લંડનઃ વિન્ટર વોમિટિંગ બગ નોરો વાઇરસના દર્દીઓમાં વધારો થતાં એનએચએસ હોસ્પિટલોએ મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રારંભ કર્યો છે. છેલ્લા એક સપ્તાહમાં નોરો વાઇરસના દર્દીઓની સંખ્યામાં 19 ટકાનો વધારો થયો છે અને હાલ 498 દર્દી વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યાં છે. આ રોગનો પ્રસાર સમગ્ર દેશમાં થઇ રહ્યો હોવાના કારણે હોસ્પિટલોએ હવે મુલાકાતીઓ પર રોક લગાવવાનું શરૂ કરી દીધું છે.
નોરો વાઇરસની સાથે દેશમાં નવો કોરોના વેરિઅન્ટ જેએન.1 પણ માથું ઉંચકી રહ્યો છે. આરોગ્ય સત્તાવાળાઓને ભય છે કે નવો કોવિડ વેરિઅન્ટ દેશમાં નવો કોરોના વેવ લાવી શકે છે જેના કારણે એનએચએસમાં અંધાધૂંધી ફેલાઇ શકે છે.
ચેસ્ટર હોસ્પિટલ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટે જણાવ્યું હતું કે નોરો વાઇરસના દર્દીઓમાં વધારો થતાં અમે મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરી દીધી છે. દર્દીઓની વધી રહેલી સંખ્યાના કારણે હોસ્પિટલના કર્મચારીઓ પર પણ જોખમ તોળાઇ રહ્યું છે.

