લંડનઃ પર્યાવરણ એજન્સીના જણાવ્યા અનુસાર વસંત ઋતુમાં વરસાદની વિક્રમજનક અછત સર્જાતાં નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં દુકાળની સત્તાવાર જાહેરાત કરાઇ છે. આ વિસ્તારોના રહેવાસીઓને નદીઓ અને જળાશયોમાં પાણીનો જથ્થો 60 કરતાં ઓછો થઇ જવાના કારણે પાણીનો વપરાશ ઘટાડવાની અપીલ કરાઇ છે.
પર્યાવરણ એજન્સીના જણાવ્યા અનુસાર 1929 બાદ પહેલીવાર નોર્થ વેસ્ટ અને નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં વરસાદની વિક્રમજનક અછત વર્તાઇ છે. સમગ્ર ઇંગ્લેન્ડની વાત કરીએ તો 1956 પછી પહેલીવાર ફેબ્રુઆરીથી એપ્રિલમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
સમગ્ર યુકેમાં 1910 પછી પહેલીવાર વસંત ઋતુમાં આટલું ઊંચુ તાપમાન નોંધાયું છે. 1 માર્ચથી 27 મે વચ્ચે 630 કલાક સૂર્યપ્રકાશ જોવા મળ્યો છે જે અગાઉના વર્ષમાં ફક્ત 377 કલાક રહ્યો હતો. ઇંગ્લેન્ડમાં ઓક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024 વચ્ચે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો જેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે અત્યંત વરસાદ અને અત્યંત સૂકા દિવસોમાં આવી રહેલા બદલાવ ક્લાઇમેટ ચેન્જના સંકેત આપી રહ્યાં છે.
2026 સુધીમાં પીવાના પાણીની તીવ્ર અછત સર્જાવાની ચેતવણી
વર્ષ 2026 સુધીમાં બ્રિટનમાં પીવાના પાણીની તીવ્ર અછત સર્જાવાની ચેતવણી જારી કરાઇ છે. 1976માં બ્રિટનમાં પડેલા દુકાળ દરમિયાન પીવાના પાણીની તીવ્ર અછત સર્જાઇ હતી. હવામાન કચેરીના જણાવ્યા અનુસાર 2025ની વસંતુ ઋતુમાં લંડન, હેમ્પશાયર, માન્ચેસ્ટર અને યોર્કશાયરમાં છેલ્લા 3 સપ્તાહમાં એક ટીપું પણ વરસાદ થયો નથી.
નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં તોળાતો હોસપાઇપ પ્રતિબંધ
નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં દુકાળની જાહેરાત બાદ હોસ પાઇપ પ્રતિબંધ તોળાઇ રહ્યો છે. ગ્રેટર માન્ચેસ્ટર, મર્સીસાઇડ, ચેશાયર, કમ્બ્રિયા અને લેન્કેશાયરમાં દુકાળની સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે. રીડિંગ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. જેસ ન્યૂમેને જણાવ્યું છે કે દુકાળની જાહેરાત હોસપાઇપ પ્રતિબંધના સ્પષ્ટ સંકેત આપી રહી છે. વોટર કંપનીઓએ તાત્કાલિક એક્શન પ્લાન જાહેર કરવાની જરૂર છે.