લંડનઃ નોટિંગહામ હુમલામાં પોતાના મિત્રને બચાવવા જીવનું બલિદાન આપનાર ગ્રેસ ઓમેલી કુમારને બહાદૂરી માટેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર જ્યોર્જ મેડલથી મરણોત્તર સન્માનિત કરાશે. 13 જૂન 2023ના રોજ માનસિક રોગી એવા વાલ્દો કેલોકેન દ્વારા કરાયેલા હુમલામાં મિત્ર બાર્નાબી વેબરને બચાવવાનો પ્રયાસ કરતાં ગ્રેસે જીવ ગુમાવ્યો હતો. આ વર્ષે 20 નાગરિકોને સિવિલિયન ગેલેન્ટરી એવોર્ડ જ્યોર્જ મેડલથી સન્માનિત કરાશે. મરણોત્તર સન્માન મેળવનાર 4 નાગરિકમાં ગ્રેસ કુમારનો પણ સમાવેશ થાય છે.
લંડનમાં પત્રકાર પરિષદને સંબોધતાં ગ્રેસની માતા ડો. સિનીડ ઓમેલીએ જણાવ્યું હતું કે, ગ્રેસ એક અદ્વિતિય વ્યક્તિ હતી. તે આ રીતે ઇતિહાસમાં ગરકાવ થઇ જશે તે વિચાર્યું નહોતું. મારી દીકરી રચનાત્મક હોવાની સાથે સાથે અદ્દભૂત અને બહાદૂર હતી. અમને તેના પર ગૌરવ છે. તેણે ભય પર મિત્રતાને વધુ મહત્વ આપ્યું હતું. તે છરો વિંઝતા 30 વર્ષીય હત્યારા સામે બહાદૂરીથી ઝઝૂમી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ગ્રેસ એક દોડવીર હતી અને તે સહેલાઇથી ત્યાંથી નાસી શકી હોત પરંતુ તે તેની મિત્રની પડખે રહીને લડી હતી. ગ્રેસ યૂથ હોકીમાં ઇંગ્લેન્ડની ટીમમાં રહી ચૂકી હતી અને એસેક્સ વતી કાઉન્ટી ક્રિકેટ પણ રમી હતી. તે સાચી દેશભક્ત હતી.


