લંડનઃ ચાન્સેલર રેચલ રીવ્ઝે કથિત નોન ડોમ સ્ટેટસ નાબૂદ કરવાની જાહેરાત કરી દીધી છે. તેનો અર્થ એ થયો કે યુકેમાં વસવાટ કરતા લોકોએ વિદેશોમાં થતી આવક પર યુકેમાં ટેક્સ ચૂકવવો પડશે. પછી ભલે તેઓ એવો દાવો કરતા હોય કે તેમનું પ્રાયમરી હોમ વિદેશમાં છે. લેબર સરકાર દ્વારા યુકેમાં મિલિયનો પાઉન્ડનો ટેક્સ અવગણવાના છીંડાને બંધ કરી દેવાયું છે તેથી સુપર રીચ લોકોએ વિદેશી આવકો પર ટેક્સ ચૂકવવો પડશે.
ટ્રેઝરીનો દાવો છે કે કાયદામાં રહેલા આ છીંડાને બંધ કરવાથી આગામી પાંચ વર્ષમાં સરકારી આવકમાં 33.8 બિલિયન પાઉન્ડનો વધારો થશે. સરકાર આ આવકનો ઉપયોગ એનએચએસ જેવી જાહેર સેવાઓ માટે કરી શકશે.
ગયા રવિવારથી નિયમમાં કરાયેલા બદલાવ અનુસાર બ્રિટનમાં 4 કરતાં વધુ વર્ષથી વસવાટ કરનાર કોઇપણ વ્યક્તિએ તેની તમામ પ્રકારની આવક પર યુકેમાં ટેક્સ ચૂકવવો પડશે પછી આ આવક ગમે ત્યાંથી કેમ ન આવી હોય.
ચાન્સેલર રીવ્ઝે જણાવ્યું હતું કે, જો તમે બ્રિટનને તમારું વતન બનાવ્યું છે તો તમારે ટેક્સ ચૂકવવો જ પડશે. હું મારા પ્રથમ બજેટમાં જ અમારા ચૂંટણી ઢંઢેરામાં આપેલા નોન ડોમ સ્ટેટસ નાબૂદ કરવાના વચનનું પાલન કરી શકી છું તેનું મને ગૌરવ છે. આપણે આ ટેક્સની આવક એનએચએસ જેવી જાહેર સેવાઓ માટે ખર્ચી શકીશું. આજે અમે આપેલા વચનનું પાલન કરી બતાવ્યું છે.
બ્રિટનમાં નવા આગંતકોને જો તેઓ છેલ્લા 10 વર્ષથી વિદેશમાં રહેતા હશે તો તેમને વિદેશી આવક પર 4 વર્ષ સુધી કોઇ ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં.
સરકારે જણાવ્યું હતું કે, નોન ડોમ સ્ટેટસ નાબૂદ કરવાથી ગ્લોબલ ટેલેન્ટને બ્રિટનની પસંદગી માટે પ્રોત્સાહન મળશે. નવી સિસ્ટમ અમીરોને તેમના નાણા વિદેશને બદલે બ્રિટનમાં જ રોકવા માટે પ્રોત્સાહિત કરશે.
નોન ડોમ સ્ટેટસ નાબૂદ કરવાથી બ્રિટનને 2035 સુધીમાં 111 બિલિયન પાઉન્ડનું નુકસાન
એડમ સ્મિથ ઇન્સ્ટિટ્યુટે ચેતવણી આપી છે કે નોન ડોમ સ્ટેટસ નાબૂદ કરવાથી બ્રિટનને વર્ષ 2035 સુધીમાં 111 બિલિયન પાઉન્ડનું નુકસાન થઇ શકે છે. તેના કારણે વર્ષ 2030 સુધીમાં 44,000 નોકરીઓ ગુમાવવાનો વારો આવશે. સંસ્થાએ બ્રિટન છોડી રહેલા 21,100 નોન ડોમ સ્ટેટસધારકો પૈકીના ફક્ત 50 ટકાની ગણતરી કરીને આ આંકડા આપ્યા છે.
સંસ્થાના જણાવ્યા અનુસાર જો 7,094 નોન ડોમ્સ યુકે છોડીને જશે તો પણ યુકેને વર્ષ 2035 સુધીમાં 32.4 બિલિયન પાઉન્ડનું નુકસાન વેઠવું પડશે અને વર્ષ 2030 સુધીમાં 28,322 નોકરી ગુમાવવાનો વારો આવશે. આ રવિવારથી નોન ડોમ સ્ટેટસ નાબૂદ કરવા સરકાર તૈયારી કરી રહી છે.
સ્ટીલ ટાયકૂન લક્ષ્મી મિત્તલ યુકે છોડી જાય તેવી સંભાવના
નોન ડોમ રેસિડેન્ટને અપાતી કર રાહતોનો અંત આવતા છેલ્લા 30 વર્ષથી યુકેમાં વસવાટ કરતા સ્ટીલ ટાયકૂન લક્ષ્મી મિત્તલ દેશ છોડવાની વિચારણા કરી રહ્યાં છે. કર સુધારાને કારણે દેશ છોડી જનારા હાઇ પ્રોફાઇલ ઉદ્યોગ સાહસિકોમાં લક્ષ્મી મિત્તલનો પણ સમાવેશ થવા જઇ રહ્યો છે.
લેબર સરકાર દ્વારા નોન ડોમ ટેક્સ સુધારા બાદ લક્ષ્મી મિત્તલ હાલ વિકલ્પો ચકાસી રહ્યાં છે. તેમના નિકટના સૂત્રના જણાવ્યા અનુસાર મિત્તલ 2025ના અંત સુધીમાં નિર્ણય લે તેવી સંભાવના છે.
મિત્તલનો પરિવાર 14.9 બિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવે છે. તેઓ સમગ્ર વિશ્વમાં લક્ઝરી પ્રોપર્ટી ધરાવે છે. તેમની કંપની આર્સેલર મિત્તલ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની છે.