લંડનઃ ઇંગ્લેન્ડના નોટિંગહામમાં મંગળવારે સવારે થયેલા હિંસક હુમલામાં ભારતીય મૂળની 19 વર્ષીય ગ્રેસ કુમાર સહિત 19 વર્ષીય બાર્નાબી વિબર અને અન્ય એક 50 વર્ષીય વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી હતી. હુમલાખોરે પોતાની વાન દ્વારા અન્ય 3 વ્યક્તિઓને પણ કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. શંકાસ્પદ હત્યારાએ 50 વર્ષીય મૃતક વ્યક્તિની વાન છીનવી લીધી હોવાનું પણ મનાય છે.
પોલીસે આ મામલામાં એક 31 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી પશ્ચિમ આફ્રિકાના મૂળનો છે અને તે માનસિક બીમારીથી પીડાતો હોવાનું મનાય છે. જોકે આરોપીના કોઇ ક્રિમિનલ રેકોર્ડ સામે આવ્યા નથી.
મંગળવારે વહેલી સવારે બે કલાક કરતાં ઓછા સમયમાં આ હુમલાને અંજામ અપાયો હતો. નોટિંગહામમાં પોલીસને સવારે 4 કલાકે બે વિદ્યાર્થી ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. તેના એક કલાક બાદ 50 વર્ષીય વૃદ્ધ ઇજાગ્રસ્ત હાલતમાં મગદલા રોડ પરથી મળી આવ્યો હતો. સવારે સાડા પાંચના સુમારે આરોપીએ મિલ્ટન સ્ટ્રીટ ખાતેના બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઇ રહેલા 3 લોકો પર વાન ચડાવી દીધી હતી. પોલીસે આરોપીને નજીકની મેપલ સ્ટ્રીટ ખાતેથી ઝડપી લીધો હતો. આ હુમલા પાછળ આરોપીનો ઇરાદો શું હતો તે હજુ જાણવા મળ્યું નથી.
વડાપ્રધાન રિશી સુનાકે મૃતકોને શ્રદ્ધાંજલિ આપતાં તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. ગ્રેસ કુમાર ઉભરતી હોકી પ્લેયર હતી અને તે ઇંગ્લેન્ડની અંડર 18 હોકી ટીમ માટે રમી ચૂકી હતી. તે નોટિંગહામ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી.


