નોન-ડોમ સ્ટેટસ નાબૂદી ભારે પડી

હવે અમીર રોકાણકારોને આકર્ષવા કવાયત, સરકાર નોન-ડોમ સ્ટેટસ અંગે પણ યુ-ટર્ન લે તેવી સંભાવના

Tuesday 13th January 2026 11:47 EST
 

લંડનઃ નોન-ડોમિસાઇલ ટેક્સ સ્ટેટસ નાબૂદ કરાયા બાદ અમીરોના પલાયનથી ચિંતિત સરકાર હવે બ્રિટનમાં અમીર મૂડીરોકાણકારોને આકર્ષવાના પગલાં પર વિચારણા કરી રહી છે. પહેલા વિદેશમાં થતી આવક પર બ્રિટનમાં નોન ડોમ સ્ટેટસ ધરાવતા વ્યક્તિએ ટેક્સ ચૂકવવાનો થતો નહોતો પરંતુ લેબર સરકારે બ્રિટનમાં પ્રથમ 4 વર્ષ દરમિયાન જ ટેક્સમાંથી મુક્તિ આપતી યોજના દાખલ કરી હતી.

હવે સરકાર આ સમયગાળો લંબાવવા અને અમીરો માટેની વિઝા સ્કીમમાં આ મુક્તિ આપવા વિચારણા કરી રહી છે. ચાન્સેલર રેચલ રીવ્ઝે ગયા મહિને નોન ડોમ સુધારાની થયેલી અસરોની સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે.

આ માટે બિઝનેસ સેક્રેટરી પીટર કાયલે પણ પગલાંની તૈયારી કરી રહ્યાં છે. બિઝનેસ ડિપાર્ટમેન્ટની ગ્લોબલ ટેલેન્ટ ટાસ્કફોર્સ યોજનાને પણ તેમાં સામેલ કરાશે. બ્રિટન આ યોજના દ્વારા ઉદ્યોગસાહસિકોને આવકારવા માગે છે. કાયલે બ્રિટનમાં આવીને મોટી કંપનીઓ સ્થાપી શકે તેવા ઉદ્યોગ સાહસિક, વ્યક્તિ અને શિક્ષણવિદ્દોને આકર્ષવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.

જોકે સરકારના ટીકાકારોનું કહેવું છે કે નોન-ડોમ સ્ટેટસ છીનવાઇ જતાં અમીરો વિદેશોમાં સ્થળાંતર કરી રહ્યાં છે ત્યારે પ્રતિભાઓને આકર્ષવાનો સરકારનો પ્રયાસ જ વિરોધાભાસી છે. લોબિંગ ગ્રુપ ફોરેન ઇન્વેસ્ટર્સ ફોર બ્રિટને સરકારને ગ્લોબલ ઇન્વેસ્ટર વિઝા અપનાવવા વિનંતી કરી છે. તેનો દાવો છે કે તેનાથી નોન ડોમ્સની હિજરત અટકાવાશે અને શ્રીમંતોને બ્રિટનમાં આવવા પ્રોત્સાહન મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter