નોબેલ પારિતોષિક વિજેતા લેખક સર વી.એસ. નાઈપોલનું નિધન

Thursday 16th August 2018 03:32 EDT
 
 

લંડનઃ મૂળ ભારતીય બ્રિટિશ લેખક અને નોબેલ પારિતોષિક વિજેતા સર વિદ્યાધર સૂરજપ્રસાદ (વીએસ) નાઈપોલનું ૮૫ વર્ષની વયે તેમના લંડન ખાતેના નિવાસે શનિવાર, ૧૧ ઓગસ્ટે નિધન થયું હતું. તેમના પત્ની લેડી નાદિરા પોલે જણાવ્યું હતું કે ‘તેમણે જે સિદ્ધિઓ હાંસલ કરી તેમાં તેઓ મહાન રહ્યા હતા. તેમણે અદ્ભૂત સર્જનાત્મકતા અને ઉદ્યમસભર જીવન જીવ્યું હતું.’

ત્રિનિદાદમાં ૧૯૩૨માં જન્મેલા નાઈપોલે ૩૦થી વધુ પુસ્તકો લખ્યા હતા, જેમાં સંસ્થાનવાદનો વિષય મુખ્ય રહ્યો હતો. તેમના લખાણોમાં ધર્મ, રાજકારણીઓ અને સાહિત્યના સ્થાપિત સ્થંભો પર આકરા પ્રહારો કરાયા હતા. તેમને ૧૯૭૧માં બુકર પ્રાઈઝ, ૧૯૯૩માં ડેવિડ કોહેન બ્રિટિશ લિટરેચર પ્રાઈઝ અને ૨૦૦૧માં સાહિત્ય નોબેલ પારિતોષિકથી સન્માનિત કરાયા હતા. તેમને ૧૯૯૦માં નાઈટહૂડથી સન્માનિત કરાયા હતા. ૨૦૦૮માં ધ ટાઈમ્સે ૫૦ મહાન બ્રિટિશ લેખકોની યાદીમાં નાઈપોલને ૭મું સ્થાન આપ્યું હતું. તેમની સરખામણી કોનરાડ, ડિકન્સ અને ટોલ્સ્ટોય સાથે કરાતી હતી.

નાઈપોલનું પ્રથમ પુસ્તક ‘ધ મિસ્ટિક મેસર’ ૧૯૫૧માં પ્રકાશિત થયું હતું. તેમની કેટલીક પ્રખ્યાત કૃતિઓમાં ‘ઈન અ ફ્રી સ્ટેટ’ (૧૯૭૧), ‘અ વે ઈન ધ વર્લ્ડ’ (૧૯૯૪), ‘હાફ અ લાઈફ’ (૨૦૦૧) અને '‘મેજિક સીડ્સ’ (૨૦૦૪) છે. વિવેચકોએ પણ ૧૯૬૧માં પ્રકાશિત નવલકથા ‘અ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાસ’ને તેમની અત્યંત પ્રભાવશાળી પુસ્તકોમાં એક તરીકે ગણાવી હતી. ઈસ્લામિક કટ્ટરવાદ કે રુઢિવાદ વિશે તેમના બહુચર્ચિત પુસ્તકો ‘અમોન્ગ ધ બિલિવર્સ’ (૧૯૮૧) અને ‘બિયોન્ડ બિલિફ’ (૧૯૯૮) બીન-આરબ ‘ધર્માંતરિત’ ઈસ્લામિક દેશોના પ્રવાસ પછી લખાઈ હતી. નાઈપોલ અંગ્રેજી સાહિત્યમાં મહાન ગણાતા ચાર્લ્સ ડિકન્સ જેવા લેખકોની ટીકા કરતા પણ ખચકાયા ન હતા. તેમણે સલમાન રશદી વિરુદ્ધ આયાતોલ્લાહ ખોમૈનીના ૧૯૮૯ના ફતવાને ‘સાહિત્યિક ટીકાના આત્યંતિક પ્રકાર’ તરીકે ગણાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter