નોટિંગહામ કીલર વાલ્દો કેલોકેનને હોસ્પિટલ ઓર્ડરની સજાથી પીડિત પરિવારોમાં આક્રોશ

વાલ્દોએ ભારતીય મૂળની ગ્રેસ કુમાર સહિત 3 વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યાં હતાં

Tuesday 30th January 2024 11:54 EST
 
 

લંડનઃ નોટિંગહામમાં ભારતીય મૂળની ગ્રેસ ઓમેલી-કુમાર સહિત 3 વ્યક્તિની હત્યાના આરોપી વાલ્દો કેલોકેનની બાકીની જિંદગી હવે હાઇ સિક્યુરિટી હોસ્પિટલમાં જ વીતશે. વાલ્દોને અદાલત દ્વારા હોસ્પિટલ ઓર્ડર અપાયો છે. વાલ્દોએ 13 જૂન 2023ના રોજ ગ્રેસ કુમાર, બાર્નાબી વેબર અને ઇયાન કોટ્સની છૂરાના ઘા મારીને હત્યા કરી નાખી હતી. પેરેનોઇડ સિન્ક્રોફિઝિયાથી પીડાતા વાલ્દોએ હત્યાના આરોપો કબુલી લીધાં હતાં.

નોટિંગહામ ક્રાઉન કોર્ટના મિસ્ટર જસ્ટિસ ટર્નરે ચુકાદામાં જણાવ્યું હતું કે, કેલોકેન સમાજ માટે ભયજનક છે અને તેને હવે બાકીની જિંદગી હાઇ સિક્યુરિટી હોસ્પિટલમાં રાખવામાં આવે. તેણે 13 જૂન 2023ના રોજ શહેરમાં આતંક ફેલાવ્યો હતો. તેના હુમલાના કારણે 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતાં. તેના આ અપરાધે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.

જોકે અદાલતના ચુકાદાથી પીડિત પરિવારો નારાજ થયાં છે. ગ્રેસ કુમારના પિતા ડો. સંજોય કુમારે તેમની દીકરી ગ્રેસને દેશ માટેની ભેટ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારો પરિવાર આ પ્રકારના જધન્ય અપરાધને અટકાવવાની તકો ગુમાવવાના સંદર્ભમાં સર્જાયેલા સવાલોના જવાબો મેળવવાનો પ્રયાસ કરશે. ઇયાન કોટ્સના પુત્ર જેમ્સ કોટ્સે જણાવ્યું હતું કે, વાલ્દોએ જસ્ટિસ સિસ્ટમની મજાક ઉડાવી છે. તે હત્યા જેવા જધન્ય અપરાધની સજામાંથી છટકી ગયો છે. બાર્નાબી વેલ્બરની માતાએ જણાવ્યું હતું કે, નોટિંગહામ પોલીસના હાથ પર અમારા પરિવારના સભ્યોનું લોહી છે. પોલીસ વાલ્દોને સજા અપાવવામાં નિષ્ફળ રહી છે. પીડિત પરિવારો સાથે અન્યાય થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter