નોન ડોમિસાઇલ્ડ ટેક્સ સિસ્ટમ નાબૂદ કરવાની હન્ટની ઘોષણા

નોન ડોમ્સ માટે નવી ટેક્સ સિસ્ટમ લવાશે, એપ્રિલ 2025થી યુકેમાં નવા આગંતુકોને 4 વર્ષ માટે વિદેશી આવક પર કરમુક્તિ અપાશે, 4 વર્ષ બાદ યુકેના રહેવાસીની જેમ જ ટેક્સ ચૂકવવો પડશે

Tuesday 12th March 2024 16:22 EDT
 
 

લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટે સ્પ્રિંગ બજેટમાં નોન ડોમ સ્ટેટસ અંતર્ગત ટેક્સ સિસ્ટમ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. હન્ટે જણાવ્યું હતું કે, અમે નોન ડોમ્સ સિસ્ટમના સ્થાને નવી આધુનિક, સરળ અને પારદર્શી રેસિડન્સી બેઝ્ડ સિસ્ટમ લાવીશું. તેઓ આ સિસ્ટમના સ્થાને નવી પારદર્શક અને અન્ય દેશો સાથે સ્પર્ધા કરી શકે તેવી સિસ્ટમ લાગુ કરશે. સરકાર નોન-ડોમ્સ માટેની હાલની ટેક્સ સિસ્ટમ નાબૂદ કરશે. એપ્રિલ 2025થી યુકેમાં આવતા નવા રહેવાસીઓએ પ્રથમ ચાર વર્ષ માટે વિદેશમાં થતી આવક અને લાભ પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. ચાર વર્ષ બાદ તેમને પણ યુકેના રહેવાસીઓની જેમ જ સમાન ટેક્સ ચૂકવવાનો રહેશે.

નોન ડોમિસાઇલ્ડ સ્ટેટસ એવા લોકોને આપવામાં આવે છે જેઓ બ્રિટનમાં વસવાટ તો કરે છે પરંતુ બ્રિટનને પોતાનું કાયમી નિવાસસ્થાન માનતા નથી. તેથી તેમણે યુકેમાં થતી આવક માટે જ ટેક્સ ચૂકવવો પડે છે પરંતુ વિદેશમાં થયેલી આવક પર કોઇ ટેક્સ ચૂકવવો પડતો નથી. હન્ટે જણાવ્યું હતું કે, નોન ડોમ સ્ટેટસ નાબૂદ કરવાથી સરકારને પ્રતિ વર્ષ 2.7 બિલિયન પાઉન્ડની આવક થશે.

હન્ટે જણાવ્યું હતું કે, સરકાર હાલની નોન ડોમ્સ સિસ્ટમનો લાભ લેતા કરદાતાઓ માટે ટ્રાન્ઝિશનલ વ્યવસ્થાઓ ગોઠવશે જેમાં કરદાતાઓને વિદેશમાં કરેલી કમાણી યુકેમાં લાવવા પ્રોત્સાહન આપવા બે વર્ષનો સમય અપાશે જેથી આ રકમ યુકેમાં ખર્ચ અને રોકાણ કરી શકાય. આ પગલાંના કારણે વિદેશમાંથી થતી 15 બિલિયન પાઉન્ડની આવક દેશમાં આવશે અને સરકારને ટેક્સ પેટે 1 બિલિયન પાઉન્ડ કરતાં વધુની આવક થશે.

સુનાક સરકારે મૂળભૂત રીતે તો લેબર પાર્ટીએ નોન ડોમ્સ માટે સૂચવેલી નીતિ જ અપનાવી લીધી છે. સરકારને તેનાથી પ્રતિ વર્ષ 2.7 બિલિયન પાઉન્ડની આવક થશે જેનો ઉપયોગ તે અન્ય કરવેરામાં રાહત આપવામાં કરી શકે છે.

એચએમઆરસીના આંકડા પ્રમાણે 2022માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં યુકેમાં 68,000 લોકો નોન ડોમ્સ હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter