લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટે 22 નવેમ્બર બુધવારના રોજ હાઉસ ઓફ કોમન્સમાં 110 સુધારા સાથેનું ઓટમ સ્ટેટમેન્ટ રજૂ કર્યું હતું. તેમના મતે આ સ્ટેટમેન્ટ દેશના અર્થતંત્રના વિકાસને વેગ આપશે.
જેરેમી હન્ટે તેમના ઓટમ બજેટમાં આવકવેરામાં કોઇ બદલાવ કર્યો નથી પરંતુ નેશનલ ઇન્શ્યુરન્સના નામે વસૂલાતા વધુ એક ઇન્કમ ટેક્સમાં કરદાતાઓને મોટી રાહત આપી છે. ચાન્સેલરે નેશનલ ઇન્શ્યુરન્સ 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાની જાહેરાત કરી હતી. આ સુધારો એપ્રિલ 2024ના બદલે 6 જાન્યુઆરીથી જ અમલમાં મૂકાશે. ચાન્સેલરે જણાવ્યું હતું કે, કરદાતાઓને આ સુધારાનો લાભ નવા વર્ષના પ્રારંભથી જ મળવો જોઇએ. કરમાં આ ઘટાડાનો લાભ 27 મિલિયન નોકરીયાતોને થશે. વાર્ષિક સરેરાશ 35000 પાઉન્ડની આવક ધરાવતા કરદાતાને પ્રતિ વર્ષ 450 પાઉન્ડની બચત થશે. તે ઉપરાંત સેલ્ફ એમ્પ્લોય્ડ કરદાતાઓને નેશનલ ઇન્શ્યુરન્સમાં કરાયેલા ઘટાડાના લાભ એપ્રિલ 2024થી મળશે. વાર્ષિક 28200 પાઉન્ડની સરેરાશ આવક ધરાવતા સેલ્ફ એમ્પ્લોય્ડને આ સુધારાથી પ્રતિ વર્ષ 350 પાઉન્ડનો લાભ થશે.
આ ઉપરાંત ચાન્સેલરે ઓટમ સ્ટેટમેન્ટમાં ઓછી આવક ધરાવતા નોકરીયાતોને રાહત આપતાં નેશનલ લિવિંગ વેજમાં 1 પાઉન્ડ કરતાં વધુનો વધારો કર્યો છે. એપ્રિલ 2024થી નેશનલ લિવિંગ વેજ 11.44 પાઉન્ડ પ્રતિ કલાક ચૂકવાશે. હાલમાં 23 વર્ષ કરતાં વધુ વયના કામદારોને 10.42 પાઉન્ડ પ્રતિ કલાક લિવિંગ વેજ ચૂકવાય છે. ચાન્સેલરે આ વયમાં પહેલીવાર ઘટાડો કર્યો છે અને 21 વર્ષથી વધુ વયના તમામ કામદારને આ નવા દરે નેશનલ લિવિંગ વેજ ચૂકવાશે. જેના પગલે 23થી વધુ વયના ફૂલ ટાઇમ કર્મચારીની આવકમાં પ્રતિ વર્ષ 1800 પાઉન્ડ અને 21 વર્ષથી વધુ વયના કર્મચારીની વાર્ષિક આવકમાં 2300 પાઉન્ડ સુધીનો વધારો નોંધાશે.
ચાન્સેલરે ઊંચી આવક ધરાવનારા લોકો માટે નિયમોમાં બદલાવ કરતાં હવે 3,38,000 કરદાતાઓને દર વર્ષે ટેક્સ રિટર્ન સબમિટ કરવું નહીં પડે. આ પહેલાં 1 લાખ પાઉન્ડ કરતાં વધુની આવક ધરાવતા કરદાતાઓને સેલ્ફ એસેસમેન્ટ માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડતું હતું. એપ્રિલ 2023માં આ મર્યાદા વધારીને દોઢ લાખ પાઉન્ડ કરાઇ હતી પરંતુ હવે આ જોગવાઇ રદ કરી દેવાઇ છે.
કરદાતાઓને મળેલી રાહત
- નેશનલ ઇન્શ્યુરન્સ 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરાતાં વાર્ષિક સરેરાશ 35,000 પાઉન્ડની આવક ધરાવતા કરદાતાને પ્રતિ વર્ષ 450 પાઉન્ડની બચત થશે
- નેશનલ ઇન્શ્યુરન્સમાં કરાયેલો ઘટાડો 6 જાન્યુઆરી 2024થી જ અમલમાં આવશે
- 21 વર્ષથી વધુ વયના તમામ કામદારને આ નવા દરે નેશનલ લિવિંગ વેજ ચૂકવાશે.
- 1 લાખ પાઉન્ડ કરતાં વધુની આવક ધરાવતા કરદાતાઓને સેલ્ફ એસેસમેન્ટ માટે ટેક્સ રિટર્ન ફાઇલ રજૂ કરવું નહીં પડે


