લંડનઃ એનએચએસ સિવાયની સંસ્થાઓમાં કામ કરતા લાખો હેલ્થ વર્કર્સને 3000 પાઉન્ડ સુધીનું વન-ઓફ પેમેન્ટ આપવાની સરકારે જાહેરાત કરી છે. કોમ્યુનિટી નર્સો, સેક્સ્યુઅલ હેલ્થ વર્કર્સ, ફિઝિયોથેરાપિસ્ટ અને નોન-એનએચએસ સંસ્થાઓમાં કામ કરતા અન્ય ફ્રન્ટલાઇન વર્કર્સને 1665 પાઉન્ડના બે વન-ઓફ પેમેન્ટની ચૂકવણી કરાશે.
ડિપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોશિયલ કેરે જણાવ્યું હતું કે, આ પેમેન્ટ દ્વારા સામાજિક સંસ્થાઓ, ચેરિટીઓ, પ્રાઇવેટ હોસ્પિટલો અને સ્થાનિક સત્તામંડળોમાં આરોગ્ય કર્મચારીઓની મહત્વની ભુમિકાને સન્માનિત કરાશે. સરકારની જાહેરાતને આવકારતાં રોયલ કોલેજ ઓફ નર્સિંગે જણાવ્યું હતું કે, આ એક મહત્વનું પગલું છે. જોકે યુનિયને એમ પણ જણાવ્યું હતું કે, આ પેમેન્ટ ગયા વર્ષે 10 લાખ કરતાં વધુ એનએચએસના કર્મચારીઓને અપાયેલ પેમેન્ટ જેટલું હોય તેવી અમારી ઇચ્છા છે. તેમને પાંચ ટકાનો પગાર વધારો પણ આપવો જોઇએ.
હેલ્થ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, આ પેમેન્ટ વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરવા કરાયેલા પ્રયાસોને વિશેષ રીતે સન્માનિત કરવા અપાઇ રહ્યું છે. હેલ્થ એન્ડ સોશિયલ કેર સેક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે જણાવ્યું હતું કે, હું આપણા આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરાતા આકરા પરિશ્રમની કદર કરું છું.