નોકરીઓને રક્ષણના નવતર માર્ગો શોધવાની મારી પ્રાથમિકતાઃ સુનાક

Wednesday 23rd September 2020 02:41 EDT
 
 

લંડનઃ ઓક્ટોબર મહિનાના અંતે ફર્લો સ્કીમ બંધ થઈ રહી છે ત્યારે સ્કીમને લંબાવવા ચાન્સેલર રિશિ સુનાક પર ભારે દબાણ થઈ રહ્યું છે. જોકે, સુનાક આ માટે તૈયાર નથી. ચાન્સેલરે કહ્યું છે કે નોકરીઓને રક્ષણ આપવા નવતર માર્ગો શોધવાની તેમની પ્રાથમિકતા રહેશે. તેઓ નવી જાહેરાતો કરી શકે છે તેવો સંકેત પણ તેમણે આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ફર્લો વેજ સપોર્ટ સ્કીમને સફળતા મળી છે પરંતુ, તેને લંબાવવી યોગ્ય નથી. તેનાથી લોકોને નવી તક મેળવવામાં મદદ નહિ મળે.

જુલાઈ સુધીના ત્રણ મહિનામાં બેરોજગારી ૩.૯ ટકાથી વધીને ૪.૧ ટકા થઈ છે અને તેમાં હજુ વધારો થવાની ચેતવણી પણ અપાઈ છે. મે મહિનાથી શરુ કરી ઓગસ્ટના મધ્યમાં વર્કર્સ કામે ફરી જવા લાગ્યા તે સમયગાળામાં ૪.૮ મિલિયનથી વધુ વર્કર્સને ફર્લો સ્કીમનો લાભ મળ્યો છે. ચાન્સેલર સુનાકે બીબીસીને જણાવ્યું હતું કે વર્કર્સ માટે તેમની અગાઉની નોકરીઓ પર પાછા ફરવાનું શક્ય બનશે તેમ કહેવું પ્રામાણિક નહિ ગણાય. આ લોકોને મદદ કરવા બાબતે ફર્લોને અનિયત કાળ સુધી લંબાવવાનું યોગ્ય નથી. લોકો ઘરમાં રહેવા ઈચ્છતા નથી, તેઓ કામ કરવા માગે છે. આથી જ, નોકરીઓ બાબતે અમારી યોજના મહત્ત્વપૂર્ણ છે કારણકે તેનાથી લોકોને નવી તક સાંપડશે.

સરકારે ૨૫થી ઓછી વયના લોકોને નોકરીઓ મળે તે માટે ૨ બિલિયન પાઉન્ડની ‘કિકસ્ટાર્ટ’ યોજના ચાલુ કરી છે તેમજ ફર્લો પર રખાયેલા સ્ટાફને ફરી નોકરીએ રાખવા એમ્પ્લોયર્સને ૧,૦૦૦ પાઉન્ડનું બોનસ પણ ચૂકવાશે. જોકે, બિઝનેસ ગ્રૂપ્સ, ટ્રેડ યુનિયન્સ અને લેબર પાર્ટી સહિતના જૂથોએ નોકરીઓની કટોકટી સર્જાતી ટાળવા વધારાના પગલા આવશ્યક હોવાનું જણાવ્યું છે. આ સંભવિત પગલાંમાં • ચોક્કસ ક્ષેત્રો માટે ફર્લો સ્કીમ લંબાવવી • કિકસ્ટાર્ટ યોજનાની વ્યાપકતા • માગને ઉત્તેજન • શોર્ટ-ટાઈમ વર્કિંગ સ્કીમ • એમ્પ્લોયર નેશનલ ઈન્સ્યુરન્સ ફાળાનો સમાવેશ થાય છે.

ચાન્સેલર સુનાકના સંભવિત પગલાં

• ચોક્કસ ક્ષેત્રો માટે ફર્લો સ્કીમ લંબાવવીઃ કોમન્સ ટ્રેઝરી કમિટીએ અર્થતંત્રમાં સૌથી વધુ સહન કરવું પડ્યું હોય તેવી ઈન્ડસ્ટ્રીઝ માટે ફર્લો સ્કીમ લંબાવવા ચાન્સેલરને અનુરોધ કર્યો છે. યુકેમાં મે મહિનામાં ૩૦ ટકા વર્કર્સ ફર્લો પર હતા તે હવે ઘટીને ૧૧ ટકા જેટલા થયા છે. આમ છતાં, શારીરિક અંતરના કડક નિયમોના કારણે આટર્સ, એન્ટરટેઈનમેન્ટ અને રીક્રીએશન ઈન્ડસ્ટ્રીના ૪૦ ટકાથી વધુ વર્કર્સ ઓગસ્ટ મધ્ય સુધી ફર્લો પર હતા. હોટેલ્સ અને રેસ્ટોરાંમાં પણ ત્રીજા ભાગના વર્કર્સ કામે જઈ શકતા નથી. યુકે હોસ્પિટાલિટી દ્વારા ચેતવણી અપાઈ છે કે સરકાર દ્વારા મદદ વિના આ ક્ષેત્રની ૯૦૦,૦૦૦ નોકરીઓ જોખમમાં છે.

• શોર્ટ-ટાઈમ વર્કિંગ સ્કીમઃ TUCએ શોર્ટ-ટાઈમ વર્કિંગ સ્કીમની રુપરેખા જાહેર કરી છે જેમાં વર્કર્સ જેટલા કલાક કામ ન કરે તેના વેતનને સરકાર સબસિડાઈઝ કરી શકે છે. સુનાકની ફર્લો સ્કીમ ઘડવામાં TUCએ મદદ કરી હતી. આ પ્રસ્તાવ હેઠળ વર્કરે ટ્રેનિંગ સહિત જેટલા કલાક તેણે કામ ન કર્યું હોય તેના વેતનના ૮૦ ટકા રકમ મેળવશે. એમ્પ્લોયર દરેક વર્કરને તેના લઘુતમ સામાન્ય કામના કલાકો માટે પાછા રાખે તે બદલ સરકાર તેમને ૭૦ ટકા સબસિડી આપશે. સંપૂર્ણ ફર્લો સ્કીમ કરતાં આ યોજનામાં ખર્ચ ઓછો થશે કારણકે કંપનીઓએ પણ તેમાં ફાળો આપવાનો થશે.

• એમ્પ્લોયર નેશનલ ઈન્સ્યુરન્સ ફાળોઃ બિઝનેસ ગ્રૂપ્સ વર્કર્સને નોકરી પર રાખવાના ખર્ચ ઘટાડવા માગે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ એમ્પ્લોયમેન્ટ સ્ટડીઝના સંશોધન અનુસાર એમ્પ્લોયર નેશનલ ઈન્સ્યુરન્સ ફાળો (NIC) કંપનીઓ માટે વેતન સિવાયની સૌથી મોટી લેબર કોસ્ટ છે. એમ્પ્લોયર NIC વાર્ષિક ૮,૭૮૮ પાઉન્ડથી વધુ કમાણી સામે ૧૩.૮ ટકાનો ટેક્સ બની રહે છે જેનાથી કોઈને સરેરાશ વેતન પર કામે રાખવાના ખર્ચમાં આશરે ૨૪૦૦ પાઉન્ડનો ઉમેરો થાય છે. સુનાક એમ્પ્લોયર NICમાં ફેરફાર સાથે એમ્પ્લોયરના ખર્ચ ઘટાડી વર્કર્સને કામે રાખવા પ્રોત્સાહન આપી શકે છે.

• કિકસ્ટાર્ટ યોજનાની વ્યાપકતાઃ ટ્રેઝરીની કિકસ્ટાર્ટ નોકરીસર્જન યોજનાને વધુ ભંડોળ સાથે વ્યાપક બનાવવી. આ યોજનામાં ૧૬-૨૪ વયજૂથના લોકોને લઘુતમ વેતન સાથે છ મહિના કામે રાખવા બિઝનેસીસને ભંડોળ અપાય છે. અમ્પ્લોયર્સ વેતન વધારી પણ શકે છે. લર્નિંગ એન્ડ વર્ક ઈન્સ્ટિટ્યૂટે વધુ એક બિલિયન પાઉન્ડના ભંડોળ સાથે આ યોજનામાં ૨૫થી વધુ વર્ષના બેરોજગારોને સામેલ કરવાનું સૂચન પણ કર્યું છે. આ સંસ્થાએ સોશિયલ કેર, ચાઈલ્ડકેર અને એડલ્ટ શિક્ષણ યોજનાઓમાં ૭.૬ બિલિયન પાઉન્ડના રોકાણથી સમગ્ર અર્થતંત્રમાં ૨૭૦,૦૦૦ નોકરીઓ ઉભી કરવા સરકારને જણાવ્યું છે. TUCએ હેલ્થ, સોશિયલ કેર, લોકલ ગવર્મેન્ટ, એજ્યુકેશન અને જાહેર વહીવટના ક્ષેત્રોમાં નવી ૬૦૦,૦૦૦ નોકરી ઉભી કરવા સરકારને અનુરોધ કર્યો છે.

• માગને ઉત્તેજનઃ સરકાર ગુડ્સ અને સર્વિસીસ ક્ષેત્રમાં માગ ઉભી કરવા ટેક્સ અને ખર્ચાની નીતિનો ઉપયોગ કરી શકે છે જેના પરિણામે બિઝનેસીસ સ્ટાફને જાળવવા અને નવા વર્કર્સને કામે રાખવા આગળ વધી શકે છે. આ નીતિ સીધી રોજગાર સાતે સંકળાયેલી નથી પરંતુ, નોકરીઓ બચાવી શકાય છે. આનું પ્રત્યક્ષ ઉદાહરણ હોસ્પિટાલિટી સેક્ટરને મદદ કરવા ચાન્સેલર સુનાકની ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજના ગણાવી શકાય. સુનાકે હાઉસિંગ સેક્ટરને ચેતનવંતુ બનાવવા સ્ટેમ્પ ડ્યૂટી હોલીડે પણ જાહેર કરી હતી. ધ રેઝોલ્યુશન ફાઉન્ડેશને સૌથી માર પડ્યો હોય તેવી ઈન્ડસ્ટ્રી પાછળ ખર્ચવા તમામ વયસ્કોને ૧,૦૦૦ પાઉન્ડ અને બાળકોને ૫૦૦ પાઉન્ડના વાઉચર આપવાની યોજના ચલાવવા પણ સૂચન કર્યું છે.

 

ક્ષેત્ર /            ઈન્ડસ્ટ્રી                                                        ફર્લો કર્મચારી/ વર્કર્સ

એકોમોડેશન અને ફૂડ સર્વિસીસ                                                ૭૭ ટકા

આર્ટ્સ, એન્ટરટેઈન્મેન્ટ અને રીક્રીએશન                                      ૭૦ ટકા

કન્સ્ટ્રક્શન                                                                       ૬૦ ટકા

હોલસેલ અને રીટેઈલ                                                           ૪૨ ટકા

મેન્યુફેક્ચરિંગ                                                                    ૪૨ ટકા

ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ                                                       ૪૦ ટકા

(સ્રોતઃ  HMRC CJRS Statistics. Data as per 31 July 2020)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter