લંડનઃ નોર્થ હેરોના પિનર રોડ ખાતે શનિવારે વહેલી સવારે એક વ્યક્તિની હત્યા માટે પોલીસે એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. મૃતક વહેલી સવારે ચાકૂથી થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. લંડન એમ્બ્યુલન્સ સર્વિસ અને એર એમ્બ્યુલન્સ સર્વિસે આ વ્યક્તિને બચાવવાના ભરપૂર પ્રયાસો કર્યાં છતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મેટ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોલીસે 20 વર્ષના એક યુવાનની શંકાના આધારે ધરપકડ કરી છે. સ્થાનિક સાંસદ ગેરેથ થોમસે મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે હેરોના વતની એવા 49 વર્ષીય બોધન વેન્ડઝૂરાની અજાણ્યા હુમલાખોરે ચાકૂના ઘા મારીને હત્યા કરી નાખી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર છાતી અને ગળા પર ચાકૂના સંખ્યાબંધ ઘાના કારણે તેનું મોત થયું હતું.


