવશે. ચાન્સેલરના નવા નાણાકીય રાહત પેકેજને ટિયર-૨ લોકડાઉન નિયંત્રણો હેઠળની અને અગાઉ સરકારી મદદને પાત્ર નહિ ગણાયેલી કંપનીઓ માટે જીવાદોરી સમાન ગણાવી વધાવી લેવાયું છે. બીજી તરફ, સ્ટોક-ઓન-ટ્રેન્ટ, કોવેન્ટ્રી અને સ્લાઉને શનિવાર મધરાતથી ટિયર-૨ હાઈ એલર્ટ લેવલ પર મૂકી દેવાયા છે જ્યારે, વોરિંગ્ટન, વેસ્ટ યોર્કશાયર અને નોટિંગહામશાયરને ગમે ત્યારે ટિયર-૩ નિયંત્રણો હેઠળ મૂકી દેવાશે.
ટિયર-૨ કંપનીઓ માટે માસિક ગ્રાન્ટ
સુનાકે જણાવ્યું હતું કે જે કંપનીઓને બંધ થવાની ફરજ પડી નથી પરંતુ, વેપાર રીતે ચાલવાયોગ્ય રહેવા મથે છે તેમને માસિક ૨,૧૦૦ પાઉન્ડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. હોટેલ્સ, રેસ્ટોરાં અને B&B સહિત આશરે ૧૫૦,૦૦૦ બિઝનેસીસ આ ઓફરનો લાભ લેવાને પાત્ર બનશે જેના પરિણામે સરકારી તિજોરી પર લગભગ ૧.૨ બિલિયન પાઉન્ડનો બોજો આવી શકે છે. આ ગ્રાન્ટની પાછલા સમયથી અસર અપાશે તેનાથી સ્થાનિક લોકડાઉનાં વીતાવેલા સમય માટે પણ કંપનીઓ ક્લેઈમ કરી શકશે.
નવેમ્બરથી ફર્લો સ્કીમના સ્થાને આવી રહેલી જોબ સપોર્ટ સ્કીમ (JSS)ને કાયદેસર ખુલ્લી રાખી શકાતી ફર્મ્સને પણ લાગુ કરાશે. આ યોજના વધુ ઉદાર બનાવાઈ છે જેમાં, એમ્પ્લોયર્સે સ્ટાફના કામ નહિ કરાયેલા કલાકોના વેતનના માત્ર પાંચ ટકા ચૂકવવાના રહેશે જ્યારે, કરાયેલા કામના કલાકોની લઘુતમ મર્યાદા ઘટાડીને સપ્તાહના માત્ર એક દિવસની કરવામાં આવી છે જે અગાઉ, ૩૩ ટકા કલાકની હતી. ટ્રેઝરી હજુ ખર્ચ બાબતે નિશ્ચિત નથી પરંતુ, જો બે મિલિયન લોકો આ યોજનાનો લાભ મેળવે તો સરકારને ૬ બિલિયન પાઉન્ડનો બોજો આવી શકે છે.
સેલ્ફ એમ્પ્લોઈડ વર્કર્સને ગ્રાન્ટમાં વધારો
ચાન્સેલરે સ્વરોજગાર ધરાવતા કામદોરો માટે ગ્રાન્ટમાં ૨૦ ટકાનો વધારો કરી તેને સરેરાશ પ્રોફિટના ૪૦ ટકા અને માસિક મહત્તમ ૧,૮૭૫ પાઉન્ડના બદલે ૩,૭૫૦ પાઉન્ડ જેટલી કરી છે. આના પરિણામે ટ્રેઝરીને જાન્યુઆરી સુધીમાં ૩.૧ બિલિયન પાઉન્ડનો બોજો આવી શકે છે. જો ઊંચો દર એપ્રિલ મહિના સુધી લંબાવાય તો ખર્ચ બમણો થશે.
વિન્ટર ઈકોનોમી પ્લાન જાહેર કર્યાના થોડા સપ્તાહોમાં જ વધારાના પગલાં જાહેર કરવાની ફરજ પડવા બાબતે ચાન્સેલરે સાંસદોને જણાવ્યું હતું કે જે બિઝનેસીસ ખુલ્લાં રહી શકે છે તેઓ પણ ભારે આર્થિક અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હોસ્પિટાલિટી ક્ષેત્રના વડાઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તેમના બિઝનેસીસ પરના આરોગ્ય નિયંત્રણોની અસર તેમના ધાર્યા કરતાં ઘણી વિપરીત છે. સુનાકે સ્વીકાર્યું હતું કે વાઈરસના બીજા મોજાંના દબાણે કોમ્યુનિટીઝને કોરોના વાઈરસ નિયંત્રણો હેઠળ રહેવા મજબૂર બનાવી છે અને આગામી દિવસો અને સપ્તાહો વધુ મુશ્કેલ બની રહેશે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી.