નોર્થસ્ટોમાં મંદિર બનાવવાની નિવિદા નકારાતાં હિન્દુઓ નારાજ

ધાર્મિક કાર્યો માટેની જમીન ચર્ચ નેટવર્ક અને મુસ્લિમ સંગઠનને ફાળવાઇ

Tuesday 07th July 2026 10:39 EDT
 
 

લંડનઃ કેમ્બ્રિજશાયરમાં હિન્દુઓને મંદિર બનાવવા માટે જમીન ન મળતા મોટો આંચકો લાગ્યો છે. સ્થાનિક કાઉન્સિલે નોર્થસ્ટો શહેરમાં ધાર્મિક કાર્યો માટે ફાળવાયેલ જમીનનો ટુકડો હિન્દુ ચેરિટીને આપવાને બદલે એક ચર્ચ અને મુસ્લિમ જૂથને આપી દીધો છે જેના કારણે હિન્દુ સમુદાયમાં નારાજગી જોવા મળી રહી છે. સાઉથ કેમ્બ્રિજશાયર ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે નોર્થસ્ટો ચર્ચ નેટવર્કને 999 વર્ષ માટે 0.2 હેક્ટર જમીન લીઝ પર આપી દીધી છે જેના માટે તેમણે નજીવુ ભાડુ ચૂકવવું પડશે.

હિન્દુ સમાજ નોર્થસ્ટોએ પણ જમીન માટે બોલી લગાવી હતી અને ત્યાં મંદિરની સાથે સાથે વિવિધ ધર્મના લોકો માટે એક સેન્ટર અને વેલબીઇંગ સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મૂલ્યાંકન કરનારા કાઉન્સિલ અધિકારીઓએ હિન્દુ સમાજની બોલીને 65 ટકા અને ચર્ચ નેટવર્કની બોલીને 81 ટકા ગુણ આપ્યા હતા તેથી જમીન ચર્ચ નેટવર્કને ફાળવવામાં આવી હતી. ચર્ચ નેટવર્કના પ્રસ્તાવમાં નોર્થસ્ટોના મુસ્લિમોને એક મુખ્ય ભાડૂઆત તરીકે સામેલ કરવાની જોગવાઇ છે જેમાં તેમની પાસે પોતાનો ઇસ્લામિક પ્રાર્થના ખંડ અને શિક્ષણ કેન્દ્ર હશે.

કેમ્બ્રિજશાયરમાં ઘણા ચર્ચ અને મસ્જિદ આવેલા છે પરંતુ એકપણ મંદિર નથી તેથી હિન્દુઓને પૂજા-અર્ચના માટે બર્મિંગહામ અથવા વેમ્બલી સુધી બે કલાકની મુસાફરી કરવી પડે છે. તેઓ આવી સામુદાયિક જગ્યાઓ તાત્કાલિક ભાડે રાખી શક્તા નથી તેનાથી તહેવારો ઉજવવા મુશ્કેલ બની જાય છે. ઘણીવાર મૂર્તિઓને કેરી બેગમાં ભરીને ગેરેજમાં રાખવામાં આવે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા દરમિયાન મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થાય છે.

હિન્દુ સમાજ નોર્થસ્ટોના ચેરપર્સન અપર્ણા નિગમ સક્સેનાએ જણાવ્યું હતું કે, અમને ઘણી નિરાશા છે કે નિર્ણય અમારા પક્ષમાં આવ્યો નથી. અમને પ્રક્રિયાની પારદર્શિતા પર પણ ઘણા સવાલો છે. અમે અપીલ કરવા વિચારી રહ્યાં છીએ. નોર્થસ્ટોમાં રહેતા 150 હિન્દુ પરિવારો ઘણા દુઃખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter