લંડનઃ નોન ડોમ ટેક્સના કારણે મિલિયોનર્સ યુકેમાંથી ઉચાળા ભરી રહ્યાં છે ત્યારે અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે નોન ડોમ રિજિમમાં બદલાવના કારણે સરકારને તેના અંદાજ કરતાં 25 ટકા જ ટેક્સની આવક થશે. સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચના જણાવ્યા અનુસાર જો એકપણ નોન ડોમ સ્ટેટસ ધરાવતી વ્યક્તિ યુકે છોડીને ન જાય તો પણ સરકારને પ્રથમ વર્ષે ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીના 10.3 બિલિયન પાઉન્ડના અંદાજ સામે ફક્ત 2.5 બિલિયન પાઉન્ડની જ આવક થશે.
સંસ્થાએ જણાવ્યું હતું કે, ઓબીઆરના અંદાજ ઘણા ઊંચા છે. કરવેરાની આવક અંદાજ કરતાં ઘણી ઓછી રહેવાની છે. જો નોન ડોમ સ્ટેટસ ધરાવતા 25 ટકા લોકો પણ યુકે છોડીજશે તો ટ્રેઝરીનો નેટ લાભ શૂન્ય થઇ જશે. ટ્રેઝરી ખોટ કરવા લાગશે. જો 50 ટકા દેશ છોડીને જાય તો પ્રથમ વર્ષે ટ્રેઝરીને 2.4 બિલિયન પાઉન્ડની ખોટ જશે.
શેડો બિઝનેસ સેક્રેટરી એન્ડ્રુ ગ્રીથે જણાવ્યું છે કે, આ સ્વતંત્ર રિસર્ચ દર્શાવે છે કે ચાન્સેલરની તમામ ગણતરીઓ ખોટી છે અને તેમને બિઝનેસમાં ગતાગમ પડતી નથી. જે રીતે અમીરો બ્રિટન છોડીને જઇ રહ્યાં છે તે અર્થતંત્ર માટે ભયાનક હાનિકારક છે.
થિન્ક ટેન્ક એડમ સ્મિથ ઇન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરાયેલ મોડેલ અનુસાર નોન ડોમ ટેક્સના કારણે વર્ષ 2030 સુધીમાં 44,000 નોકરી ગુમાવવી પડશે અને 2035 સુધીમાં અર્થતંત્રને 111 બિલિયન પાઉન્ડનું નુકસાન થશે.