લંડનઃ નોર્થ સીમાં ઓઇલ અને ગેસ ફિલ્ડને પ્રોત્સાહન આપવાની સરકારની યોજના સામે સર આલોક શર્માએ બળવો પોકારી દીધો છે. સીઓપી26ના પૂર્વ અધ્યક્ષ સર આલોક શર્માએ નવા ડ્રિલિંગ લાયસન્સને પ્રોત્સાહન આપતા ખરડા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, યુકે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં પીછેહઠ કરી રહ્યો હોવાનો સંદેશ સમગ્ર વિશ્વમાં જશે.
નોર્થ સીમાં ડ્રિલિંગ લાયસન્સના મામલે ટોરી સાંસદોમાં વિરોધ ઉગ્ર બની રહ્યો છે. પૂર્વ એનર્જી મિનિસ્ટર ક્રિસ સ્કિડમોરે તેના વિરોધમાં સાંસદ અને વ્હિપ પદેથી રાજીનામુ આપી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, આ કાયદાને સમર્થન આપનાર દરેકનો ભવિષ્ય આકરો ન્યાય કરશે.
સર આલોક શર્માએ જણાવ્યું હતું કે, આ ખરડાને કારણે કશું બદલાઇ જવાનું નથી કારણ કે નોર્થ સી ટ્રાન્ઝિશન ઓથોરિટી જરૂરી લાગે ત્યારે લાયસન્સ જારી કરી જ શકે છે. હું આ ખરડાના સમર્થનમાં મતદાન કરવાનો નથી.
સ્કિડમોરના રાજીનામાથી પેટાચૂંટણીની નોબત
પૂર્વ એનર્જી મિનિસ્ટર ક્રિસ સ્કિડમોરે સરકારની ક્લાઇમેટ નીતિઓની નિષ્ફળતાના મુદ્દે સાંસદપદેથી રાજીનામુ ધરી દેતાં વડાપ્રધાન સુનાકને વધુ એક પેટા ચૂંટણીનો સામનો કરવો પડશે. પૂર્વ નેટ ઝીરો ઝારે જણાવ્યું હતું કે, હું સરકારની ખોટી નીતિઓને સમર્થન આપી શક્તો નથી. સ્કિડમોરે ટોરી પાર્ટીમાંથી પણ રાજીનામુ આપી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, બ્રિટન તેની ક્લાઇમેટ લીડરશિપ ગુમાવી ચૂક્યો છે જે એક કરૂણ બાબત છે. સ્કિડમોરના રાજીનામાને પગલે હવે કિંગ્સવૂડની ગ્લૂસેસ્ટરશાયર બેઠક પર પેટાચૂંટણીની નોબત આવી છે.


