લંડનઃ ચાન્સેલર રેચલ રીવ્ઝે જણાવ્યું છે કે નોન ડોમ સ્ટેટસ તાત્કાલિક દૂર કરાશે નહીં પરંતુ તેમાં મળતા કરવેરાના લાભ તબક્કાવાર દૂર કરાશે. આ માટે સરકાર તેની યોજનામાં જરૂરી સુધારા કરશે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધન કરતાં રીવ્ઝે જણાવ્યું હતું કે, યુકેમાં પોતાની આવક લાવવા માટે નોન ડોમ સ્ટેટસ ધરાવતા લોકોને મદદ કરવા આ સુવિધામાં સરકાર વલણ હળવું કરશે અને તે માટે સંસદમાં ખરડો રજૂ કરાશે.
નોન ડોમ સ્ટેટસ ધરાવતા અને બ્રિટનમાં વસવાટ કરતા લોકોને અત્યાર સુધી વિદેશમાં થતી આવક પર યુકેમાં કરવેરા ચૂકવવા પડતા નહોતા. પરંતુ લેબર સરકારે તેના ચૂંટણી ઢંઢેરામાં નોન ડોમ સ્ટેટસ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાત પર ચિંતા વ્યક્ત કરતા ટીકાકારોએ જણાવ્યું હતું કે, આ પગલાંથી મોટી સંખ્યામાં અમીરો યુકેમાંથી પલાયન કરી જશે.
રીવ્ઝે જણાવ્યું હતું કે, અમે નોન ડોમ કોમ્યુનિટી દ્વારા વ્યક્ત કરાઇ રહેલી ચિંતાઓ પર ધ્યાન આપી રહ્યાં છીએ. ટેમ્પરરી રિપેટ્રિએશન ફેસિલિટીમાં અમે બદલાવ કરી 3 વર્ષ માટે એક સ્કીમ લાગુ કરીશું. જેમાં નોન ડોમ કોમ્યુનિટીને યુકેમાં વિદેશી આવક લાવવા પર કરવેરામાં રાહત અપાશે.
ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, ફાઇનાન્સ બિલમાં સુધારા કરીને આ બદલાવ કરાશે પરંતુ તેનાથી નોન ડોમ રિજિમ નાબૂદ કરવાના સરકારના વલણમાં કોઇ બદલાવ થશે નહીં. ટ્રેઝરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ બદલાવોથી આગામી પાંચ વર્ષમાં 33.8 બિલિયન પાઉન્ડ એકઠા કરવાની સરકારની નીતિ પર કોઇ અસર થશે નહીં. નવી હંગામી યોજના દ્વારા નોન ડોમ કોમ્યુનિટીને વિદેશમાંથી નાણા યુકેમાં લાવવા અને મૂડીરોકાણ કરવા પ્રોત્સાહન અપાશે.


