નોટબંધીથી ત્રસ્ત બ્રિટિશ ભારતીયોઃ મદદ માટે વડા પ્રધાનને અપીલ

રુપાંજના દત્તા Wednesday 14th December 2016 06:23 EST
 
 

લંડનઃ બ્રિટિશ ભારતીયો અથવા બિનનિવાસી ભારતીયો (NRI) જ્યારે ભારતથી પાછા ફરે છે ત્યારે પોતાની સાથે પોતાની સાથે થોડા ઘણા પ્રમાણમાં ભારતીય રોકડ રકમ પણ લાવે છે. આનું મુખ્ય કારણ એ હોય છે જ્યારે તેઓ બીજી વખત ભારતની મુલાકાત લેવાના હોય ત્યારે તેમણે રૂપિયામાં વિદેશી હૂંડિયામણનું રૂપાંતર નહિ કરાવવાની સુવિધા રહે છે. ભારત સરકાર દ્વારા ૮ નવેમ્બર ૨૦૧૬ના દિવસથી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટનું ડીમોનીટાઈઝેશન-વિમુદ્રાકરણ કરાવાયું હોવાથી તે ચલણ તરીકે માન્ય નથી. આના પરિણામે બિનનિવાસી ભારતીયો તેમની પાસેની રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ્સ કેવી રીતે બદલાવવી તે પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે.

યુકે સરકારની ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સની વસ્તીમાં બ્રિટિશ ભારતીયોનો હિસ્સો ૨.૫ ટકા છે. દર વર્ષે ઓછામાં ઓછાં ૨,૦૦,૦૦૦ બ્રિટિશ ભારતીયો અથવા બિનનિવાસી ભારતીયો ભારતની મુલાકાત લે છે. આમાંના ઘણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુસ્ત સમર્થક છે અને ડીમોનીટાઈઝેશન તેમની પહેલને ટેકો આપી રહ્યાં છે.

કીથ વાઝ, ગેરેથ થોમસ અને વિરેન્દ્ર શર્મા જેવા સાંસદોના મત વિસ્તારોમાં ભારતીયોનું પ્રભુત્વ છે અને આ મતદારો દ્વારા તેની મુશ્કેલીનો ઉકેલ લાવવા સાંસદોને વારંવાર કોલ્સ અને વિનંતીઓ મળતી રહે છે.

લેસ્ટર ઈસ્ટના સાંસદ કિથ વાઝે તો ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને વિદેશી નાગરિકો માટે ઓછામાં ઓછા ૬ મહિના સુધી ભારતીય રોકડ ડીપોઝીટ કરાવી શકાય તે રીતે મર્યાદા લંબાવવા અનુરોધ કર્યો છે. તેમણે બેંક ઓફ ઇંગ્લેન્ડના ગર્વનર માર્ક કાર્નીને પત્ર લખી બ્રિટિશ ભારતીયો યુકેમાં તેમની પાસેની બેંક નોટ્સ એક્સચેન્જ કરાવી શકે તેવી છૂટ આપવા વિનંતી કરી છે. આના પ્રતિભાવમાં ગવર્નર કાર્નીએ જણાવ્યું છે કે પોતાની રુપિયા નોટ્સ બદલાવી નહિ શકતા બ્રિટિશ ભારતીયો માટે ભારત સરકાર યુકેસ્થિત ભારતીય બેન્કોમાં કરન્સી બદલાવવા માટે નિર્ણય લઈ શકે છે. આમ કરવામાં કોઈ અવરોધો સર્જાશે નહિ તેવી ચોકસાઈ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા કરાઈ છે. કિથ વાઝે બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીના પ્રતિભાવને આવકાર્યો હતો.

વિરેન્દ્ર શર્માએ ડીમોનીટાઈઝેશન મુદ્દે પ્રવર્તતી અચોક્કસતાનો અંત લાવવા ભારત સરકારને જણાવ્યું છે. લેબર પાર્ટીના ૬૯ વર્ષીય સાંસદને પણ સાઉથ વેસ્ટ લંડનમાં ઇંલિંગ, સાઉથોલના ભારતીય મૂળની ભારે વસતી ધરાવતા મતદારો પાસેથી સંખ્યાબંધ કોલ સહિત પત્રો મળે છે. શર્માએ કહ્યું હતું કે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ્સના ડીમોનીટાઈઝેશનની જાહેરાત પછી લાખો બિનનિવાસી ભારતીયો અચોકક્સતા વચ્ચે જીવી રહ્યાં છે. તેમના પરિવારોએ નાણા ગુમાવવા પડશે કે કેમ તે નહીં જાણવાના તણાવ અને દબાણ અનુભવી રહ્યાં છે. ‘એરપોર્ટ ખાતે નાણાના એક્સચેન્જમાં સમય બચાવવા ઘરમાં થોડાઘણાં પ્રમાણમાં ભારતીય ચલણ રાખનારા હજારો પરીવાર છે. આ લોકોને વિના કારણસર દંડ થઈ રહ્યો છે. ઘરમાં કેટલાક હજાર રૂપિયા હોય તેનાથી તમે કાળાબજારીયા થઈ જતાં નથી અને છતાં તેઓ સહન કરી રહ્યાં છે.’

ભારતમાં જન્મેલા સાંસદ શર્મા ઈચ્છે છે કે ભારતીય રૂપિયા ડિપોઝીટ કરવા ખાતા ખોલાવવા માટે યુકેમાં કાર્યવાહી ચલાવવા ભારત સરકારે ભારતીય બેંકોને મંજૂરી આપવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, ‘આ નાણા તે ખાતામાં જ રખાવવા જોઈએ અને માત્ર ભારતમાં જ તેનો ઉપાડ થઈ શકે. આનાથી અર્થતંત્રનું રક્ષણ થશે તેની સાથે ભારતમાં નહીં રહેતાં હજારો ભારતીય નાગરિકો અને બિનનિવાસી ભારતીયોને આઝાદી પણ મળશે. ’

વર્તમાન પરિસ્થિતિમાં બિનનિવાસી ભારતીયો રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ કેવી રીતે બદલાવી શકે?

NRIsને જાતે જ ભારત જવું પડે અથવા તેમના વતી કોઈ આમ કરી શકે તેવી સત્તા આપવી પડે. જાહેર અને ખાનગી ક્ષેત્રની ભારતીય બેંકોની વિદેશી શાખાઓ દેશની બહાર અમાન્ય થયેલી નોટ્સ સ્વીકારતી નથી.

• જો NRIs ૯મી નવેમ્બર ૨૦૧૬થી ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ વચ્ચે ભારતનો પ્રવાસ કરે તો તેઓ પોતાના NRO એકાઉન્ટમાં નોટ્સ બદલાવી શકે અથવા ડીપોઝીટ કરી શકે.

• જો NRIs ૨જી જાન્યુઆરી ૨૦૧૭થી ૩૧ માર્ચ ૨૦૧૭ની વચ્ચે ભારતનો પ્રવાસ કરવાના હોય તો રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કોઈપણ ચોક્કસ ઓફિસોમાં આવશ્યક દસ્તાવેજો, પાસપોર્ટ અને વિઝાની વિગતો સાથે જઈને તેઓ દેશની બહાર હતા અને નોટ્સ બદલાવવા માગે છે તેમ જણાવી શકે છે. જોકે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કઈ ઓફિસો આ નોટ્સ સ્વીકારશે તેની યાદી હજુ સ્પષ્ટ નથી.

• જો NRIs ભારતમાં અમાન્ય બેંક નોટ્સ ધરાવતા હોય તો ભારતમાં વસતી અન્ય કોઈ વ્યક્તિને પોતાના બેંક એકાઉન્ટમાં નોટ્સ ડીપોઝીટ કરવા માટેનું લેખિત ઓથોરાઇઝેશન આપી શકે છે. આ ઓથોરાઇઝ્ડ વ્યક્તિએ નોટ્સ, તમારા દ્વારા અપાયેલા ઓથોરિટી લેટર અને તમારા વતી નાણા ડીપોઝીટ કરવા માટે યોગ્ય ઓળખના પુરાવા સાથે બેંકમાં જવાનું રહેશે.

• જો NRIs વિદેશમાં નાણા ધરાવતા હોય તો કોઈ વિશ્વસનીય વ્યક્તિ મારફતે ભારત નાણા મોકલી શકે છે અને તેમના વતી નાણા ડિપોઝીટ કરવાનું ઓથોરાઇઝેશન પણ આપી શકે છે.

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ શું માને છે?

બ્રિટિશ ભારતીયો વ્યક્તિદીઠ રૂ. ૨૫,૦૦૦ સાથે ભારત છોડી શકે છે. વ્યક્તિગત રીતે તો આ ઘણી જ નાની રકમ છે. પરંતુ એક સાથે જોવામાં આવે (૨ લાખ મુલાકાતી/ વર્ષ) તો પાંચ વર્ષના ગાળામાં તે અંદાજે રૂ. ૨૫૦૦ કરોડ (૨૫૦ મિલિયન પાઉન્ડ) થાય છે. અમે માનીએ છીએ ભારત સરકારે બ્રિટિશ ભારતીયો અને NRIsને તેમના છેલ્લા ભારત પ્રવાસના પુરાવા વગેરે સહિત આવશ્યક ચકાસણીઓ પછી યુકે સ્થિત ભારતીય બેંકોમાં તેમના નાણા ડીપોઝીટ કરવાની પરવાનગી આપવી જોઈએ. તેઓ જ્યારે પણ ભારતનો પ્રવાસ કરે ત્યારે પોતાના NRO એકાઉન્ટમાંથી આ રકમ ઉપાડી શકે છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એ બાબતને સમર્થન અપાયું છે કે ભારતનો પ્રવાસ કરતી કોઈપણ વ્યક્તિ આજે પણ રૂપિયા ૨૫૦૦૦ સાથે (કાયદેસરની નવી નોટ સાથે) ભારત છોડી શકે છે.

સાંસદો અને ઉમરાવોનો સાથ

આ પગલાંનું સમર્થન કરી રહેલા ઈનવેસ્ટમેન્ટ બેંકર અને બિઝનેસમેન લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિમોનીટાઈઝેશન પહેલ સ્પષ્ટ રીતે ઉમદા ઈરાદો ધરાવે છે. આથી જો વૈશ્વિક NRI કોમ્યુનિટી નિર્દોષ શિકાર બની જાય તો ભારે શરમની વાત ગણાશે. હું મોદી સરકારની વિવેક બુદ્ધિ અને સામાન્ય બુદ્ધિને એ અનુરોધ કરીશ કે NRIને વ્યક્તિદીઠ રૂ. ૨૫૦૦૦ની ડીપોઝીટ ભારતીય બેંકોની વિદેશી બ્રાંચોમાં તેમના પ્રવર્તમાન અથવા નવા બેંક એકાઉન્ટમાં કરવાની સુવિધા આપે. આ સત્તાવાર રકમ હશે જે NRIને ભારતથી પાછા ફરતા લઈ જવાની છૂટ અપાય છે અને તે પણ રોકડમાં. વ્યક્તિગત રીતે સંકળાયેલી રકમો કદાચ નાની હોય પરંતુ આ પ્રશ્ન સિદ્ધાંતનો છે. કાળા નાણા નાબૂદ કરવાનું અભિયાન NRIના સફેદ નાણાને મુશ્કેલીમાં મૂકવાના બિનઈરાદાપૂર્ણ સંજોગોમાં ફેરવાઈ જવું ના જોઈએ. વડાપ્રધાન મોદીએ હવે ગ્લોબલ ઇન્ડિયન ડાયાસ્પોરામાં તેમણે જે અગાધ શુભેચ્છાનું સર્જન કર્યું છે તે જાળવવું જોઈએ.’

બ્રિટિશ સરકારમાં ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરીની મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવતાં ભારતીય મૂળના પ્રીતિ પટેલે વડાપ્રધાન મોદીના નોટબંધીને નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો આ કીમિયો બરાબર રીતે અમલી બને તો ભ્રષ્ટાચાર ડામવા માટે ચોક્કસ કારગત નીવડી શકે છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે,‘નોટબંધી ભ્રષ્ટાચારને ડામવા માટે યોગ્ય પગલું છે. વિશ્વભરમાં કાળુ નાણું મોટી સમસ્યા બની ગઈ છે અને તેના કારણે આતંકવાદ તેમજ કાળાબજારને ઉત્તેજન મળે છે ત્યારે વિશ્વને નોટબંધીનો સંદેશો આપવા માટે મોદીનો પ્રયાસ સરાહનીય છે. ’

અગ્રણી અર્થશાસ્ત્રી લોર્ડ મેઘનાદ દેસાઈએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે ‘હું માનું છું આ સારો વિચાર છે પરંતુ, લોકો પોતાના કાળા નાણાને વ્હાઈટમાં ફેરવવા માટે વિવિધ ચેનલોનો ઉપયોગ કરે છે તેનાથી ભારત સરકાર ઘણી ચિંતિત છે. NRIs આ કૌભાંડનો હિસ્સો નથી તે ભારત સરકારના દિમાગમાં ઉતારવાનું આવશ્યક છે.’

યુકેસ્થિત કાર્યકારી ભારતીય હાઈકમિશનર દિનેશ પટનાયકે ગત મહિને મીડિયાને જણાવ્યું હતું કે, ‘અમારો પ્રયાસ તમામને મદદરૂપ બનવાનો રહેશે. અમે નવી દિલ્હીને આ વિશે (NRIs પાસે પ્રતિબંધિત નોટ્સ) જણાવ્યું છે. મને લાગે છે અમે એવું કાંઈક કરી શકીશું જેનાથી જે લોકો પોતાના ખિસ્સામાં ચોક્કસ રકમ લાવ્યા હોય તેઓ વિદેશ સ્થિત ભારતીય બેંકોમાં ડિપોઝીટ કરાવી શકે. વાસ્તવમાં વિદેશમાં રહેતા લોકો પાસે આનાથી વધુ રકમ હોવી જોઈએ નહીં. આ ઉપરાંત દરેક વ્યક્તિ ભારતીય બેંકમાં ખાતું ધરાવતી ન પણ હોય. આથી તેઓએ નવું એકાઉન્ટ ખોલાવવું પડે અથવા અન્ય વિકલ્પ શોધવો પડે અને હજુ તો ૩૦ ડિસેમ્બર સુધીનો સમય છે.’

તેમણે એમ પણ કહ્યું હતું કે ‘આ કોઈ એમ્નેસ્ટી સ્કીમ અથવા બ્લેકમની એકત્ર કરવાની સ્કીમ નથી. આ કેશલેશ ટ્રાન્ઝેક્શન હાંસલ કરવાની પદ્ધતિ છે. જેનાથી ભ્રષ્ટાચાર અટકી જશે અને બિનકાનૂની સિસ્ટમની અંદર રહેલા નાણાને કાનૂની સિસ્ટમમાં ખેંચી લાવશે. આ ઉપરાંત બનાવટી ભારતીય કરન્સીનું જોખમ પણ નાબૂદ થઈ જશે કારણ કે આ જોખમ મુખ્યત્વે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટનું વધુ હતું. હવે નવી રૂ. ૨૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટમાં મોટા પ્રમાણમાં સિક્યુરિટી ફિચર્સ છે અને તેના કારણે તેની નકલ કરવાનું નકલખોરો માટે વધુ મુશ્કેલ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter