લંડનઃ નોટિંગહિલ નિવનું નામ પડે એટલે નૃત્ય અને શાનદાર પાર્ટીઓના શોખીન લોકોને પશ્ચિમ લંડન યાદ આવી જાય. પંચાવનમા વર્ષ માટે પશ્ચિમ લંડનમાં 26 ઓગસ્ટના શનિવારથી 3 દિવસીય કાર્નિવલનો આરંભ થયો હતો. હજારો પ્રવાસીઓ સહિત 20 લાખથી વધારે લોકો આ કાર્નિવલનો આનંદ લેવા માટે લંડનમાં ઉમટી પડ્યા હતાં. નોટિંગ હિલ કાર્નિવલ વિશ્વમાં સૌથી લાંબો સમય ચાલતી સ્ટ્રીટ પાર્ટીઓમાંની એક છે અને સમગ્ર યુરોપમાં આ સૌથી મોટી સ્ટ્રીટ પાર્ટી છે. પશ્ચિમ લંડનમાં આ કાર્નિવલમાં ત્રણ માઇલ લાંબી પરેડ યોજાય છે. આ પરેડમાં સોકા કેલિપ્સો, સ્ટીલ બૅન્ડ્ઝ અને સાઉન્ડ સિસ્ટમ્સ, માસ ડાન્સિંગનું નિદર્શન થાય છે.
જોકે 28મી ઓગસ્ટે કાર્નિવલની સમાપ્તિ પહેલાં સોમવારે સાંજે ફાટી નીકળેલી અથડામણોમાં આઠ વ્યક્તિને ઇજા પહોંચી હતી. સોમવારે રાત્રે વોરફિલ્ડ રોડ પર કરાયેલા હુમલામાં 29 વર્ષીય યુવકને છૂરાબાજીમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. લેડબ્રોક ગ્રુવ ખાતે થયેલી છૂરાબાજીમાં 19 વર્ષીય યુવકને પણ ગંભીર ઇજા પહોંચી હતી. તે ઉપરાંત છુરાબાજીની અન્ય ઘટનાઓમાં 6 વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી.
તોફાનીઓ સામે કડક પગલાં લેતાં પોલીસે બે દિવસમાં 275 લોકોની ધરપકડ કરી હતી. સોમવારે સાંજે વિવિધ હિંસક ઘટનાઓમાં પોલીસે 165 લોકોની ધરપકડ કરી હતી. ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશ્નર એડ એડલકેને જણાવ્યું હતું કે, સતત બીજા વર્ષે કાર્નિવલમાં આ પ્રકારની હિંસક ઘટનાઓ બની જે ખેદજનક છે. સોમવારે રાત્રે ગંભીર પ્રકારની હિંસાના કારણે કાર્નિવલની પ્રતિષ્ઠા કલંકિત થઇ હતી.
તોફાનીઓ દ્વારા એક પોલીસ અધિકારી પર બળાત્કારનો પ્રયાસ કરાયો હતો. સમગ્ર કાર્નિવલ દરમિયાન 75 પોલીસ અધિકારીઓ પર હુમલા કરાયા હતા. એક પોલીસ અધિકારીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.


